ભુજ, તા. 26 : આ વર્ષે અલ નીનોના પ્રભાવથી કચ્છમાં ઓછો વરસાદ વરસતાં દુષ્કાળની સ્થિતિ સર્જાઇ
છે. 2018 બાદ રાજ્ય સરકારે કચ્છને અછતગ્રસ્ત જાહેર કર્યું
છે ત્યારે જળસંકટ વહેલું વિકટ બનવાના એંધાણ દેખાઇ રહ્યા છે. જિલ્લામાં સાત વર્ષ બાદ
સરેરાશથી ઓછો વરસાદ પડતાં જળસંકટની સ્થિતિ સર્જાઈ છે. સામાન્ય રીતે કચ્છમાં માર્ચ માસ
આસપાસ ડેમોમાં જળસ્તર ઘટવાનું શરૂ થતું હોય છે, પણ આ વખતે ડેમોમાં પૂરતી માત્રામાં જળસંગ્રહ ન થતાં દિવાળી
પછી જિલ્લામાં જળસંકટ વકરે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. - વહીવટી તંત્રની થશે અગ્નિપરીક્ષા : આ વર્ષે કચ્છમાં પ7 ટકા જેટલો જ વરસાદ વરસ્યો છે. જિલ્લામાં ડેમો-જળાશયો
છલકાઈ જાય તેવો એક પણ સાર્વત્રિક ભારે વરસાદનો રાઉન્ડ ન આવતાં હાલ જિલ્લાના મધ્યમ સિંચાઈના
ડેમોમાં 28 ટકા, તો નાની સિંચાઈના ડેમોમાં માંડ 20 ટકા જેટલો જળનો જથ્થો ઉપલબ્ધ છે. આવી પરીસ્થિતિમાં
ઉનાળાની વાત તો દૂર રહી શિયાળુ પાકની વાવાણી માટે સિંચાઈનું પાણી પહોંચાડવું અને પીવાનાં
પાણીની વ્યવસ્થા કરવી તંત્ર માટે અગ્નિપરીક્ષા સમાન બની રહેશે. - ડેમોમાં જળસ્તર ઝડપથી ઘટશે : કચ્છમાં ચોમાસાંએ વિદાય લઈ લીધી છે, વળી ઓક્ટોબર માસમાં અલ નીનોના પ્રભાવથી સામાન્યથી વધુ ગરમીનો
અનુભવ થઈ રહ્યો છે. પાણીનું બાષ્પીભવન થવા, ગરમીની વધેલી તીવ્રતા
સહિતના કારણે ડેમોમાં જળસ્તર ઝડપથી ઘટશે, જેના કારણે શિયાળામાંજ
મોટાભાગના ડેમો તળિયાંઝાટક થઈ જાય તેવી સંભાવનાઓ નકારતી નથી. - જળસંગ્રહની વર્તમાન સ્થિતિ : સિંચાઈ વિભાગમાંથી મળેલા સત્તાવાર આંકડા અનુસાર
હાલ જિલ્લાના 20 મધ્યમ સિંચાઈના ડેમોમાં 29 ટકા જેટલો પાણીનો જથ્થો જ બચ્યો છે. 20 પૈકી બેજ ડેમ ઓવરફ્લો થયા, તો ચાર ડેમ એવા છે કે,
જેમાં પાંચ ટકાથી પણ ઓછો જળસંગ્રહ હોવાના કારણે આ ડેમો તળિયાંઝાટક સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. ભાદરવાના આરંભે જિલ્લામાં વરસેલા
વરસાદના કારણે જળસંકટની સ્થિતિ ભલે થોડી હળવી થઈ હોય, પણ જે રીતે
સાવ ઓછી મેઘમહેર કચ્છમાં જોવા મળી છે, તે જોતાં જળસંકટ ઉનાળા
પૂર્વે જ મોઢું ફાળશે તે નિશ્ચિત લાગી રહ્યું છે.