ભુજ, તા. 8 : કચ્છની ગ્રામ્ય અને સીમાવર્તી
મહિલાઓને કળા, મહેનત અને ક્ષમતાના આધારે
યોગ્ય માર્ગદર્શન તક અને વિશ્વાસ મળે તો આત્મનિર્ભર બની વિકાસમાં મહત્ત્વનું યોગદાન
આપી શકે તેવા હેતુથી વર્ષ 2012માં નખત્રાણા તાલુકાના જિયાપર ખાતે સેવા ઈન્ટરનેશનલ દ્વારા સેવા
ઈન્ટરનેશનલ ડિઝાઈન એન્ડ ડેવલોપમેન્ટ સેન્ટરની સ્થાપના કરી હતી. જેની સાથે જ હજારથી
વધુ મહિલાઓ જોડાઈ આજીવિકા મેળવી રહી છે. આ સેન્ટરનું ઉદ્ઘાટન તત્કાલીન મુખ્યમંત્રી
નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. કચ્છની પરંપરાગત હસ્તકલા અને ભરતકામ
વિશ્વભરમાં આગવી ઓળખ ધરાવે છે. લખપત, અબડાસા અને પચ્છમ વિસ્તારની કારીગર બહેનોને સંગઠિત કરી અને ઘરઆંગણે રોજગારની
શરૂઆત કરી. બહેનોને તેમના ઘરે જઈને ભરતકામ આપવામાં આવતું જેના કારણે તેઓ ઘર અને પરિવારની
જવાબદારીઓ સાથે આવક પણ મેળવી શકી. જિયાપર સ્થિત
સેન્ટર આ સમગ્ર પ્રવૃત્તિનું મુખ્ય કેન્દ્ર બન્યું. હસ્તશિલ્પ કેન્દ્રના સહયોગથી સેન્ટરને
આધુનિક સિલાઈ મશીનો અને તાલિમની સુવિધા મળી. સ્થાનિક દાતાઓએ પણ મશીનો અને અન્ય સાધનો
આપીને સહયોગ આપ્યો. સ્થાનિક ટ્રસ્ટી જાદવજી ગોરશિયાના માર્ગદર્શન હેઠળ અનેક બહેનો સેન્ટર
સાથે જોડાતી ગઈ. સીમાવર્તી વિસ્તારોમાં 5000 બહેનોને કૌશલ્યવર્ધન થાય તે હેતુથી સિલાઈ, બાંધણી, મડવર્ક,
કોપરબેલ અને ભરતકામ જેવી વિવિધ તાલિમ આપવામાં આવી છે. છેલ્લા બે વર્ષથી
નીતિનભાઈ ગરવાના માર્ગદર્શન હેઠળ આ સેન્ટરનું સંચાલન સ્થાનિક મહિલાઓ પોતે કરી રહી છે.
સેન્ટર સ્થાપવામાં પાયાના પથ્થર કમળાબેન અને વસંતભાઈ જરૂર જણાય ત્યાં સહયોગ આપે છે.
સેવા ઈન્ટરનેશનલનું માનવું છે કે, સાચો વિકાસ ત્યારે જ શક્ય બને,
જ્યારે સ્થાનિક લોકો પોતે વિકાસ પ્રક્રિયાનું નેતૃત્વ કરે. જિયાપરનું
આ સેન્ટર એ વાતનો જીવંત પુરાવો છે.