• બુધવાર, 04 નવેમ્બર, 2026

ફટાકડા બજારને બેવડો માર : માલની તંગી વચ્ચે ભાવવધારાનો ડામ

હેમાંગ પટ્ટણી દ્વારા : ભુજ, તા. 3 : દિવાળીના પંચપર્વની ઉજવણી ફટાકડાના ધૂમધડાકા વગર અધૂરી રહેતી હોય છે. આ વર્ષે દીપાવલિના પર્વને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ફટાકડા બજારમાં અસામાન્ય ગણાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. કાચામાલની અછતનાં કારણે ઉત્પાદન ઘટવા સહિતના કારણોના લીધે આ વખતે ફટાકડાની ઐતિહાસિક ગણાય તેવી અછત જોવા મળી રહી છે, તો ફટાકડાના ભાવમાં 30થી 40 ટકાનો તોતિંગ ભાવવધારો થતાં ગ્રાહકોના ખિસ્સા પર વધુ બોજ પડવાનો છે. ફટાકડા વિક્રેતાઓના જણાવ્યાનુસાર અમેરિકા-ઇરાન યુદ્ધનાં કારણે ફટાકડા બનાવવા માટેના કેમિકલ સહિતના કાચામાલની અછત જોવા મળી રહી છે. વળી સુરક્ષાના નિયમો કડક બનતાં તેની પણ અસર ઉત્પાદન પર જોવા મળી રહી છે. - માલની આવી અછત પહેલીવાર જોવા મળી : ભુજના ફટાકડાના હોલસેલ વિક્રેતા પરેશભાઇ ઠક્કરે કહ્યું કે, ગયા વર્ષે કમોસમી વરસાદનાં કારણે ફટાકડાનો માલ પૂરતો આવ્યો ન હોતાં પણ આ વખતે કાચામાલની અછત સહિતના કારણે સર્જાયેલી માલની અછત પહેલીવાર જોઇ છે. શિવાકાશી તેમજ ગુજરાતમાં અલગ-અલગ સ્થળેથી ફટાકડાનો જેટલો સ્ટોક માગીએ તેનાથી અડધો માલ પણ માંડ મળી રહ્યો છે. વળી માલની અછત વચ્ચે 30થી 40 ટકા જેટલો ભાવવધારાનો બોજ પણ ગ્રાહકો પર આવ્યો છે. - શિવાકાશીથી એક મહિનાથી માલ મળવાનું બંધ : ભારતભરમાં ફટાકડા તામિલનાડુની શિવાકાશી સ્થિત ફેક્ટરીઓમાંથી પહોંચાડવામાં આવે છે. અમેરિકા-ઇરાન યુદ્ધનાં કારણે ફટાકડા બનાવતી ફેક્ટરીઓમાં કેમિકલ સહિતનો અન્ય કાચોમાલ મળતો ન હોવાના કારણે તેની સીધી અસર ઉત્પાદન પર પડી રહી છે. ફટાકડા વિક્રેતાઓના જણાવ્યાનુસાર એક માસ કરતાં વધુ સમયથી શિવાકાશીથી ફટાકડાનો માલ મળવાનો જ બંધ થઇ ગયો છે. કોરોનેશન, મરક્યુરી, સ્ટાન્ડર્ડ જેવી નામાંકિત કંપનીના ફટાકડા તો બજારમાં જોવા મળતા જ નથી. - સ્ટાન્ડર્ડ વસ્તુઓની અવેજીમાં અન્ય વિકલ્પની શોધ : ફટાકડાનાં ઉત્પાદનમાં ઘટાડાના કારણે માલની અછત સર્જાઇ છે. ખાસ કરીને સ્ટાન્ડર્ડ માલની અછત વધુ જોવા મળી રહી હોવાનાં કારણે અત્યારે અન્ય કંપનીઓના માલ મગાવી વિકલ્પની શોધ કરાઇ રહી છે. - 150થી વધુ વેરાયટી ઉપલબ્ધ : ફટાકડા બજારમાં આ વખતે 150થી વધુ વેરાયટીઓ ઉપલબ્ધ છે. બાળકો માટે કલર પિંજોરા, ટુ સાઉન્ડ ક્રેકર, થ્રી સાઉન્ડ ક્રેકર, સ્કાય શોટ, દેશી બોમ્બમાં બીડી બોમ્બ તરીકે ઓળખાતો વન શોટ માચીસ, મીરચી બોમ્બ જેવી આઇટમો વધુ ડિમાન્ડમાં ચાલી રહી છે. - માર્શલ બોમ્બની આ વખતે પણ તંગી : સૂતળી બોમ્બ તરીકે વધુ જાણીતા માર્શલ બોમ્બની આ વખતે પણ મોટી અછત જોવા મળી રહી છે. વીતેલા બે દાયકામાં માર્શલ બોમ્બની અછત છેલ્લા બે વર્ષથી ભયંકર જોવા મળી રહી છે, તો બાળકોમાં વધુ પ્રચલિત બંદૂકની પણ આ વખતે અછત જોવા મળી રહી છે. - ફાયર સેફ્ટીના કડક ચેકિંગની અસર : ગુજરાતમાં અમદાવાદ સહિતના શહેરોમાં ફાયર સેફ્ટીના કડક ચેકિંગ સાથે કેટલાક જૂના ઉત્પાદકોના પરવાના રદ થતાં સ્થાનિક ફટાકડા ઉત્પાદનને ગંભીર અસર પહોંચી છે. ભુજની વાત કરીએ તો દિવાળીને આડે ગણતરીના દિવસ બાકી છે ત્યારે હજુ તો હંગામી ફટાકડા બજારની મંજૂરી અપાઇ છે. અન્ય વિક્રેતાઓ સજ્જ બન્યા છે, પણ ખરીદી તો અંતિમ દિવસોમાં જોવા મળશે. એક અંદાજ અનુસાર દર વર્ષે કચ્છમાં દિવાળીએ 15થી 20 કરોડના ફટાકડાના ધૂમધડાકા થતા હોય છે. આ વખતે આવી જ સ્થિતિ જળવાઇ રહેવાની શક્યતા છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd