• બુધવાર, 04 નવેમ્બર, 2026

અમેરિકામાં મિડટર્મ ચૂંટણીનું મતદાન

નવી દિલ્હી, તા. 3 : ભૂરાજકીય અને આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે અમેરિકા અને દુનિયામાં જેની કાગડોળે રાહ જોવામાં આવી રહી હતી તેવી મધ્યસત્ર ચૂંટણી માટે આજે 3 નવેમ્બરના મતદાન થયું હતું.  આ ચૂંટણીથી 25 કરોડ મતદારો નક્કી કરશે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળનાં છેલ્લાં બે વર્ષ દરમિયાન અમેરિકાની સંસદ એટલે કે કોંગ્રેસનાં બંને ગૃહો પર રિપબ્લિકન પાર્ટીનું નિયંત્રણ યથાવત્ રહેશે કે ડેમોક્રેટ્સ સત્તાનું સમીકરણ બદલવામાં સફળ થશે.  ટ્રમ્પના ભાવિ માટે મહત્ત્વની એવી આ ચૂંટણીના પરિણામો ભારતીય સમય મુજબ આવતીકાલે સવારે 5.30થી સામે આવશે. અમેરિકામાં ચાલી રહેલા ટ્રેન્ડ મુજબ આ વખતે ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીની કોંગ્રેસ પર પકડ ઢીલી થઇ શકે છે જ્યારે ડેમોક્રેટસને વધુ મત મળી શકે તેમ છે. સર્વેના દાવા મુજબ જોન જોગ્બી સ્ટ્રેટેજિસના પહેલી અને બીજી નવેમ્બરના સર્વેમાં ડેમોક્રેટસને 53 ટકા અને રિપબ્લિકન્સને 47 ટકા સમર્થન બતાવાયું છે. જ્યારે ઢજ્ઞીઋજ્ઞદના 30મી ઓક્ટોબરના સર્વેમાં ડેમોક્રેટસને 53 ટકા અને રિપબ્લિકન્સને 44 ટકા છે. પોલિટી આઇક્યુના રાષ્ટ્રીય સર્વેની ટકાવારીમાં પણ ડેમોક્રેટસને 52.7 ટકા અને રિપબ્લિકન્સને 43.2 ટકા સમર્થન છે. આમ, ત્રણેય સર્વેમાં ડેમોક્રેટસ 6થી 9.5 ટકા આંકડાથી આગળ છે. આ આંકડા ડેમોક્રેટસ માટે સાનુકૂળ માહોલ હોવાના સંકેત આપે છે. જો કે, આ રાષ્ટ્રીય સર્વે છે. બેઠકોનું પરિણામ શું આવશે તે નક્કી નથી.આવનારાં પરિણામો ટ્રમ્પના આગામી બે વર્ષનો સમય કેવો રહેશે તે નક્કી કરશે. અમેરિકામાં મધ્યસત્ર ચૂંટણીનો ઇતિહાસ રાષ્ટ્રપતિના પક્ષ માટે સરળ રહ્યો નથી. 1946 પછી થયેલી છેલ્લી 20 મધ્યસત્ર ચૂંટણીમાં 18માં રાષ્ટ્રપતિના પક્ષે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં બેઠકો ગુમાવી છે. જો કે, દરેક ચૂંટણીના પોતાના અલગ અલગ મુદ્દા અને પરિસ્થિતિ હોય છે. આ ચૂંટણીમાં પ્રતિનિધિ સભાની તમામ 435 બેઠકો, સેનેટની કુલ 100માંથી 35 બેઠકો અને 36 રાજ્યોમાં ગવર્નર પદ માટે મતદાન થવાનું છે. અમેરિકાનાં અલગ-અલગ રાજ્યોમાં મતદાન મથકો બંધ થવાનો સમય અલગ-અલગ છે. તેથી ભારતમાં ચૂંટણીનાં પ્રારંભિક વલણો જાણવા માટે બુધવાર, 4 નવેમ્બરની સવાર સુધી રાહ જોવી પડશે. ભારતીય સમય પ્રમાણે સવારે 5:30 વાગ્યાથી મુખ્ય રાજ્યોનાં પરિણામો આવવાની શરૂઆત થવાની આશા છે. જોકે, કેટલાક રાજ્યોમાં મતગણતરી અને ટપાલ દ્વારા આવેલા મતપત્રોની ગણતરીને કારણે અંતિમ પરિણામ આવતાં અનેક દિવસો પણ લાગી શકે છે. આ ચૂંટણીની સૌથી મોટી લડાઈ અમેરિકાની સંસદનાં બંને ગૃહો પર નિયંત્રણ મેળવવાની છે. હાલમાં ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી બંને ગૃહોમાં બહુમતી ધરાવે છે, જ્યારે ડેમોક્રેટ્સ પ્રતિનિધિ સભા, સેનેટ અથવા બંને ગૃહોમાં ફરી સત્તા મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ચૂંટણીમાં 35 બેઠકો પર મુકાબલો છે. તેમાંથી 22 બેઠકો પર રિપબ્લિકન અને 13 બેઠકો પર ડેમોક્રેટ્સ પોતાનું વર્ચસ્વ જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ભારતીય મૂળના કેટલાક ઉમેદવારો પણ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. ઓહાયોમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર વિવેક રામાસ્વામી ગવર્નર પદ માટે ડેમોક્રેટિક ઉમેદવાર એમી એક્ટનને પડકાર આપી રહ્યા છે. આ ઉપરાંત પ્રતિનિધિ સભા માટે ભારતીય-અમેરિકન મૂળના ચાર ડેમોક્રેટિક સાંસદો પણ ચૂંટણી મેદાનમાં છે. તેમાં રો ખન્ના, પ્રમિલા જયપાલ, અમી બેરા, સુહાસ સુબ્રમણ્યમનો સમાવેશ થાય છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd