• શુક્રવાર, 09 ઑક્ટોબર, 2026

કચ્છ યુનિના છાત્રો રાજસ્થાનમાં પ્રાચીન ખડકો ખનીજો-અશ્મિઓનો પ્રત્યક્ષ અભ્યાસ કરશે

ભુજ, તા. 7 : `આંતરરાષ્ટ્રીય જિયોડાઇવર્સિટી ડે' નિમિત્તે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના જીઓસાયન્સ વિભાગના એમ.એસસી. (જિયોસાયન્સ) અને એમ.એસસી. (અપ્લાઇડ જિયોલોજી) પ્રથમ અને બીજા વર્ષના વિદ્યાર્થીઓ માટે 15 દિવસીય વાર્ષિક શૈક્ષણિક ભૂસ્તરીય ફિલ્ડ વર્કનો રાજસ્થાનના ઉદયપુર ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. મહત્ત્વપૂર્ણ શૈક્ષણિક અભિયાન વિભાગના અધ્યક્ષ ડો. ગૌરવ ચૌહાણ તથા વિભાગના અધ્યાપકો ડો. યશ શાહ, ચિરાગ પરમાર અને ભવ્યાતા ચાવડાના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહ્યું છે. એમએસ સુખડિયા યુનિના નિવૃત્ત પ્રોફેસર નરેન્દ્ર કે. ચૌહાણની નિષ્ણાત માર્ગદર્શક સેવાઓ હેઠળ આ સંશોધન કરાઈ રહ્યું છે. 15 દિવસના આ વ્યાપક પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓ ઉદયપુર, ચિત્તોડગઢ, હલ્દીઘાટી, કુંભલગઢ, આબુ-અંબાજી, જોધપુર અને જેસલમેરના વિવિધ ઐતિહાસિક અને ભૂસ્તરીય ક્ષેત્રોનો ઝીણવટભર્યો અભ્યાસ કરશે.આ શૈક્ષણિક પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓ આશરે 3.3 અબજ વર્ષ જૂના પ્રાચીન ખડકોથી લઈને ક્વાર્ટરનરી યુગ સુધીના વિવિધ યુગના શૈલસમુહો, ખનિજો અને અશ્મિઓનો પ્રત્યક્ષ અભ્યાસ કરશે. આ ઉપરાંત, હિન્દુસ્તાન ઝિંકની પ્રખ્યાત જાવર અંડરગ્રાઉન્ડ માઇન્સ, ભારતની સૌથી મોટી અને એકમાત્ર વ્યવસાયિક ધોરણે કાર્યરત રોક ફોસ્ફેટની ઝામરકોટ્રા માઇન્સ, કુંભલગઢ નજીક આવેલી ટેલ્ક માઇન્સ, ગ્રેનાઈટના વિશિષ્ટ ભેદીયાઓ, અંબાજીની પ્રખ્યાત માર્બલ માઇન્સ તેમજ મલ્ટી-મેટલ માઇન્સ જેવા મહત્ત્વપૂર્ણ સ્થળોની પ્રત્યક્ષ મુલાકાત લેશે. ડો. ગૌરવ ચૌહાણે ભાર મૂકતા જણાવ્યું હતું કે, `પુસ્તકીય જ્ઞાન કરતાં ફિલ્ડમાં પ્રત્યક્ષ નિરીક્ષણ કરી વાસ્તવિક પરિસ્થિતિમાં સમજવું એ ભૂસ્તરશાસ્ત્રના વિદ્યાર્થીઓ માટે અનિવાર્ય છે.  યુનિવર્સિટી દ્વારા દર વર્ષે નિયમિતપણે 15 દિવસનું વાર્ષિક ફિલ્ડ વર્ક યોજવામાં આવે છે. આ ઉપરાંત અવારનવાર એક થી બે દિવસના ટૂંકા ફિલ્ડ વર્ક પણ યોજાય છે. આ શૈક્ષણિક પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓ દુર્લભ ખડકો, અશ્મિઓ અને ખનિજોનો વૈજ્ઞાનિક ઢબે સંગ્રહ કરશે, જેને કચ્છ યુનિવર્સિટીના જીઓલોજિકલ મ્યુઝિયમમાં પ્રદર્શન અને દૈનિક પ્રાયોગિક અભ્યાસ માટે મૂકવામાં આવશે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd