ગાંધીધામ, તા. 27 : અંજાર તાલુકાના સિનુગ્રા વાડી
વિસ્તારમાં ચાલતા જુગારના અડ્ડા ઉપર પોલીસે ગુણવત્તાસભર દરોડો પાડયો હતો. પોલીસે ધાણીપાસાનો
જુગાર રમતા 11 તહોમતદારની રોકડા રૂા. 20,81,930 સાથે ધરપકડ કરી હતી. સિનુગામાં આરોપી ભીમજી વાલજીભાઈ વાણિયા
(સોરઠિયા) નાલ ઊઘરાવી અંગત ફાયદા માટે પોતાના કબજાની વાડીના મકાનમાં બહારથી માણસો બોલાવી
ધાણીપાસાનો જુગાર રમી-રમાડતો હોવાની બાતમી આધારે પોલીસ ત્રાટકી હતી. આ કાર્યવાહીમાં આરોપી ભીમજી સોરઠિયા, ભાવિન રમણીકભાઈ વાણિયા, રજાક મામદ જુણેજા, અલીશા કાસમશા શેખ, આમદશા હનીફશા શેખ, મજીદ હનીફશા શેખ, મયુદીન સુમારશા શેખ, સોયબ ઉમરશા શેખ, હિતેષ પ્રેમજી સોરઠિયા, જુસબશા જમનશા શેખ, ઓસમાણશા ઈબ્રાહિમશા શેખ કાયદાના સંકજામાં આવ્યા હતા. પકડાયેલા ખેલીઓ પાસેથી
રોકડ તથા 14 મોબાઈલ ફોન
કિં. રૂા. 6.50 લાખ, ચાર વાહન કિં. રૂા. 50 લાખ સહિત કુલ રૂા. 77,32,930નો મુદ્દામાલ હસ્તગત લેવાયો હતો. આ સ્થળેથી પોલીસે ભારતીય બનાવટની વિદેશી દારૂની એક બોટલ તથા ખાલી
ગ્લાસ પણ કબજે લીધા હતા. જાણકારોના જણાવ્યા પ્રમાણે લાંબા સમયથી સુનિયોજિત રીતે આ કલબ
ચાલતી હતી. પોલીસની આ કાર્યવાહીના પગલે અસામાજિક
તત્ત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે.