• ગુરુવાર, 28 મે, 2026

ગરમી-ઉકળાટ વચ્ચે કચ્છમાં શનિ-રવિ વરસાદની આગાહી

ભુજ, તા. 27 : કચ્છમાં લાંબા સમયથી અનુભવાઇ રહેલા તાપ અને ઉકળાટના માહોલ વચ્ચે હવામાન વિભાગે શનિ-રવિના જિલ્લાના કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ વરસવાની આગાહી કરી છે. દરમ્યાન પવનની ગતિ મંદ પડવા સાથે મહત્તમ પારો બે ડિગ્રી ઊંચકાતાં લોકોએ ગરમીનો અનુભવ કર્યો હતો. ભુજમાં મહત્તમ પારો ઊંચકાઇને 39.2, તો અંજાર-ગાંધીધામમાં 40.6 ડિગ્રીએ પહોંચતાં વિશેષ રીતે મધ્યાહ્ન કાળે ગરમીથી લોકો તોબા પોકારી ઊઠયા હતા. પવનની ગતિ ઘટીને 10થી 12 કિ.મી.ની થતાં ઉકળાટે વધુ પ્રમાણમાં અનુભવાયો હતો. આ તરફ હવામાન વિભાગે રાજ્યમાં પ્રિ-મોન્સૂન વરસાદી ગતિવિધિ શરૂ થાય તેવી  સંભાવના વ્યક્ત કરી છે. શનિવારથી મંગળવારના ચાર દિવસના ગાળામાં રાજ્યમાં અલગ-અલગ સ્થળે પવન-ગાજવીજ સાથે વરસાદ વરસવાની આગાહી કરાઇ છે. કચ્છમાં પણ શનિ-રવિના છૂટાછવાયા વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટાં વરસે તેવી આગાહી કરવામાં આવી છે. દેશમાં ચોમાસું દસ્તક દેવામાં છે ત્યારે આગામી સમયમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી વધે તેવી સંભાવના હવામાન નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. 

Panchang

dd