રજનીકાંત
કોટડિયા દ્વારા : ગાંધીધામ, તા. 31 : દિવાળીના મહાપર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે સામાન્ય રીતે ઝગમગાટ
અને ખરીદીના ધમધમાટથી ગૂંજતા ગાંધીધામ-આદિપુર સંકુલની બજારોમાં હજુ સુધી જોઈએ તેવી
રોનક જોવા મળી નથી. પ્રકાશના આ પર્વમાં વેપારીમાં ઉત્સાહના બદલે સુસ્તીનો માહોલ છવાયેલો
છે. ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિકલ અને કલર-પેઇન્ટ્સ
ક્ષેત્રના વેપારીઓ સારા વેપાર માટે હજુ પણ ગ્રાહક રાજાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા
છે. તહેવારો પર ટીવી, ફ્રિજ, વાશિંગ મશીન
અને નવા ગેજેટ્સની ખરીદીમાં મોટો ઉછાળો આવતો હોય છે પરંતુ આ વખતે શોરૂમ્સમાં-દુકાનોમાં
માલનો ભરાવો હોવા છતાં ગ્રાહકોની હાજરી નહિવત જોવા મળી રહી છે. જ્યારે ઘર અને ઓફિસને
શણગારવા માટે ફેન્સી ઇલેક્ટ્રિક સિરીઝ અને લાઈટિંગની ભારે માંગ રહેતી હોય છે,
પરંતુ આ દુકાનો પર પણ હજુ અપેક્ષા મુજબનો ઘસારો દેખાયો નથી. - કલર અને પેઇન્ટ્સ ઉદ્યોગ : તહેવારો પહેલા રંગરોગાન માટે કલરના વેપારીઓને ત્યાં ભીડ જામતી હોય છે, પરંતુ આ વર્ષે મોંઘવારી કે
અન્ય આર્થિક કારણોસર લોકોએ રંગકામમાં કાપ મૂક્યો હોય તેમ વેપાર ધીમો ચાલી રહ્યો છે.
દર વર્ષે મુખ્ય માર્કેટને રોશની અને બાઝરને સજાવવામાં આવે છે પરંતુ આ વર્ષે મંદી અને
ગ્રાહકોની ઓછી અવરજવરના કારણે બજારોમાં દર વર્ષ જેવી ઝાકઝમાળ કે વિશિષ્ટ રોશની જોવા
મળતી નથી. - રસ્તાના
કામો આખરી તબક્કામાં : છેલ્લા એકાદ વર્ષથી સ્થાનિક તંત્ર દ્વારા ગાંધીધામ
અને આદિપુરના મુખ્ય બજારો તથા માર્ગો પર સીસી રોડ, ગટર અને ખોદકામના કામો ચાલતા હતા.
રસ્તા બંધ હોવાથી અને ધૂળની ડમરીઓને કારણે વેપારીઓ તેમજ ગ્રાહકો ભારે હાલાકી ભોગવી
રહ્યા હતા. ગત દિવાળીએ મહાનગરપાલિકાની કાર્યવાહીથી વેપારીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો
કરવો પડ્યો હતો અને આખું વર્ષ વેપારીઓએ મુશ્કેલીઓ ભોગવી છે પરંતુ આ વખતની દિવાળી એ
કામો પૂર્ણતાના હારે હોવાથી આંશિક રાહત અનુભવી રહ્યા છે. તહેવારોના ટાકણે આ માર્ગોના
નિર્માણ કાર્યો હવે પૂર્ણ થવાના આરે પહોંચ્યા છે. રસ્તા ખુલ્લા થતાં વાહનવ્યવહાર સુગમ
બન્યો છે પરંતુ ટ્રાફિક તથા ધૂળની સમસ્યા યથાવત છે. - લોકોના હાથમાં પૈસા આવશે તો ખરીદી નીકળશે : તહેવાર અને ગણતરીના દિવસો બાકી છે તેમ છતાં
દિવાળીની ખરીદી નીકળી નથી. હાલના સમય મંદી જેવો માહોલ છે પરંતુ બે નવેમ્બર પછી કંપનીઓમાં
કામ કરતા કર્મચારીઓ અને શ્રમજીવીઓના હાથમાં મહેનતાણું આવશે ત્યાર પછી ખરીદી નીકળવાની
આશા છે તેમ કહીને વેપારી મુકેશભાઈ લખવાણી જણાવ્યું હતું કે, હાલના સમયે તો માલસામાન ખરીદવા
માટેની પૂછપરછ પણ કરવામાં આવતી નથી છેલ્લી ઘડીએ ખરીદી નીકળે તેવી આશા તેમણે વ્યક્ત
કરી હતી. ગાંધીધામ વેપારી મંડળના પ્રમુખ રાજુભાઈ ચંદનાની એ જણાવ્યું હતું કે,
હાલના સમયે બજારમાં મંદીનો માહોલ છે સામાન્ય રીતે જે વેપાર થતો હતો તેમાં
પણ મંદી જોવા મળી છે અને તહેવારોની ખરીદી તો બજારમાં ન હોવાનું કહ્યું હતું.