માંડવી, તા. 8 : આ શહેરમાં દર વર્ષે ચોમાસાંમાં
વિવિધ વિસ્તારો વરસાદી જળ ભરાવથી પ્રભાવિત થતા હોવાથી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે
રૂા. 7.5 કરોડના ખર્ચે કેનાલ નવીનીકરણનું
ભૂમિપૂજન ધારાસભ્યના હસ્તે કરાયું હતું. ટોપણસર તળાવનાં ઓગનથી રૂકમાવતી નદીના પટ સુધી
સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સ્ટોર્મ વોટર ડ્રેનેજ યોજનાની
ગ્રાન્ટમાંથી રૂપિયા 7. 5 કરોડના ખર્ચે
વરસાદી કેનાલની ઊંડાઈ કરી નવીનીકરણ કરવાના કામનું ભૂમિપૂજન માંડવી સ્વામિનારાયણ મંદિરના
સંતોની ઉપસ્થિતિમાં ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષોથી માંડવીના ઉપરવાસ વિસ્તારોમાં
ભારે મેઘ મહેરને કારણે ટોપણસર તળાવ ઝડપભેર વરસાદી પાણીથી ભરાઈ જાય, પરંતુ પાણીનો પર્યાપ્ત નિકાસ નહિવત હોવાથી પોલીસ ક્વાટર્સ, સત્સંગ આશ્રમનો વિસ્તાર, જય નગર, વિજય નગર, નિત્યાનંદ નગર, માધવ
નગર અને પદ્માવતી નગરમાં રહેતા નાગરિકોના ઘરોમાં પાણી ભરાતાં પારાવાર મુશ્કેલીનો સામનો
કરવો પડતો રહે છે. આ ઉપરાંત શેઠ ગો. હં. ત્ર. વિવિધલક્ષી વિદ્યાલય પાસે તેમજ સોનાવાળા
નાકાથી સ્વામિનારાયણ મંદિર સુધી હાઈ-વે રોડ પર પણ વરસાદી પાણી ભરાય છે. અને જનજીવન
ખોરવાય, વાહનોની અવર - જવર પર પણ અસર પડે છે, ત્યારે આ જળ ભરાવની પરિસ્થિતિનો કાયમી ઉકેલ આવે તે માટે માંડવી નગરપાલિકાની
શાસક ટીમે બીડું ઝડપ્યું છે તે અભિનંદનીય છે.
આ પ્રસંગે પાલિકાના અધ્યક્ષા વર્ષાબેન જોષીએ જણાવ્યું હતું કે, દર વર્ષે ચોમાસાંમાં વરસાદી જળ ભરાવની પરિસ્થિતિના કાયમી ઉકેલ માટે વર્તમાન
તમામ નગરસેવકોએ ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરી હતી અને તેમણે અંગત રસ લઈ ગાંધીનગરમાં સંબંધિત
વિભાગમાં આ પ્રશ્નના કાયમી ઉકેલ માટે નિવારણ થાય તે માટે વિવિધ વિભાગોને રજૂઆત કરી,
જેની ફળશ્રુતિ રૂપે વરસાદી કેનાલની ઊંડાઈની કામગીરીનું ભૂમિપૂજન શક્ય
બન્યું. પ્રસંગે માંડવી સ્વામિનારાયણ મંદિરના સંતગણ સ્વામી ઘનશ્યામદાસ, સ્વામી નારાણપ્રિયદાસ અને સ્વામી મોહનપ્રસાદે જણાવ્યું હતું કે, જ્યારે જ્યારે માંડવી કે ગુજરાતમાં કુદરતી આપદા આવે છે, ત્યારે ત્યારે ગુજરાત સરકારનું વહીવટી તંત્ર દિવસ - રાત નાગરિકોની પડખે ઊભું
રહ્યું છે. સાથે સાથે સ્વૈચ્છિક સામાજિક,
ધાર્મિક અને સ્વૈચ્છિક સંગઠનો પણ કુદરતી આપદા સમયે નાગરિકોની પડખે ઊભા
રહ્યા છે. કાર્યક્રમમાં કારોબારી ચેરમેન વિજય ગઢવી, બાંધકામ ચેરમેન
જશુબેન હિરાણી, સેનિટેશન ચેરમેન લક્ષ્મીચંદ ફુફલ, જિગર ધાયાણી, વિજય ચૌહાણ સહિતના તમામ નગરસેવકો,
શહેર ભાજપ પ્રમુખ દર્શનગિરિ ગોસ્વામી, કમલેશ ગઢવી,
હેડ ક્લાર્ક મનજી પરમાર ઉપરાંત કર્મચારીઓ, નગરજનો
ઉપસ્થિત રહ્યા હતા.