• બુધવાર, 04 નવેમ્બર, 2026

વિશ્વના વિકાસશીલ દેશો ભારતથી અભિભૂત

ગાંધીધામ, તા. 3 : બીએનઆઈ કચ્છ અને લઘુ ઉદ્યોગ ભારતીના સંયુક્ત પ્રયાસથી ઈન્ડિયા ફર્સ્ટ સેમિનારનું આયોજન કરાયું હતું. આ દરમ્યાન જાણીતા વક્તાએ    રાષ્ટ્રહિત સર્વોપરી હોવાનું જણાવી  સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વાગી રહ્યો હોવાની વાત વિવિધ ક્ષેત્રની પ્રગતિનો ચિતાર આપી સમજાવી હતી. જાણીતા ડિપ્લોમેટ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશેષ સલાહકાર ડો. દીપક વોરાએ ભારતની આર્થિક તાકાત અને યુવાઓનાં યોગદાનની વિસ્તારપૂર્વક સમજણ આપી જણાવ્યું હતું કે, એક સમયે ભારતને મહત્ત્વ ન આપતા વિકાસશીલ દેશો હાલમાં ભારતની પ્રગતિથી અભિભૂત છે અને ભારત પણ વિશ્વને પોતાની ધાક બતાવી રહ્યું છે.  ભારતની શક્તિ, સંભાવનાઓ અને વૈશ્વિક સ્તરે એક મજબૂત રાષ્ટ્ર તરીકે ઊભરી રહેલી તેની ઓળખને ઉજાગર કરવાના હેતુથી યોજાયેલા ફર્સ્ટ સેશનમાં ભારતની વધતી વૈશ્વિક ઓળખ, આર્થિક પ્રગતિ, રાજદ્વારી તાકાત અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનાં બદલાતાં સ્થાન વિશે ખૂબ જ વિસ્તૃત રીતે વાત કરી તેમણે વર્તમાન સરકારના નેતૃત્વ હેઠળ ભારતે હાંસલ કરેલી સિદ્ધિઓ, વૈશ્વિક રાજકારણમાં ભારતની વધતી ભૂમિકા અને અન્ય દેશોની સરખામણીએ ભારતની પ્રગતિ પર પ્રકાશ પાડયો હતો. તેમણે ભારતની સંસ્કૃતિ, વારસો, સૈન્ય શક્તિ, ટેક્નોલોજી અને આત્મનિર્ભરતાની દિશામાં થઈ રહેલા વિકાસ વિશે પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા સાથે જ દેશ પ્રત્યે ગૌરવ, રાષ્ટ્રહિતને સર્વોપરી રાખવા અને ભારતનાં ઉજ્જવળ ભવિષ્યમાં વિશ્વાસ રાખવાનો સંદેશ આપ્યો હતો.  આ કાર્યક્રમમાં દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના સેક્રેટરી યોગેશકુમાર સિંઘ, ઓએસડી હરીચંદ્રન, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તેજાભાઈ કાનગડ, લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત એકમના પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ સહિત ઉદ્યોગ જગતના અગ્રણી ઉપરાંત વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. બીએનઆઈના એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર મુંજાલ વારૈયા, લઘુ ઉદ્યોગ ભારતીના જિલ્લા પ્રમુખ ભૌમિક પૂજ, મંત્રી વિકાસ બંસલ સહિત સંસ્થાના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd