• બુધવાર, 04 નવેમ્બર, 2026

`જાહેર સ્થળોએ અનિશ્ચિત મુદ્દત દેખાવ ન થઈ શકે'

નવી દિલ્હી, તા. 3 : જાહેર સ્થળો પર લાંબા સમય સુધી ધરણાં-પ્રદર્શન કરવાના અધિકારના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે મહત્ત્વની ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે, કોઇ પણ પ્રદર્શનકારી સમૂહને કોઇ જાહેર સ્થળ પર અનિશ્ચિત મુદત સુધી કબજો કરવાની અનુમતિ આપી શકાય નહીં.  આ પ્રકારના પ્રદર્શનોથી આમલોકો અને મજદૂરોની રોજીરોટી પર શું અસર પડે છે તે પણ જોવું જોઇએ. કોર્ટે આ મુદ્દે કેન્દ્ર સરકારને જવાબ માટે નોટિસ પાઠવી હતી. મુખ્ય ન્યાયમૂર્તિ (સીજેઆઇ) સૂર્યકાંતની અધ્યક્ષતા ધરાવતી બેન્ચે ઓક્ટોબરમાં દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર (સીઇસી) જ્ઞાનેશકુમાર સામે થયેલા દેખાવોથી જોડાયેલી અરજીઓ પર સુનાવણી દરમ્યાન આ ટિપ્પણી કરી હતી. અરજીકર્તા પક્ષના વકીલ જંતરમંતરને પ્રદર્શન સ્થળની સૂચિમાંથી બહાર રાખવાનો વિરોધ કરી રહ્યા હતા જ્યારે વ્યાપાર સંગઠન તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે સતત આંદોલનને કારણે વ્યાપારને ફટકો પડી રહ્યો છે. સોલિસીટર જનરલ તુષાર મહેતાએ જુલાઇમાં થયેલા દેખાવોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, એ વખતે માત્ર એક દિવસ પ્રદર્શનની અનુમતિ આપવામાં આવી હતી, પરંતુ દેખાવકારો 17 દિવસ સુધી બેઠા રહ્યા હતા. આ પછી તેઓ દ્વારા મંજૂરી વિના સંસદ તરફ કૂચનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. તેમની જવાબદારી નક્કી થવી જોઇએ. દલીલો સાંભળ્યા બાદ સીજેઆઇએ જણાવ્યું હતું કે, એક કે બે સ્થળ પ્રદર્શન માટે નિયત થઇ શકે છે પરંતુ ત્યાં તમામને વારાફરતી દેખાવોની મંજૂરી મળવી જોઇએ. કોઇ સમૂહને એવો અધિકાર આપી શકાય નહીં કે તે જગ્યા પર કબજો કરીને બીજા લોકોને ત્યાં દેખાવ કરવાથી રોકી દે. જો કિસાન, મજદૂર, ટ્રેડ યુનિયન અને બેઘર લોકો પણ પોતાની માંગોને લઇને પ્રદર્શન કરવા ઇચ્છે તો ક્યાં કરશે એવો સવાલ તેમણે કર્યો હતો. બેન્ચ વેપારીઓની અરજી ઉપરાંત મોટા પાયે લોકોની અટકાયત, પોલીસની કથિત બર્બરતા, મેટ્રો સ્ટેશનો બંધ કરવા અને ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મૂકવા જેવા મુદ્દાઓને લગતી અરજીઓ પર પણ સુનાવણી કરી રહી હતી.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd