ભુજ, તા. 3 : કચ્છમાં આરોગ્ય કામગીરી સમીક્ષા જાહેર આરોગ્ય
વિભાગના અધીક્ષક નિયામક ડો. નીલમભાઇ પટેલે કરતાં બિનચેપી રોગોના દર્દીઓના લક્ષ્યાંક
સામે 50 ટકા જેટલી કામગીરી થઇ હોવાથી વહેલી ઓળખ માટેની
સઘન તપાસ કરવા સૂચના આપી હતી. કચ્છમાં એનસીડી-બિનચેપી રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત
હાયપર ટેન્શનના 2,10,776 દર્દીની ઓળખ અને સારવાર થવી જોઇએ તેવા કુલ વસ્તીના આધારે અપાયેલા લક્ષ્યાંક
સામે 1,02,342 શોધાયા છે, જ્યારે ડાયાબિટીસના 1,48,617ના લક્ષ્યાંક સામે 74,765 શોધાયા મતલબ 50 ટકા જેટલી નબળી કામગીરી થઇ હોવાની નોંધ લીધી
હતી. બેઠકમાં રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ, માતા અને બાળ આરોગ્ય કાર્યક્રમ,
સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ, પ્રધાનમંત્રી જન
આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના તથા નમો શ્રી યોજના
સહિતના મુખ્ય આરોગ્ય કાર્યક્રમો ઉપરાંત બિનચેપી રોગ નિયંત્રણ, વાહકજન્ય રોગ નિયંત્રણ, અંધત્વ નિવારણ, માનસિક આરોગ્ય, કિશોર સ્વાસ્થ્ય અને તમાકુ નિયંત્રણ સહિતના
અન્ય આરોગ્ય કાર્યક્રમોની પણ સમીક્ષા કરવામાં આવી હતી. બિનચેપી રોગ નિયંત્રણ કાર્યક્રમ
પર વિશેષ ભાર મૂકતાં અધિક નિયામકે ડાયાબિટીસ, હાઇબ્લડપ્રેશર તથા
વિવિધ પ્રકારના કેન્સર જેવા બિનચેપી રોગોની વહેલી ઓળખ અને સમયસર નિદાન માટે વધુ અસરકારક
કામગીરી કરવા સૂચના આપી હતી. ખાસ કરીને 30 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોનું નિયમિત ક્રીનિંગ, જોખમ ધરાવતા લાભાર્થીઓની ઓળખ,
સમયસર સારવાર તથા સારવાર હેઠળના દર્દીઓનું નિયમિત અનુસરણ નિશ્ચિત કરવા
પર ભાર મૂક્યો હતો. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા એનસીડી
ક્રીનિંગની કામગીરી વધુ સઘન બનાવવામાં આવે અને કોઇ પણ પાત્ર લાભાર્થી તપાસથી વંચિત
ન રહે તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી
ડો. મિતેશ ભંડેરી, જિલ્લા ક્ષય અધિકારી, જિલ્લા મેલેરિયા અધિકારી, મેડિકલ ઓફિસર, તાલુકા આરોગ્ય અધિકારી ભુજ તેમજ જિલ્લા આરોગ્ય તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ
ઉપસ્થિત રહ્યા હતા.