• બુધવાર, 04 નવેમ્બર, 2026

ઓમાન પાસે ભારતીય જહાજ પર હુમલો

નવી દિલ્હી, તા. 3 : મધ્ય-પૂર્વમાં અશાંતિ વચ્ચે વધુ એક વખત ભારતીય માલવાહક જહાજ હુમલાનો ભોગ બન્યું છે, જેમાં 14 ભારતીય નાવિકોમાંથી ગુજરાતના વતની ગંધાર નહીમ અજીજનું મોત થયું હતું. 13ને બચાવી લેવાયા હતા. ઓમાનના દરિયાકાંઠા પાસે ભારતીય માલવાહક જહાજ એમએસવી અલ યુસુફી પર હુમલાથી નારાજ વિદેશ મંત્રાલયે કહ્યું કે, સતત બની રહેલી આ પ્રકારની ઘટનાઓ ચિંતાજનક છે. કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલે હુમલાની ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરી મૃતકના પરિવારજનોને સંવેદના પાઠવી હતી. સોનોવાલે જણાવ્યું હતું કે, ભારતીય માલવાહક જહાજ એમએસવી અલ યુસુફી ઓમાનના દરિયાકાંઠા નજીકથી પસાર થઇ રહ્યું હતું, ત્યારે કોઇ અજ્ઞાત વસ્તુથી તેને નિશાન બનાવવામાં આવ્યું હતું. જહાજ પર કુલ 14 ભારતીય નાવિક સવાર હતા, જેમાંથી ગંભીર ઇજાગ્રસ્ત એક નાવિકને બચાવી શકાયો ન હતો. કેન્દ્રીય મંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ `એક્સ' પર જણાવ્યું હતું કે, જહાજ પર મોજૂદ 13 ચાલકદળના સભ્યોને ઓમાન કોસ્ટગાર્ડ દ્વારા ત્વરિત કામગીરી કરીને બચાવી લેવાયા હતા. તેમણે જણાવ્યું હતું કે, ઓમાન સ્થિત ભારતીય દૂતાવાસ સ્થાનિક અધિકારીઓના સંપર્કમાં છે અને સુરક્ષિત બચાવવામાં આવેલા તમામ 13 ભારતીય નાવિકને જરૂરી સહાયતા પૂરી પાડવાના પ્રયાસમાં છે. દરમ્યાન, ભારતીય જહાજ પર હુમલા અંગે વિદેશ મંત્રાલયે આકરી પ્રતિક્રિયા આપી હતી. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ગઇકાલે સાંજે ઓમાનના લીમા પાસે એમએસવી એએલ યુસુફી પરના હુમલાની અમે નિંદા કરીએ છીએ. મંત્રાલયે કહ્યું કે, ક્ષેત્રમાં વ્યાવસાયિક જહાજો પર થઇ રહેલા હુમલાની સતત ઘટના ચિંતાજનક છે. અમે તંગદિલીને ઘટાડવા ફરી હાકલ કરીએ છીએ. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd