• બુધવાર, 04 નવેમ્બર, 2026

મોટા વરનોરા ખાતે ફીડર પમ્પ હાઉસ તૈયાર

ભુજ, તા. 3 : નર્મદા નદીમાં ચોમાસાં દરમિયાન પૂર આવવાથી સમુદ્રમાં વહી જતાં વધારાનાં પાણી પૈકી અંદાજે એક મિલિયન એકરફીટ પાણી કચ્છ જિલ્લાના ભૂગર્ભ જળસ્તરમાં વધારો કરવા તેમજ જમીનમાં વધતી ક્ષારતાને નિયંત્રિત કરવાના હેતુથી ફાળવવામાં આવ્યું છે, જે પૈકી મોટા વરનોરા ખાતે ફીડર પમ્પ હાઉસ-2નું કામ પૂર્ણ થયું છે. નોર્ધન લિંક ફેઝ-1 અને ફેઝ-2ની આ મહત્ત્વપૂર્ણ યોજનાના ભાગરૂપે હાલમાં ટપ્પર ડેમથી નિરોણા ડેમ સુધી પાણી પહોંચાડવા તેમજ પાઇપલાઇનના માર્ગમાં આવતા વિવિધ તળાવો ભરવા માટે પાઇપલાઇન અને પમ્પિંગ સ્ટેશનોનું કામ પ્રગતિ હેઠળ છે. આ યોજનામાં એક મુખ્ય પમ્પ હાઉસ અને બે ફીડર પમ્પ હાઉસનો સમાવેશ થાય છે, તે પૈકી મોટા વરનોરા ગામ ખાતે ફીડર પમ્પ હાઉસ-2 આવેલ છે. આ પમ્પ હાઉસ મારફતે મુખ્ય પાઇપલાઇનમાંથી પાણીનું ઉદ્વહન કરી ઝીંકડી તળાવમાં પાણી પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. ફીડર પમ્પ હાઉસ-2 ખાતે 353 ઘનમીટર પ્રતિ કલાકની ક્ષમતા ધરાવતા કુલ બે પમ્પ સ્થાપિત કરવામાં આવનાર છે. આ પમ્પિંગ વ્યવસ્થા દ્વારા ઝીંકડી તળાવ ઉપરાંત પાણીના માર્ગમાં આવેલા રાયધણપર, મોટા વરનોરા અને નાના વરનોરા સહિતનાં ગામોને પણ યોજનાનો લાભ મળશે. હાલમાં ફીડર પમ્પ હાઉસ-2નું સમગ્ર સિવિલ, મિકેનિકલ તથા સંબંધિત બાંધકામનું કાર્ય અમલીકરણ એજન્સી દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું છે. સમગ્ર યોજનાની હાલની ભૌતિક પ્રગતિ આશરે 94 ટકા સુધી પહોંચી છે. બાકી રહેલી કામગીરી પૂર્ણ થયા બાદ અંદાજિત માર્ચ-2027 દરમિયાન એજન્સી દ્વારા પ્રોજેક્ટનું કમિશાનિંગ કરવામાં આવનાર છે. યોજનાના અમલીકરણ બાદ ઝીંકડી-1 તળાવમાં 0.046 ક્યુમેક તથા ઝીંકડી-2 તળાવમાં 0.052 ક્યુમેક પાણી પહોંચાડવાનું આયોજન છે. પરિણામે આ વિસ્તારનાં તળાવો ભરાવાથી ભૂગર્ભ જળસ્તરમાં વધારો થશે, ખેતીલાયક જમીનમાં સિંચાઈ માટે પાણીની ઉપલબ્ધતા વધશે તેમજ જમીનની ક્ષારતાને નિયંત્રિત કરવામાં મદદ મળશે.આમ, નર્મદાનાં વધારાનાં પાણીનો ઉપયોગ કરીને કચ્છ જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટે પાણીની સુવિધા પૂરી પાડવા, ભૂગર્ભ જળસ્તર સુધારવા અને ખેતીની ઉત્પાદકતા વધારવા માટે આ યોજના મહત્ત્વપૂર્ણ સાબિત થશે. કચ્છ સિંચાઈ વિભાગના ક્ષાર અંકુશના કાર્યપાલક ઈજનેર સોનુકુમાર સિંઘનાં માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા ઝડપભેર કામગીરી પૂર્ણ કરવા કવાયત હાથ ધરવામાં આવી રહી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd