તાજેતરમાં ભોપાલ અને
ગ્રેટર નોઇડાની બે યુવતી ટ્વિશા શર્મા અને દીપિકા નાગરનાં રહસ્યમય અને કંપારી છૂટે
તેવાં મૃત્યુએ સમાજચિંતકો અને ખુદ આપણા માટે નવા સવાલો ઊભા કર્યા છે. એકતરફ આપણે આપણી
બહેન-દીકરીઓની સફળતાથી પોરસાઇએ છીએ. અંતરિક્ષમાં ફતેહ કરે છે અને કોર્પોરેટ જગતનું
નેતૃત્વ કરે છે. એ સમયે આપણે તેમના પર પ્રશંસાના ફૂલો વરસાવીએ છીએ, તો બીજી તરફ કોઇ ઘરના બંધ દરવાજા પાછળ એક જૂની
સડેલી સામાજિક કુપ્રથા અરમાનભરી યુવતીઓનું જીવન ટૂંકાવી નાખે છે. આવા પરસ્પર વિરોધી
સમાજ જીવનમાંથી હવે સબક લેવાની જરૂર છે. આ બંને ઘટના ખરેખર તો આપણી સામાજિક ચેતનાને
હચમચાવી નાખવા પૂરતી હોવી જોઇએ, પણ હકીકત એ છે કે, આપણે ક્યાંયથી કંઇ શીખવા તૈયાર નથી. આપણે એવું માનતા આવ્યા હતા કે,
શિક્ષણ અને આર્થિક વિકાસ થયા
પછી હવે દહેજપ્રથા ભૂતકાળ બની ચૂકી છે, પણ ખરેખર તો આજે આપણા
સમાજમાં દહેજ માત્ર કુરીતિ જ નથી રહી બલકે એક સામાજિક અપરાધ અને એવો રાક્ષસ બની ગયો
છે. જે આપણી કહેવાતી પ્રગતિને રૂંધી રહ્યો છે. ભોપાલની ટ્વિશા શર્માના લગ્ન એક શિક્ષિત
અને પ્રભાવશાળી પરિવારમાં થયાં હતાં. તેમના સાસુ સેવાનિવૃત્ત ન્યાયાધીશ છે. તો ગ્રેટર
નોઇડાની દીપિકા નાગરના પરિવારે પુત્રીના લગ્નમાં અંદાજે એક કરોડથી વધુનો ખર્ચ કર્યો
તેમ છતાં માત્ર બીજા 50 લાખ અને ફોર્ચ્યુનર
કારની લાલચે જીવ લઇ લીધો. કમનસીબે આજના સમયમાં ઉચ્ચ શિક્ષણે દહેજને ખતમ કરવાને બદલે
નવો જ આયામ લઇ લીધો છે. તેમાં વરરાજાનું મૂલ્ય નક્કી થવા લાગ્યું છે. ઉદારીકરણની અર્થવ્યવસ્થામાં
હવે લગ્નને સામાજિક બંધનના બદલે આર્થિક લેવડ દેવડ અને પ્રતિષ્ઠાનું પ્રદર્શન બનાવી
દીધું છે. આજે દહેજનું સ્વરૂપ બદલાઇ ગયું છે. હવે તેને ખુલ્લેઆમ દહેજ કહેવાને બદલે
ભેટ-સોગાદ, તહેવારોનું શુકન અને સ્ટેટસ
સિંબોલ નામ આપી દેવાયું છે. વાસ્તવમાં દેખાડાની સંસ્મૃતિએ લગ્નને એક ઇવેન્ટ બનાવી નાખી
છે, જ્યાં છોકરા અને છોકરીવાળાની આર્થિક ક્ષમતાનો દેખાડો કરાય
છે. આપણી સૌથી મોટી વિડંબના એ છે કે, આજે પણ આપણી બહેન-દીકરીઓને
સફળ લગ્ન જીવન માટે તૈયાર કરાય છે. એકલવાયી અને અપરિણીત દીકરીઓ માટે સમાજ માન-સન્માન
નથી ધરાવતો તેને પરિણામે માતા-પિતા કોઇ પણ ભોગે તેને પરણાવી દેતા રહે છે. એક વાત સાચી
છે કે, દહેજ ઉત્પીડન અચાનક નથી થતું. એ ધીમી પ્રક્રિયા છે જેને
પરિવારની ઇજ્જતના નામે છૂપાવી દેવાય છે. પછી તેને મળતું પ્રોત્સાહન દીકરીઓને અંતિમ
પગલું લેવા મજબૂર છે કે તેને મારી નાખવામાં આવે છે. દહેજ મૃત્યુ એ માત્ર બે પરિવારની
બરબાદી નથી પણ તેને વ્યાપક સામાજિક પ્રભાવ પડયો છે. આજે પણ દીકરીના જન્મને આર્થિક બોજ
માનવામાં આવે છે. દહેજનો આતંક એટલી હદ સુધી વિસ્તર્યો છે કે, મહિલાઓની સ્વતંત્રતાનો પણ ભોગ લેવાય છે. દીપિકા નાગરના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં
ગંભીર ઇજા અને ટ્વિશાનાં મોતનું પોસ્ટમોર્ટમ એ માત્ર કાયદાકીય ગતિવિધિઓ જ નથી પણ આપણા
સમાજના માથા પર વાગેલો ઊંડો ઘા છે, જે સતત કહે છે કે,
માત્ર કડક કાયદા ભલે બનાવો પણ જ્યાં સુધી સમાજમાં બદલાવ નહીં આવે ત્યાં
સુધી કેટલીય ટ્વિશા કે દીપિકા દહેજના ખપ્પરમાં હોમાતી રહેશે.