ગાંધીધામ, તા. 3 : પૂર્વ કચ્છમાં બુટલેગરો વિરુદ્ધ પોલીસની લાલઆંખના અભિયાન અંતર્ગત અહીંના ત્રણ
શખ્સો સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી ત્રણેયની પાસા તળે અટક કરી જુદી-જુદી જેલમાં ધકેલી
દેવામાં આવ્યા હતા. આ અભિયાન અંતર્ગત રાજ્ય બહારથી પ્રતિબંધિત દારૂનો જથ્થો મગાવી તેનો
સંગ્રહ કરી હેરફેર કરતા શખ્સો વિરુદ્ધ એલ.સી.બી. અને અંજાર પોલીસ દ્વારા દરખાસ્તો કરવામાં
આવી હતી. પોલીસ અધીક્ષક સાગર બાગમાર મારફતે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા સમક્ષ આ
દરખાસ્તો મોકલવામાં આવી હતી, જેને લીલી ઝંડી મળતાં પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે
ગળપાદરના રાહુલ વિનોદ ચૌહાણ, દિનેશ ઉર્ફે બંટી પકારામ મીણા તથા
દિલીપ મોગરામ મીણાની પાસા તળે અટકાયત કરી હતી અને રાહુલને લાજપોર-સુરત, દિનેશને વડોદરા તથા દિલીપને અમદાવાદની મધ્યસ્થ જેલમાં ધકેલી દેવામાં આવ્યો
હતો. આ શખ્સો પૈકી રાહુલ સામે 8, દિનેશ સામે બે તથા દિલીપ સામે દારૂ સંબંધી પાંચ ગુના નોંધાયેલા છે.