રફીક ચાકી દ્વારા : કોટડા (ચ.), તા. 27 : ભુજ તાલુકોના
ઉગમણા-આથમણા, સણોસરા, વરલી, થરાવડા, પદ્ધર સહિત કોટડા
ચકાર પંથકનાં ગામોમાં આ વર્ષે દાડમના પાકની સારી સ્થિતિ જોવા મળતાં ખેડૂતોમાં ખુશી
જોવા મળી રહી છે. ગયાં વર્ષે ભારે વરસાદ, કમોસમી માવઠાં,
રોગચાળો અને હવામાનમાં આવેલા અચાનક ફેરફારોને કારણે દાડમના પાકને નુકસાન
થયું હતું. આ વર્ષે પરિસ્થિતિ અગાઉની સરખામણીએ સારી જોવા મળી રહી છે. ખેડૂતો દ્વારા
દાડમના બગીચાઓમાં યોગ્ય માવજત, સમયસર દવાઓનો છંટકાવ, ખાતર વ્યવસ્થા અને નિયંત્રિત સિંચાઈ કરવામાં આવતાં છોડમાં સારો વિકાસ જોવા
મળી રહ્યો છે. ખેડૂતોનું માનવું છે કે, અનુકૂળ હવામાન રહે ને
કમોસમી વરસાદ ન નડે તો ખેડૂતો દ્વારા યોગ્ય જતન-માવજતથી આ વર્ષે દાડમનો પાક સારો મળી
શકે છે. કોટડા (આ.) સરપંચ-ખેડૂત મનસુખભાઈ માકાણીએ જણાવ્યું હતું કે, `ગયાં વર્ષે ભારે વરસાદ અને રોગચાળાને કારણે
દાડમના પાકને મોટું નુકસાન થયું હતું, જેના કારણે ખેડૂતોને ભારે આર્થિક ફટકો પડયો હતો, પરંતુ
આ વર્ષે ખેડૂતો વધુ સાવચેતી સાથે પાકની સંભાળ રાખી રહ્યા છે. સમયસર દવાઓનો છંટકાવ,
ખાતર અને ડ્રિપ સિંચાઈ દ્વારા છોડને જરૂરી પોષણ આપવામાં આવી રહ્યું છે.'
રેહા સરપંચ-ખેડૂત ગેલુભા જાડેજાએ જણાવ્યું હતું કે, `ખેડૂતો હાલમાં પાકમાં જીવાત અને રોગચાળો
ન ફેલાય તે માટે નિયમિત દવાઓનો છંટકાવ કરી રહ્યા છે.' જ્યારે પદ્ધરના ખેડૂત રમેશભાઈ ખેતાભાઈ આહીરે
જણાવ્યું કે, `દાડમના છોડમાં
હાલમાં સારી હરિયાળી અને નાના ફળો જોવા મળી રહ્યા છે.' દાડમના છોડનું વાવેતર કર્યા બાદ 6થી 8 મહિના પછી પ્રથમ કટિંગ અથવા કાપકૂપ કરવામાં આવે છે, જેથી છોડનો યોગ્ય આકાર વિકસે અને નવી ડાળીઓ
મજબૂત બને, ત્યારબાદ દર વર્ષે પાક પૂર્ણ થયા પછી સૂકી,
નબળી અને બિનજરૂરી ડાળીઓ દૂર કરવામાં આવે છે. દાડમનો છોડ સામાન્ય રીતે
વાવેતર પછી 2થી 3 વર્ષમાં ફળ આપવાનું શરૂ કરે છે, જ્યારે સંપૂર્ણ ઉત્પાદન 4થી 5 વર્ષ પછી મળતું હોય છે. દાડમના પાકમાં બેક્ટેરિયલ બ્લાઇટ, ફળ ફાટવાની સમસ્યા અને જીવાતનો ઉપદ્રવ મુખ્ય
સમસ્યાઓ માનવામાં આવે છે.