• બુધવાર, 04 નવેમ્બર, 2026

ગાંધીધામ રેલવે મથકે 1.95 લાખના શરાબ સાથે શખ્સની ધરપકડ

ગાંધીધામ, તા. 3 : પૂર્વ કચ્છમાં પોલીસે દારૂ અંગેની બે કાર્યવાહી કરીને કુલ રૂા. 2,80,920નો દારૂ જપ્ત કર્યો હતો. રેલવે મથકેથી રૂા. 1,95,570ના શરાબ સાથે શખ્સને ઝડપી લેવાયો હતો તેમજ મેઘપર-બોરીચી ગોકુલ કંપની પાછળથી રૂા. 85,350નો વિદેશી બનાવટનો દારૂ પકડાયો હતો, પણ આરોપી હાથમાં આવ્યો ન હતો. ગાંધીધામ રેલવે મથકે આજે બપોરે રેલવે પોલીસ ભગત કી કોઠી ટ્રેનના મુસાફરોની તપાસ કરી રહી હતી. દરમ્યાન એસ-6માં બાથરૂમ પાસે શંકાસ્પદ શખ્સ પોતાની પાસે રહેલા સાત થેલા આડાઅવળા કરતાં પોલીસને વધુ શંકા ગઇ હતી. મધ્યપ્રદેશના દીપકગિરિ મુકેશગિરિ ગોસ્વામીને પકડી પાડી બેગની તપાસ કરાતાં દારૂ નીકળી પડયો હતો. આ થેલાઓમાંથી ગ્રીન લેબલના 240 ક્વાર્ટરિયા, 8પી.એમ.ના 96, સ્મર્નઓફના 128, સિગ્નેચર રેરના 160, બ્રધર્સ એન્ડ કંપનીના 96, મેજિક મોમેન્ટના 96 ક્વાર્ટરિયા તથા બ્લેન્ડર્સ પ્રાઇડની 12 અને રોક પેપરની 12, એન્ટિક્યુટીની 6, સિગ્નેચર રેરની 6 બોટલ એમ કુલ 816 ક્વાર્ટરિયા તથા 36 બોટલ કુલ કિંમત રૂા. 1,95,570નો દારૂ જપ્ત કરાયો હતો. રાજસ્થાન જોધપુરના ઓમપ્રકાશ ઉર્ફે ઓપીએ આ દારૂ ગાંધીધામના કોઇ બાપુને પહોંચાડવા માટે રૂા. 5000 તેને આપ્યા હોવાનું બહાર આવ્યું હતું, પણ આ બાપુ કોણ છે તે પોલીસ ખોલાવી શકી નથી. બીજીબાજુ મેઘપર-બોરીચી ગોકુલ કંપની પાછળ બાવળની ઝાડીમાં ઊભેલી કારમાં દારૂ વેચાતો હોવાની પૂર્વ બાતમીના આધારે સ્થાનિક પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસ પહોંચે તે પહેલાં બુટલેગરને ગંધ આવી ગઇ હોય તેમ કારમાં ચાવી રાખી, દરવાજાના કાચ ખુલ્લા રાખી તે ઓઝલ થઇ ગયો હતો. અહીં ઊભેલી નંબર પ્લેટ વગરની કારમાંથી આયર્લેન્ડ બનાવટની જેમ્સન રિઝર્વની 150 મિ.લિ.ની છ, જેમ્સન ટ્રીપલની 12 બોટલ, એલ્સોલ્ટ વોડકા સ્વીડન બનાવટની 12 બોટલ, સ્કોટલેન્ડ બનાવટની બેલેન્ટાઇન્સ સ્કોચ વ્હીસ્કીની 12 બોટલ તથા તેન્કેવેરા લંડન બનાવટની 1 લિટરની છ બોટલ એમ કુલ રૂા. 85,350નો વિદેશી દારૂ જપ્ત કરાયો હતો. આ કારના નંબર જીજે-39-સીસી-5601 હોવાનું તથા અંતરજાળના કીર્તિકુમાર ગંગારામ ચાવડા ઓનર તરીકે હોવાનું બહાર આવ્યું હતું. આ વિદેશી દારૂ બોન્ડનો હતો કે કોઇ લિકર શોપમાંથી લીક થયો હતો તે પોલીસ જાણી શકી નથી. આ અંગે તટસ્થ અને નીતિમત્તાથી તપાસ કરાય તો અનેકના પગ નીચે રેલો આવવાની શક્યતા જાણકાર સૂત્રોએ વ્યક્ત કરી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd