• શનિવાર, 27 જુલાઈ, 2024

રોટરી-લાયન્સ ક્લબ સંયુક્ત પ્રોજેક્ટની વાતને આવકાર

ભુજ, તા. 18 : સુખપરના અ.નિ. કુંવરજી ગાંગજી ગોરસિયા (સુખપર)ના આત્મશ્રેયાર્થે શિવજીભાઈ કુંવરજી ગોરસિયા અને સામબાઈ શિવજી ગોરસિયા પરિવાર તરફથી લાયન્સ હોસ્પિટલ ભુજ ખાતે 158મા બેદિવસીય ફ્રી મેગા આઈ કેમ્પમાં 111 જરૂરિયાતમંદ દર્દીના આંખના મોતિયાનાં ઓપરેશન કરાયાં હતાં. દીપ પ્રાગટય બાદ ઉપસ્થિતોએ હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત લઈ કામગીરીને બિરદાવી હતી. લાયન્સ ક્લબ ક્લબ ઓફ ભુજ સપ્ટેમ્બર માસના કો-ઓર્ડિનેટર ડો. ઉદય ગણાત્રા દ્વારા સ્વાગત કરાયું હતું. હોસ્પિટલના ચેરમેન એમજેએફ ભરતભાઈ એ.ડી. મહેતા દ્વારા હોસ્પિટલમાં ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓથી સર્વેને માહિતગાર કરાયા હતા અને દાતાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે રોટરી અને લાયન્સ ક્લબો દ્વારા જોઈન્ટ પ્રોજેક્ટ થાય તેવી રજૂઆત કરાઈ હતી અને રોટરીના તમામ પ્રમુખે આ વાતની વધાવી લીધી હતી. દાતા પરિવારના લક્ષ્મીબેન નારાણ ધનાણી, હંસાબેન જયંતી ગોરસિયા, શીતલબેન કાંતિ ગોરસિયા, મુખ્ય મહેમાનોમાં ધનજીભાઈ હરજીભાઈ ભુવા (સામાજિક અગ્રણી) ઉપસ્થિત રહ્યા હતા. ડો. કશ્યપભાઈ બુચ (સિવિલ સર્જન-કચ્છ)એ જણાવ્યું કે, લાયન્સ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધી કચ્છના વિવિધ ગામડાંઓમાં 430થી વધારે આઈ ચેકઅપ કેમ્પ, 45,000થી વધુ દર્દીની તપાસ કરી છે અને તે પૈકી 37,000થી વધુ આંખનાં ઓપરેશન મફત કર્યાં છે, તે પૈકીના એક પણ ઓપરેશનમાં કોઈ પણ ક્ષતિ જણાઈ નથી એ બાબતે અભિનંદન પાઠવ્યા હતા. ડો. આર.આર. ફૂલમાલી (ચીફ ડિસ્ટ્રીક્ટ હેલ્થ ઓફિસર-કચ્છ) દ્વારા લાયન્સ ઓર્ગન ડોનેશન ઉપર વધારે કાર્ય કરે તેવી અપીલ કરાઈ હતી. આ પ્રસંગે ભુજ અને માધાપર રોટરી ક્લબ તથા ઈન્નરવ્હીલ ક્લબના પ્રમુખોનું સન્માન કરાયું હતું. રોટરી ક્લબ ઓફ મેઈનના કિરણ પટેલ, ફ્લેમિંગોના હસ્તિનભાઈ આચાર્ય, વોલસિટીના રાજનભાઈ મહેતા, કેપિટલના નીતિનભાઈ કેશવાણી તરફથી રૂપિયા અગિયાર-અગિયાર હજાર મળી કુલ રૂા. 44,000નું દાન જાહેર કરાયું હતું. ઈન્નરવ્હીલ ક્લબ ઓફ મેઈનના ચંદ્રિકાબેન ઝરિયાવાલા તરફથી રૂા. 10,000નું દાન હસ્તે પ્રમુખ ગોપીબેન રાઠોડ તરફથી અપાયું હતું. ઉપરાંત રોટરી ક્લબ ઓફ ફ્લેમિંગોના રિતાલીબેન ગણાત્રા, વોલસિટીના નીતાબેન હાલાણી, કેપિટલના ડિમ્પલબેન દોશી, માધાપરના મમતાબેન ભટ્ટ તેમજ અન્ય રોટરી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. લાયન્સ ક્લબ ઓફ ભુજના શૈલેશ ઠક્કર, હીરજી વરસાણી, નવીન મહેતા, ચંદ્રકાંત સોની, મનસુખ શાહ તેમજ અન્ય સભ્યો  અને દર્દીઓના સગા ઉપસ્થિત રહ્યા હતા. દાતા પરિવાર તથા ઉપસ્થિત મહેમાનોનું સન્માન કરાયું હતું. સંચાલન અને પ્રોજેક્ટ ચેરમેન તરીકે પ્રફુલ્લ શાહે, આભારવિધિ ઉમેશ પાટડિયાએ કર્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang