• ગુરુવાર, 28 મે, 2026

ચાર તાલુકાનાં અંતરિયાળ ગામોમાં 26 સરોવરમાં કામો

ભુજ, તા. 27 : જિલ્લાનો પ્રાણપ્રશ્ન પાણી પ્રશ્ન વર્ષોથી પડકારરૂપ રહ્યો છે ત્યારે કચ્છની ધરાને પાણીદાર બનાવવા અનેક સામાજિક સંસ્થાઓ, સેવાભાવી સંગઠનો અને સ્થાનિક આગેવાનો દ્વારા તળાવો ઊંડા કરવા, ચેકડેમ નિર્માણ, વૃક્ષારોપણ અને વરસાદી પાણીના સંચય જેવા વિવિધ પ્રસાસો હાથ ધરાઈ રહ્યા છે. લોકભાગીદારીથી ચાલતા આ કાર્યે કચ્છ હરિયાળું  અને જળસમૃદ્ધ બનાવાની દિશામાં મહત્ત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે ત્યારે આ જળ આંદોલનમાં જોડાઈ ધોળકિયા ફાઉન્ડેશન અને કચ્છ જલધારા સેવા સંઘ દ્વારા સ્થાનિક ગ્રામજનોના સહયોગથી ભુજ, નખત્રાણા, લખપત અને માંડવી આ ચાર તાલુકાના અંતરિયાળ ગામોમાં કુલ 26 સરોવરમાં કામગીરી કરાઈ રહી છે. - જળક્રાંતિથી જનકલ્યાણનું વૈશ્વિક મિશન : ધોળકિયા ફાઉન્ડેશન એ હરિકૃષ્ણ એક્સપોર્ટસ (HK Group)ની સંસ્થા છે, જેના સ્થાપક અને ચેરમેન પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા (સવજીકાકા) છે. સંસ્થા છેલ્લા ઘણા વર્ષોથી પર્યાવરણની સુરક્ષા, વૃક્ષારોપણ અને ખાસ કરીને જળ સંચયનાં ક્ષેત્રમાં સમગ્ર ભારતમાં ક્રાંતિકારી કામ કરી રહી છે. અત્યાર સુધીમાં સંસ્થાએ સેંકડો સરોવરોનું નિર્માણ કરીને કરોડો લિટર પાણીનો સંગ્રહ કર્યો છે, જેને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે (યુ.એન. સુધી) બિરદાવવામાં આવ્યું છે. - 16 સરોવરોનાં કામો સફળતાપૂર્વક પૂર્ણ : આ સરોવરો અને જળ મંદિરોનું નિર્માણ અને ઊંડા ઉતારવાનું કામ પૂરું થઈ ગયું છે, જે આગામી ચોમાસામાં જળથી છલકાવા માટે તૈયાર છે. - 10 સરોવરોનાં કામો પ્રગતિ હેઠળ છે : આ તળાવોને નવા બનાવવા અને ઊંડા ઉતારવા માટે 11 હિટાચી અને 22 હાઈવા ટ્રકો જેવા ભારે મશીનો દ્વારા યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે. - પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ : લોકભાગીદારી મારું ગામ, મારું જળ મંદિર, આ પ્રોજેક્ટમાં ગામના લોકો શ્રમદાન અને સહયોગ આપી રહ્યા છે. આ 26 સરોવરો ભરાવાને કારણે આસપાસના વિસ્તારોમાં કૂવા અને બોરના તળ ઊંચા આવશે, જેથી ખેડૂતો અને પશુપાલક, માલધારીઓને લાંબો સમય પાણી મળી રહેશે. સરોવરોની આસપાસ મોટાપાયે વૃક્ષારોપણ, પક્ષીઓને આશ્રય મળે અને કચ્છની ધરતી લીલીછમ બને. - નેતૃત્વ અને ઓનગ્રાઉન્ડ મોનિટારિંગ : ચેરમેન સવજીભાઈ ધોળકિયા પોતે નિયમિત સાઇટ્સની વિઝિટ કરી મોનિટારિંગ કરી રહ્યા છે. કચ્છ જલધારા સેવા સંઘના  કેશુભાઈ ઠાકરાણી, પ્રભુભાઈ માકાણી સ્થાનિક સ્તરે સંકલન અને સામાજિક સહયોગનું નેતૃત્વ કરે છે. કનક પટેલ (પ્રોજેક્ટ મેનેજર) મશીનરી, ખોદકામ અને ટેકનિકલ નકશાઓનું ગ્રાઉન્ડ પર સચોટ સંચાલન સંભાળે છે. પરસોત્તમભાઈ વેકરિયા અને પ્રકાશભાઈ ચૌધરી પ્રોજેક્ટને સફળ બનાવવા માટે કાર્યરત હોવાનું જણાવાયું હતું.

 

Panchang

dd