• શનિવાર, 27 જુલાઈ, 2024

પચ્છમમાં પાણીસંગ્રહની કામગીરી કરાય તો પશુપાલન વ્યવસાય ટકી શકે

ખાવડા, તા. 18 : કચ્છ એ પરંપરાગત પશુપાલન વ્યવસાયનો પર્યાય શબ્દ છે. પચ્છમમાં જોવા મળતી ઘરેલુ નસલની કાંકરેજ ગાય, બન્ની ભેંસ, કચ્છી બકરી, કચ્છી ગર્દભ અને કચ્છી સિંધી નસલના ઘોડાઓ જોવા મળે છે, એમાં કાળા ડુંગરમાં પ્રકૃતિ સાથે રહેતા ગાયપાલક સમુદાયો પરંપરાગત રીતે વર્ષોથી ગાયપાલનના વ્યવસાયથી જોડાયેલા છે. કાળા ડુંગરની કોતરોમાં કુદરતી રીતે થતા દેશી ઘાસ અને પાણીના સ્રોતો ઉપયોગ કરી ઘરથી ડુંગર વિસ્તારમાં ગાયોનું પાલન અને સંવર્ધન કરે છે. જો પચ્છમમાં પાણીસંગ્રહ કામગીરી કરાય તો પરંપરાગત પશુપાલન વ્યવસાય ટકી શકે. ધોરાવરના ઈસ્માઈલભાઈ સમાએ જણાવ્યું કે, 70ના દશકામાં અઠવાડિયામાં એક ઊંટ પર દેશી ગાયના ઘીના આઠ ડબ્બા કાળા ડુંગરની સીમમાંથી ભરીને ખાવડાની બજારમાં પાંચ રૂપિયે કિલો વેચાણ કરતાં ગાયના માલધારીઓ ઘી બનાવતા અને બળદનું કાઠિયાવાડમાં ખેતી કરવા વેચાણ થતું, જેનાથી જીવનનિર્વાહ થતો. આજે ઘી બનાવવાની પદ્ધતિ ભુલાવા લાગી છે. હવે ટ્રેક્ટર યુગમાં બળદથી ખેતી કરવાનું પ્રમાણ  ઘટવા લાગ્યું છે, જેથી એના વ્યવસાયકારો ઓછા થઇ ગયા છે. પહેલાં ચરિયાણ અને પાણી ડુંગરમાં ખૂબ મળી રહેતું. આજે પરિસ્થતિ ખૂબ બદલાઈ ગઈ છે, છતાં આજે પચ્છમના યુવાનો પશુપાલનના પરંપરાગત વ્યવસાય સાથે જોડાયેલા છે. પચ્છમનો કેન્દ્ર વિસ્તાર એ ખાવડા છે. ગાયપાલન સાથે જોડાયલા યુવાનો દૂધમાંથી માવો બનાવી ગુજરાન ચલાવે છે. પશુપાલકો સીમ વિસ્તારમાંથી ગામના રોડ સુધી રોજ ગાયના દૂધમાંથી બનાવેલો માવો પહોંચાડે છે. કચ્છના વડામથક ભુજ સુધી નક્કી કરેલ વાહન દ્વારા માવો પહોંચાડવામાં આવે છે. સીમ વિસ્તારમાં લાકડાં સરળતાથી મળી રહે છે. રોજનું બે ટાઈમનો જે માવો બને છે, તે નિયત નક્કી કરેલ વાહનથી ભુજ પહોંચે છે, જેમાં સિઝન પ્રમાણે ભાવમાં તફાવત આવતો રહે છે. ડેરીમાં દૂધના ભરાવાનું કારણ કે, ગાયો બહુ જ દૂર સીમમાં ચરિયાણ માટે હોય છે, ત્યાંથી દૂધ સમયસર પહોંચી નથી શકતું. ઉપરાંત માલધારીઓના જણાવ્યા અનુસાર ગાયનાં દૂધમાં ફેટ ઓછું હોવાનાં કારણે પૂરતા ભાવ મળતા નથી, જેથી પશુપાલકો દૂધમાંથી માવો બનાવે છે. માવા વેચાણનો અન્ય વિકલ્પ ન હોવાથી માલધારીઓ જૂના વેપારીઓને માવો આપે છે. ભાવ વેપારીઓ દ્વારા મુખ્યત્વે નક્કી કરાય છે. સિઝન પ્રમાણે ભાવમાં વધારો-ઘટાડો કરાય છે. પશુપાલકોના જણાવ્યા અનુસાર પોષણયુક્ત ખોરાકના અભાવે આજે વાછરડી પાંચ વર્ષ સુધી ગાભણ નથી રહેતી. નરનાં વેચાણની બજાર વ્યવસ્થા ન હોવાથી યોગ્ય ભાવ નથી મળતા. ઉપરાંત ઇન બ્રિડિંગની સમસ્યા થઇ રહી છે, ગાયોમાં દૂધ પૂરતા પ્રમાણમાં નથી મળી રહ્યું. સ્થાનિક પશુપાલકોના જણાવ્યા અનુસાર પશુઓ દુર્ગમ વિસ્તારમાં હોવાથી આરોગ્યની સેવાઓ ખૂબ ખર્ચાળ થાય છે. સરકારી યોજનાનો લાભ ગાયપાલકોને મળતો નથી. સીમતળાવો પ્રત્યે દુરલક્ષ્યતાના કારણે સીમ વિસ્તારમાં પશુઓ માટે સારું ઘાસ ઉપલબ્ધ હોવા છતાં પાણીના અભાવે સ્થળાંતર કરવું પડે છે. આવનારા સમયમાં સ્થાનિક સમુદાયને સાથે રાખી સીમતળાવો અને વરસાદી પાણી રોકી જમીન સુધારણાની કામગીરી કરાય તો પશુઓને દેશી ઘાસ અને પીવાનાં પાણીની સમસ્યાનું નિવારણ કરવામાં આવે તો પચ્છમ વિસ્તાર પર આશ્રિત પશુપાલકોની આજીવિકા મજબૂત કરવામાં સહયોગી થશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang