• ગુરુવાર, 28 મે, 2026

ગાંધીધામમાં 31 કરોડનું આંધણ કરીને નાખેલી લાઈનો ફેઈલ

ગાંધીધામ, તા. 27 :  ગાંધીધામમાં 31 કરોડથી વધુ રૂપિયાના ખર્ચે પીવાનાં પાણીની લાઈનો નાખવાના પ્રકલ્પમાં વ્યાપક ભ્રષ્ટાચારની ફરિયાદો કચ્છથી લઈને ગાંધીનગર સુધી થઈ છે, પરંતુ લોકોના ટેક્સના કરોડો રૂપિયાનું આંધણ થઈ ગયું છે તેમ છતાં આ મામલામાં કોઈ તપાસ કરવા તૈયાર નથી, જેનાં પગલે સ્થાનિક અધિકારીઓથી લઈને રાજ્ય સરકારના મંત્રાલય ઉપર સવાલ ઊઠી રહ્યા છે. શહેરના ભારતનગર, 9/બી સહિતના વિસ્તારોમાં આ પ્રકલ્પ હેઠળ નખાયેલી લાઈનો ફેઈલ છે. આ ભ્રષ્ટાચારમાં જીયુડીસી જેવી એજન્સી પણ ઝપટમાં આવે તેવા ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. જે જગ્યાઓ ઉપર 31 કરોડના પ્રકલ્પ હેઠળ લાઈનો નાખવામાં આવી  હતી, તે જ જગ્યાઓ ઉપર ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ કંપની એટલે કે જીયુડીસીએ લાઈનો નાખી છે. અને હાલના સમયે 31 કરોડના પ્રકલ્પ હેઠળ ભારતનગર સહિતના વિસ્તારોમાં નખાયેલી લાઈનો ઉપયોગ વગર ફેઈલ થઈ ગઈ છે. આ લાઈનોમાંથી એક બુંદ પણ પાણી વહન થયું નથી. તત્કાલીન સમયની નગરપાલિકાના નેતાઓ અને તેના એક પછી એક બદલાયેલા મુખ્ય અધિકારીઓએ કોઈ પગલાં ભર્યાં નથી. જે-તે સમયે લાઈન પણ ટેસ્ટિંગ થઈ નથી. કનેક્શનો જોડાયા નથી, ઘણી જગ્યા ઉપર વાલ્વ નથી અને ખામીઓ છે તેમ છતાં તેમને રૂપિયાનું ચૂકવણું કરી દીધું હતું.  હાલના સમયે ઉપયોગ વગર આ તમામ લાઈનો ફેઈલ થઈ ગઈ છે. ખરેખર જે  વિસ્તારોમાં  નાખવાની જરૂરિયાત હતી ત્યાં લાઈનો નથી પથરાઈ. પરિણામે આ આખો ભ્રષ્ટાચાર ઢાંકવામાં આવી રહ્યો હોવાના ગંભીર આક્ષેપો શહેરના પ્રબુદ્ધ નાગરિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. કચ્છથી લઈને ગાંધીનગર સુધી આ 31 કરોડથી વધુ રકમના પ્રકલ્પ હેઠળ નખાયેલી લાઈનોમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો છે તેવી ફરિયાદો કરવામાં આવી છે.ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરોમાં જે-જે જગ્યાઓ ઉપર લાઈનો નાખવાની હતી ત્યાં પાથરવામાં  આવી નથી. વાલ્વ નથી, જોઈન્ટ અપાયા નથી, કનેક્શન જોડાયા નથી તે સહિતની બાબતોને લઈને ફરિયાદો થઈ છે તેમ છતાં અત્યાર સુધીમાં સ્થાનિકેથી લઈને મુખ્યમંત્રી કાર્યાલય સુધીમાં કોઈ પણ તપાસ કરવાની તસ્દી લીધી નથી. તેના પરિણામ સ્વરૂપે લોકોના ટેક્સના કરોડો કરોડો રૂપિયા એમને એમ બરબાદ થયા છે, તેની   તપાસ કોણ કરશે અને કોણ પગલાં ભરશે તે સહિતના સવાલો