ગાંધીધામ, તા. 27 : સરહદી રેન્જ સ્તરીય ટુકડીએ
ભચાઉ તાલુકા મેઘપરમાં એક ગાડીમાંથી રૂા. 1.55 લાખના અંગ્રેજી દારૂના જથ્થા
સાથે શખ્સની ધરપકડ કરી હતી. આ ઉપરાંત રાજસ્થાનથી
ગાંધીધામ પાર્સલ મારફતે આવેલા દારૂના જથ્થા સાથે પોલીસે શખ્સની ધરપકડ કરી હતી. સરહદી રેન્જવડાની ટુકડી આર.આર. સેલની પોલીસ ટીમે ખારોઈ-ભચાઉ રોડ ઉપરથી રાપર બાજુ દારૂ ભરેલી ગાડી આવતી હોવાની બાતમી આધારે વોચ ગોઠવી
હતી. દરમ્યાન મેઘપર ગામના બસ સ્ટેશન નજીક પાપડી
ચડતા બાતમી મુજબની ગાડી આવતાં પોલીસે મારુતિ સુઝુકીની નંબર પ્લેટ વિનાની બલેનો ગાડીને
રોકાવી હતી. તેમાં બેઠેલા લોકો પૈકી એક શખ્સ નાસી છૂટયો હતો, જ્યારે એક ઝડપાયો હતો. આ વાહનની છાનબીન દરમ્યાન તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ. 276 મળી આવી હતી, જેની કિંમત રૂા.1,55,940 આંકવામાં આવી હતી. આ કાર્યવાહીમાં
આરોપી વિશાલભાઈ સુરેશભાઈ મણકા (રહે.રાપર)ની
ગાડી સહિત કુલ રૂા. 6,10,940ના
મુદ્દામાલ સાથે ધરપકડ થઈ હતી, જ્યારે
અન્ય આરોપી રાજવીરસિંહ મોહનસિંહ ચાવડા પોલીસને હાથતાળી આપવામાં સફળ થયો હતો. આ પ્રકરણમાં આરોપી વિપુલસિંહ
ઝાલાનું પણ નામ ખુલ્યુ હતું. આ અંગે પોલીસે વધુ તપાસ આરંભી છે.ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે જોધપુરથી
કચ્છ હાઈવે ટ્રાન્સપોર્ટમાં પાર્સલ મારફતે
દારૂ આવ્યો હોવાની બાતમી આધારે કાર્યવાહી હાથ ધરી હતી. દરમ્યાન આ ટ્રાન્સપોર્ટની
કચેરી પાસે પીએસએલ કાર્ગો ઝૂંપડા ગલી નં.-3 આંબેડકરનગર પાસે પાર્સલ બોક્સ સાથે ઊભેલા
આરોપી પપ્પુરામ ઘેવરરામ મેઘવાળને પોલીસે તપાસ્યો હતો. દરમ્યાન તેની પાસે દારૂની 12 બોટલ કિં. રૂા.20,595 મળી આવી હતી, પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આ પ્રકરણમાં આરોપી કાનો ડાયાભાઈ સુંઢા,
મનોહરસિંગ પ્રેમીસિંગ ભાટીનાં નામ ખુલ્યાં હતાં.