દિવ્યેશ
વૈદ્ય દ્વારા : મુંદરા, તા. 3 : બંદરીય શહેર મુંદરા બે દાયકામાં કૂદકે ને ભૂસકે
વધ્યું છે, વસ્તી વધી અને અર્થતંત્ર પણ વધ્યું, જેથી રાબેતા મુજબ
દિવાળીમાં બજારમાં લાલચોળ તેજી હોય છે. માત્ર મુંદરાના સ્થાનિક વેપારીઓને જ નહીં,
છેલ્લા બે દાયકામાં મુંદરા બહારથી આવનારા વેપારીઓને પણ ફળ્યું છે,
વૈશ્વિક પરિસ્થિતિ જ હોય એ મુંદરામાં
દિવાળીએ બજારો ઊભરાય જ છે. અત્યારે ઇલેક્ટ્રોનિક હોય કે મીઠાઈ કે ફર્નિચર કે કાપડ બજાર
હોય ક્યાંક નબળાં ચોમાસાંની કે ઓનલાઇન ખરીદીની અસર છે, પણ જેમ
તહેવાર નજીક આવે છે એમ બજારમાં રોશની સાથે-સાથે
તેજી પકડવાની આશા છે. આ તબક્કે મુંદરા નગરપાલિકા સ્વદેશી મેળો યોજી રહી છે,
તો બીજીબાજુ ભુજ કે ગાંધીધામ જવાનાં વલણને બદલે સ્થાનિક બજારને વધુ પ્રોત્સાહન
પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. - મીઠાઈમાં કોર્પોરેટ તેજી : મુંદરામાં મેગા પોર્ટને પગલે મોટી કંપનીઓનાં આગમન થકી દિવાળીમાં સ્વીટ બોક્સ
કે ડ્રાયફ્રૂટ બોક્સની કોપોર્રેટ ગિફ્ટની ભરપૂર માંગ છે. અહીં મીઠાઈ બજાર તો આગોતરી
જ તેજીમાં રહે છે. વિશાલ સ્વીટના વિશાલભાઈ કંદોઈ કહે છે કે, 70 જેટલી વેરાઈટીમાં 500 રૂા.ના
બોક્સથી 4000 રૂા.ના ગિફ્ટ બોક્સની એમ તમામનો મુંદરામાં ઉપાડ અને માંગ છે. એક સમયે સામાન્ય
મીઠાઈ દુકાનો ધરાવતું મુંદરા હવે વેન્ડર કોડ, જીએસટી એમ બધી જ બાબતે સજ્જ છે, કંપનીઓને
અમદાવાદ ખરીદી કરવાની જરૂર નથી. નટરેલા, બ્લુબેરી, બિસ્કોફ, વિવિધ ચોકલેટ ફ્લેવર એમ દરેક વેરાયટીની ડ્રાયફ્રૂટ
મીઠાઈનું ચલણ વધ્યું છે. આ વર્ષે 5થી 10 ટકાનો ભાવવધારો છે પણ બજાર ગુલાબી જ છે. મુંદરામાં
મીઠાઈ બજાર હંમેશાં સારી જ હોય છે અને આ વખતે પણ તેજીમાં જ રહેવાની છે, પરંતુ હજુ પૂરેપૂરી ખૂલી નથી.
પગાર- બોનસ મળવાની સાથે જ અને દિવાળીના ત્રણ
દિવસ તો ભારે ધસારો રહેશે જ, એમ કહેતાં જૈન સ્વીટના જીતુભાઈ મહેતા
ઉમેરે છે કે, ખાંડ-ઘીના ભાવવધારાથી મીઠાઈમાં કિલોએ સરેરાશ 30 રૂા. જેવો વધારો નોંધાયો છે, પરંતુ કોર્પોરેટ અને સ્થાનિક
લોકોની માંગ રાબેતા મુજબ રહેશે જ. - ઇલેક્ટ્રોનિકમાં ઓનલાઈન વિઘ્ન : ઓનલાઇનની ખરીદીની અસર અન્ય બજારો કરતાં ઇલેક્ટ્રોનિક બજારને વધુ પહોંચી છે, એમ કહેતાં મુંદરાની પાર્થ રેફ્રિજરેશનના
કાંતિભાઈ વરસાણી ઉમેરે છે કે, ભાવવધારો તો પાંચથી સાત ટકા જ થયો
છે, પરંતુ હવે મોટા મોડલ પણ લોકો ઓનલાઈન ખરીદી કરતા થયા છે. જો
કે, હવે ગ્રાહકે સમજવું પડશે કે થોડી સસ્તી ચીજ મળે પણ ગુણવત્તામાં
ફેર હોય છે. વધુમાં, વરસાદ ઓછો રહેતાં ગામડાંમાંથી આવતા લોકોની ખરીદી પણ ફિક્કી પડી છે. નવી ટેક્નોલોજીના
પ્રશ્ને તેમણે કહ્યું કે, એલઈડી પછી હવે મિની એલઇડી આવ્યા છે.