જોડિયા શહેરોના નાગરિકો ઉઠાવી રહ્યા છે. આ પ્રકલ્પ હેઠળ નખાયેલી લાઈનોમાં અનેક વિસ્તારોમાં પાણી મળતું નથી. લાઈન ટેસ્ટિંગ કરનાર અધિકારીઓને સાઈડલાઈન કરીને તેમની જગ્યાએ અન્ય અધિકારીઓને મૂકી દેવામાં આવ્યા છે. આ મામલામાં તપાસ કરીને પગલાં ભરવામાં આવે તેવી માંગ ઊઠી છે. - એક-એક વિસ્તારમાં ત્રણ-ત્રણ લાઈનો : લગભગ આખાં ગુજરાતની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં જે ઘટનાઓ નહીં ઘટતી હોય તે અહીં ગાંધીધામમાં ઘટી રહી છે. એક-એક વિસ્તારમાં ત્રણ-ત્રણ પીવાનાં પાણીની લાઈનો નાખવામાં આવી છે અને રૂપિયાની બરબાદી કરાઈ રહી છે. હાલના સમયે મહાનગરપાલિકાની લાઈનો કાર્યરત છે, આ ઉપરાંત 31 કરોડના પ્રકલ્પ હેઠળ લાઈન નખાય છે અને હવે ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ કંપની એટલે કે જીયુડીસી તે જગ્યા ઉપર લાઈનો નાખીને બહારથી કનેક્શન જોડી રહી છે. રાજ્ય સરકાર દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ ઊઠી છે. - જીયુડીસીની પણ તપાસ થવી જોઈએ તેવી માંગ : જીયુડીસી દ્વારા લગભગ 116 કરોડની આસપાસના પ્રકલ્પ હેઠળ નાખવામાં આવેલી લાઈનોની તપાસ કરવાની માંગ ઊઠી છે. આ ઉપરાંત જે જગ્યાઓ ઉપર 31 કરોડના પ્રકલ્પ હેઠળ લાઈનો નખાઈ છે તે જ જગ્યા ઉપર જીયુડીસી દ્વારા શું કામ લાઈનો નાખવામાં આવી છે તે સહિતની બાબતોને લઈને તપાસ કરવામાં આવે તેવી માંગ જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત જીયુડીસીએ નાખેલી લાઈનોની ગુણવત્તાની ચકાસણી માટે પણ માંગ ઊઠી છે. - મેઘપર બોરીચીના 231 કરોડના બે પ્રકલ્પમાં તકેદારી રાખવી જરૂરી : મેઘપર બોરીચી અને મેઘપર કુંભારડીમાં લગભગ 104 કરોડના ખર્ચે ગટરલાઈનો નાખવાની છે અને 127 કરોડની આસપાસના ખર્ચે પાણીની લાઈનો નાખવાની છે તેની ટેન્ડર પ્રક્રિયામાં રિંગ સિસ્ટમ અમલી થઈ છે તેવા આક્ષેપો છે. આ ઉપરાંત જેની ઉપર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો છે તે એજન્સીએ પોતાનાં નામે અને અન્ય એજન્સીનાં નામે ટેન્ડર ભર્યાં હોવાનું બહાર આવી રહ્યું છે તેવામાં મ્યુનિસિપલ કમિશનર તથા બંને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો અને સિટી ઇજનેર દ્વારા આખી ટેન્ડર પ્રક્રિયામાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો ઘણું સત્ય બહાર આવે તેમ છે. આ પ્રકલ્પોમાં જો ધ્યાન રાખવામાં નહીં આવે તો ગાંધીધામ-આદિપુર જેવી સ્થિતિ થવાની ભીતિ જાગૃત નાગરિકો દ્વારા વ્યક્ત કરાઈ રહી છે. 

Panchang

dd