• ગુરુવાર, 28 મે, 2026

ઈબોલા આહટ વચ્ચે કચ્છનું તંત્ર સતર્ક

ભુજ, તા. 27 : રાજ્યમાં ઈબોલા વાયરસનો પહેલો શંકાસ્પદ કેસ અમદાવાદમાં નોંધાયો છે, ત્યારે ઈબોલા વાયરસને લઈને કચ્છનું આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. સુદાન, યુગાન્ડા અને રિપબ્લિક ઓફ કોંગો સહિતના દેશોમાંથી આવતા મુસાફરોને હોમ આઈસોલેશનમાં રાખવા સહિતના આગોતરા તકેદારીનાં પગલાં ભરાઈ રહ્યાં છે. યુગાન્ડાથી આવેલા ત્રણ મુસાફરોને હાલમાં હોમ આઈસોલેશનમાં રખાયા છે. આ ત્રણેય મુસાફરોની દૈનિક આરોગ્ય તપાસ કરી કોઈ લક્ષણો તો નથી દેખાતાને તેના પર નજર રાખવામાં આવી રહી છે. જિલ્લા આરોગ્ય અધિકારી મિતેશ ભંડેરી અને એપેડેમિક મેડિકલ ઓફિસર ડો. કેશવકુમારે વિગતો આપતા કહ્યું કે, યુગાન્ડાથી કચ્છ આવેલા ત્રણ મુસાફરોને હોમ આઈસોલેશનમાં રખાયા બાદ કોઈ પણ પ્રકારના શંકાસ્પદ લક્ષણો હજુ સુધી જોવા મળ્યા નથી. કચ્છમાં ઈબોલાને લઈ કોઈ ચિંતાની સ્થિતિ નથી પણ આગોતરી તકેદારીનાં ભાગરૂપે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકા અનુસાર જરૂરી આરોગ્ય તપાસણી કરી 21 દિવસ માટે હોમ આઈસોલેશનમાં રખાય છે. આ સમયગાળા દરમિયાન આરોગ્ય સ્ટાફ દરરોજ આ મુસાફરની આરોગ્ય તપાસણી કરી તેનું રિપોર્ટિંગ જિલ્લા આરોગ્ય તંત્રને મોકલે છે. અમદાવાદ વિમાની મથકે આ ત્રણેય દેશોમાંથી આવતા મુસાફરોની તપાસણી કરવામાં આવે છે. કચ્છનો કોઈ પણ મુસાફર આ દેશમાંથી આવ્યો હોય તો અમદાવાદ એરપોર્ટ  ઓથોરિટી દ્વારા જિલ્લા આરોગ્ય તંત્રને તેની જાણ કરાતાં આરોગ્ય  વિભાગ હરકતમાં આવી આવશ્યક એવા આગોતરા તકેદારીનાં પગલાં લેવાનાં શરૂ કરી દે છે. કચ્છના વિમાની મથકેથી કોઈ વિદેશી મુસાફરનું આવાગમન થતું ન હોવાથી આરોગ્ય તપાસણી માટેની કોઈ વ્યવસ્થા ગોઠવાઈ નથી. જરૂર જણાય આ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. કચ્છમાં ઈબોલાને લઈ કોઈ પણ પ્રકારની ચિંતા કે ઉચાટની સ્થિતિ ન સર્જાય એ માટે આરોગ્ય વિભાગે લોકોને ખોટી અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે, યુગાન્ડા સહિતના ત્રણ દેશોમાં મોટી સંખ્યામાં કચ્છી લોકોના વસવાટ સાથે આવાગમને વધુ રહેતું હોવાથી તકેદારી દાખવવી અનિવાર્ય બની જતી હોય છે. 

Panchang

dd