ગાંધીધામ, તા. 27 : સામાન્ય સંજોગોમાં લાંચ રૂશ્વત
બ્યૂરોની છટકાંની કાર્યવાહીની વાત આવે ત્યારે માત્ર સરકારી અધિકારીઓ જ સકંજામાં આવતા
હોય છે, પરંતુ જો લોકો કોઈ પણ લાંચ મુદ્દે ફરિયાદ કરે તો ખાનગી વ્યક્તિ
પણ લાંચનાં છટકાંમાં સપડાઈ શકે છે, તે બાબત આજે આદિપુરમાં થયેલી
કાર્યવાહી ઉપરથી સ્પષ્ટ થાય છે. એસીબીએ આદિપુરમાં
ધારાશાત્રી સહિત બે શખ્સને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડયા હતા. આ કાર્યવાહીના પગલે
સંકુલમાં ભારે ચકચાર પ્રસરી છે. એસીબીની વકીલ
સામે સંભવત પ્રથમ કાર્યવાહી કરાઈ છે. આ અંગે
મળતી વિગતો મુજબ પૂર્વ કચ્છ એસીબી દ્વારા આજે
આદિપુરના વોર્ડ-2એમાં ડીએઝેડ
29 ખાતે કાર્યવાહી કરી આરોપી ધારાશાત્રી અનિલ સોમદત નાથાણી અને જૈનીબેન નીતિનભાઈ સોનીને ઝડપી પાડયા હતા. આરોપી
વકીલ સ્ટેમ્પ વેન્ડર દ્વારા અરજદારો પાસેથી
જુદા-જુદા દરના ઈ-સ્ટેમ્પ કાઢી આપવા માટે સ્થળ ઉપર ઈ-સ્ટેમ્પની કિંમત કરતાં વધુ રકમ વસૂલવામાં આવતી હોવા મુદ્દે એસીબીને અરજી કરવામાં આવી હતી. હકીકતની
ખરાઈ કરવા બે સરકારી પંચ સાથે પૂર્વ કચ્છ એસીબી
દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ કાર્યવાહી
દરમ્યાન આરોપી જૈનીબેને ડીકોયર પાસેથી
કાયદેસરના ઈ-સ્ટેમ્પનાં નાણાં કરતાં વધુ રકમ રૂા. 330 આપવા વાતચીત કરી હતી અને ગેરકાયદેસર
લાંચની રકમ સ્વીકારી આરોપી અનિલ નાથાણીને આપી
હતી. આરોપીઓએ પૈસાની રકમ સ્વીકારતાંની સાથે
જ વોચમાં રહેલી એસીબીએ ત્રાટકીને બન્નેને ઝડપી પાડયા હતા. આ કાર્યવાહીમાં પૂર્વ કચ્છ
એસીબીનાપી.આઈ જે.બી. ચૌધરી અને સ્ટાફ જોડાયો
હતો. એસીબી રાજકોટના નાયબ નિયામક બળદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરાઈ
હતી. બોર્ડર રેન્જ મદનીશ નિયામક કે.એચ. ગોહિલ
સુપરવિઝન અધિકારી રહ્યા હતા.