જે ટીવીની બોડી વધુ સ્લીમ છે, પરંતુ પિક્ચર ક્વોલિટી વધુ સારી
છે. - કપડાંના ટ્રેન્ડમાં ઝડપી બદલાવ : આ દિવાળીએ પહેલી તારીખ અને રવિવાર પછી હવે મુંદરાની કાપડ બજારમાં
તેજી આવી ચૂકી છે. અગ્રણી ક્લોથ વેપારી ચૂનરી મોલના મેઘભાઈ શાહ કહે છે કે, મિડલઇસ્ટ યુદ્ધ ભલે હોય,
સ્થાનિકે લોકોને ખરીદી શક્તિ વધે જ છે. કાપડ બજારમાં 15 ટકા જેવો સરેરાશ ભાવવધારો છે, પણ બજાર સારી છે. હવે સોશિયલ
મીડિયાના પ્રભાવમાં હવે ઝડપથી ટ્રેન્ડ અને ફેશન બદલાઈ રહ્યા છે. મુંદરા એવું છે કે,
સામાન્ય, મધ્યમ અને આર્થિક ઉચ્ચ એમ દરેક વર્ગના ગ્રાહક અહીં છે. ઓનલાઈનને બદલે કાપડ
જોઈને ખરીદવા જોઈએ એ હવે વાત લોકો સમજતા થયા છે. ચોમાસું નબળું ગયા પછી આ વર્ષે બજાર
મંદ રહેશે, એવી શક્યતા હતી, પરંતુ મુંદરા
એ ઇન્ડસ્ટ્રીયલ એરિયા બની ગયો છે અને એ ખોટ પૂરતાં છેલ્લા થોડા
દિવસ દિવાળીની તેજી જામી ચૂકી છે,
એમ કહેતાં આર મોલના ધનસુખભાઈ રાજગોર ઉમેરે છે કે, કાચા માલની ખેંચને કારણે આવેલા 10થી 12 ટકાના ભાવવધારાથી વેપારીઓના નફા પર અસર થઈ રહી છે. જો કે, ઓનલાઈન ખરીદીની બાબતમાં છેતરાયેલો
ગ્રાહક હવે દુકાન બાજુ જ વળ્યો છે. એ સારી વાત છે. ટ્રેન્ડની બાબતે તેમણે કહ્યું કે,
છોકરાઓમાં બેગી પેન્ટ અને છોકરીઓમાં કોટ સેટનું ચલણ વધુ છે. - મુંદરા મોટી ફર્નિચર બજાર : મુંદરામાં બે દાયકાથી ફર્નિચર વ્યવસાયમાં જોડાયેલા
પિત્રોડા ફર્નિચરના રમેશભાઈ પિત્રોડા કહે છે કે, હજુ ઘરાકી નથી નીકળી, પણ પગાર તારીખોના જ દિવસો હોવાથી હવે આશા છે. મુંદરાની બજાર પોર્ટ સંબંધી વેપારની
છે અને હાલે યુદ્ધ, કન્ટેનર લાઇન, સીએચએ
બિઝનેસની સીધી અસર સ્થાનિક બજાર પર પડી છે. જો કે, હવે સસ્તું
અને યુઝ એન્ડ થ્રોને બદલ ટકાઉ ફર્નિચર બનાવવા લોકો જાગૃત થયા છે, મુંદરામાં સ્થાનિકને બદલે બહારની વસ્તી વધુ છે, પણ તેઓ
અહીં મકાન ખરીદી સ્થાયી થઈ રહ્યા છે અને હવે ફર્નિચરની તમામ વેરાઈટી, ગુણવત્તા અને ડિઝાઇનથી મોટી બજાર વિકસી ચૂકી છે.