નવી
દિલ્હી, તા.
3 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂણેમાં મેટ્રો પરિયાજેનાઓના
વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત અને ઉદ્ઘાટન કર્યા હતા.
આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, મેટ્રો શરૂ થતાં શહેરના જૂના અને નવા વિસ્તારો વચ્ચે સંપર્ક
વધશે અને પુનાના વિકાસને નવી ગતિ મળશે. હિંજેવાડીથી શિવાજીનગર વચ્ચે આ સેવા શરૂ થતાં
આઇ.ટી. ક્ષેત્ર માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે. તેમણે જણાવ્યું હતું કે, 50 કરોડ લોકો ગરીબીરેખાથી બહાર આવી ગયા છે. પહેલાં
નાણાં ભાઇ-ભત્રીજાવાદમાં વપરાતા હતા. વડાપ્રધાને કહ્યું હતું કે, ભારત આજે દુનિયામાં સૌથી વધુ
ઝડપે તેની અર્થવ્યવસ્થા મજબૂત કરી રહ્યું છે. પુનાએ હંમેશાં દેશ અને સમાજને નવી દિશા
આપી છે. આ શહેર વિકસિત ભારતની નવી ઊર્જાને આગળ ધપાવે છે. વડાપ્રધાને પુનાને 21,800 કરોડ રૂપિયાની મેટ્રો પરિયોજનાની ભેટ આપી છે, જેમાં રૂા. 8,300 કરોડથી વધુ કિંમતે 23 કિ.મી. લાંબી મેટ્રોની ત્રીજી લાઇન એટલે કે
પિન્ક લાઇનનું ઉદ્ઘાટન પણ છે. મોદીએ મેટ્રોના બીજા ચરણમાં ચાર નવા કોરિડોરની લાઇનોનું
ખાતમુહૂર્ત પણ કર્યું હતું. લગભગ રૂા. 13,500 કરોડની પરિયોજનામાં લાઇન 2-એ, 2-બી, 4 અને 4-એનો સમાવેશ થાય છે. 2-એ
લાઇન વનાજથી ચાંદની ચોક અને લાઇન 2-બી રામવાડીથી વિઠ્ઠલવાડી સુધી જશે. લાઇન-4 ખરાડીથી ખડકવાસલા અને લાઇન 4-એ નાલ સ્ટોપથી માણિકબાગને જોડશે. નવા કોરિડોરને
હાલના મેટ્રો નેટવર્ક અને શહેરની આંતરિક બસ સેવા સાથે પણ જોડવામાં આવશે.