• બુધવાર, 22 મે, 2024

કોટેશ્વર સીમા સુરક્ષાદળને વોટર કૂલર અર્પણ કરાયું

નલિયા, તા. 18 : કચ્છમાં છેલ્લા 25 વર્ષથી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ-ગોધરા દ્વારા સરહદ સાચવતા સંત્રીઓ- સીમા સુરક્ષાદળ માટે પૂરક સુવિધાઓ, છેવાડાનાં ગામોમાં આરોગ્ય કેમ્પ, જરૂરતમંદ વ્યક્તિઓને પગભર કરવા સાધન સહાય સહિતની સેવાકીય પ્રવૃત્તિઓ સામાજિક અગ્રણી અરવિંદ કેશવજી જોશીનાં નેતૃત્વ હેઠળ થઇ રહી છે. સંસ્થા દ્વારા ભગવાન કોટેશ્વરના યાત્રાળુઓ માટે વોટર કૂલરની સુવિધા અર્પણ કરવામાં આવી હતી. કોટેશ્વર ખાતે દાતા અશ્વિનભાઇ ચંદન (કચ્છ-નરા હાલે મુંબઇ)  દ્વારા ક.જિ.ગ્રા. વિકાસ સમિતિ ગોધરાની પ્રેરણાથી યાત્રાળુઓ માટે બી.એસ.એફ.ની દેખરેખ હેઠળ વોટર કૂલર અર્પણ કરાયું હતું. 20 વર્ષ અગાઉ પણ આ જ દાતા દ્વારા વોટર કૂલર આપવામાં આવ્યું છે. આયોજિત કાર્યક્રમમાં કોટેશ્વરના મહંત દિનેશગિરિજી બાપુ, બી.એસ.એફ. કંપની કમાન્ડર નવનીતજી, કીર્તિભાઇ ઠક્કર, દાતા અશ્વિનભાઇ, પ્રેરક અરવિંદભાઇ તથા જવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ જ દાતા દ્વારા ક.જિ.ગ્રા. વિકાસ સમિતિના ઉપક્રમે પ્રમુખ શ્રી જોશીના નેતૃત્વમાં કચ્છભરનાં છેવાડાના ગામોમાં આરોગ્ય કેમ્પ યોજાય છે. જેમાં નિદાન સારવાર અને શત્રક્રિયા સહિત સેવા તદ્દન મફત આપવામાં આવે છે. ઉપરાંત મા-ભોમના સંત્રીઓના હમદર્દ બની કચ્છભરમાં જ્યાં જ્યાં જરૂરત હોય ત્યાંની ચોકીઓ ઉપર બેન્ચીસ, વોટર કૂલર, દિવાળી મીઠાઇ સહિત સુવિધાઓ સંસ્થા દ્વારા ઉપલબ્ધ કરાવાય છે. તાજેતરમાં જ મુંબઇ સ્થિત ભાવનગરના શ્રેષ્ઠી નિશાબેન પીયૂષભાઇ શાહ અને તેમના પરિજનો દ્વારા 59 બટાલિયનને બોર્ડર પર તૈનાત જવાનો માટે પાંચ વોટર કૂલર આપવામાં આવ્યા હતા. 18 બટાલિયન રોડાસર કેમ્પસના જવાનો માટે હેમંતભાઇ વ્યાસ (ખંભાત-મુંબઇ) પરિવાર દ્વારા વોટર કૂલર, પટેલ મૂળજીભાઇ મેઘજી વાસાણી પરિવાર (નાની વિરાણી) દ્વારા 1011ના જવાનો માટે 20 બાંકડા આપવામાં આવ્યા હતા. સંસ્થા દ્વારા મરીન પોલીસ મથકો, શાળા-યાત્રાધામ સહિત વિવિધ જગ્યાએ વીઆરટીઆઇ સંસ્થાની સાથે રહી જલધારા નિર્માણ કરાવવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી. તદ્દન પારદર્શક કાર્યપદ્ધતિને કારણે દાતાઓનો વિશ્વાસ સંપાદન કરી આ સંસ્થાએ નક્કર કામગીરી કરી છે. સમિતિના પ્રમુખનાં માર્ગદર્શન હેઠળ ચંદ્રકાંત મોતા, સલીમ  ચાકી સહિત અગ્રણીઓ, દાતાઓ, કાર્યકરો જોડાયેલા છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang