• ગુરુવાર, 28 મે, 2026

વૈભવના રનવંટોળમાં હૈદરાબાદ ધ્વસ્ત

ન્યુ ચંદીગઢ, તા. 27 : વૈભવ સૂર્યવંશીના રન વંટોળથી અહીં  હાઈવોલ્ટેજ એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સે સનઈરાઝર્સ હૈદરાબાદને  47 રને પરાજય આપી ક્વાલીફાર-2માં જગ્યા બનાવી લીધી છે, હવે 29 મેના ગુજરાત સામે ટકરાશે.  244 રન લક્ષ્યાંકને આંબવા ઉતરેલી હૈદરાબાદે પ્રથમ ઓવરમાં જ સ્ટાર બેટ્સમેન અભિષેક શર્માની વિકેટ ગુમાવી હતી. જોફ્રા આર્ચરના બોલમાં તે  શૂન્યમાં ધ્રુવ જુરેલને કેચ આપી બેઠો હતો. ત્યારબાદ ઈશાન કિશન (11 દડામાં 33) અને ટ્રેવિસ હેડ (8 દડામાં 17)એ સ્કોરબોર્ડને ગતિ આપવાની કોશિશ કરી હતી. પરંતુ જોફ્રા આર્ચરની બોલિંગ સામે જાજું ટકી શકયા ન હતા. નિતિશ કુમાર રેડ્ડી (20 બોલમાં 38) અને સલીલ અરોરા (35)એ થોડો પ્રતિકાર કરી સ્કોરબોર્ડને આગળ વધાર્યું હતું. સમયાંતરે વિકેટો પડતા હૈદરાબાદ લક્ષ્યવેધમાં નિષ્ફળ રહ્યું હતું. અંતિમ ઓવરોમાં શિવાંગ કુમારે 27 રન કરી ટીમને થોડા સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. રાજસ્થાન તરફથી જોફ્રા આર્ચરે ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે રવિન્દ્ર જાડેજા, શુશાંત મિશ્રા અને નાન્દ્રે બર્ગરને 2-2 વિકેટો મળી હતી. હૈદરાબાદ તરફથી કોઈ પણ બેટ્સમેન લાંબુ સમય વિકેટ પર ટકી ન શક્યો નહોતો. અગાઉ 15 વર્ષીય બેટર વૈભવ સૂર્યવંશીના 12 છક્કાથી વિસ્ફોટક અને વિક્રમી 97 રનની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદ સામેના એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સે 8 વિકેટે 243 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. જે આઇપીએલમાં રાજસ્થાનનો સૌથી મોટો સ્કોર છે. આજે વૈભવ સૂર્યવંશીએ સીઝનમાં કુલ 6પ છક્કા ફટકારી ક્રિસ ગેલનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. જો કે તે 3 રને સદી ચૂકી ગયો હતો અને ગેલની આઇપીએલમાં 30 દડામાં ઝડપી સદીના રેકોર્ડથી સહેજમાં દૂર રહી ગયો હતો. વૈભવે પહેલા દડાથી પ્રચંડ પ્રહાર શરૂ કરી દીધા હતા. તેણે સનરાઇઝર્સના કેપ્ટન અને વિશ્વ ક્રિકેટના દિગ્ગજ બોલર પેટ કમિન્સની ઓવરમાં ઉપરાઉપરી ત્રણ છક્કા ફટકારી રનનો ધોધ વહાવ્યો હતો.  વૈભવ અને યશસ્વી (29) વચ્ચે પહેલી વિકેટમાં 49 દડામાં 12પ રનની તોફાની ભાગીદારી થઇ હતી. વૈભવના રન તાંડવથી રાજસ્થાને પાવર પ્લેમાં 80 રન બનાવ્યા હતા. વૈભવના વિસ્ફોટક 97 રન ઉપરાંત ધ્રુવ જુરેલે 21 દડામાં પ ચોક્કા-3 છક્કાથી પ0 રનની ઝડપી ઈનિંગ રમી હતી. આ પછી રાજસ્થાને સમયાંતરે વિકેટો ગુમાવી હતી અને રન રફતાર પણ મંદ પડી ગઇ હતી. આમ છતાં તેનો સ્કોર 243 રને પહોંચ્યો હતો. હૈદરાબાદ તરફથી પ્રફૂલ્લ હિંગેએ પ4 રનમાં 3 વિકેટ લીધી હતી.  

Panchang

dd