અંજાર,તા.17 : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના
સૌરાષ્ટ્ર પ્રાંતના સંઘ શિક્ષા વર્ગ ( સામાન્ય)
નો પ્રારંભ થયો હતો.1લી જુન સુધી ચાલશે. આ વર્ગમાં કચ્છ અને
સૌરાષ્ટ્રમાંથી 15 વર્ષથી
40 વર્ષની આયુના 288 સ્વયંસેવકો પ્રશિક્ષણ મેળવશે. શહેરની આહીર બોર્ડીંગ ખાતે શરૂ
થયેલા વર્ગમાં રામકૃષ્ણ મઠ આદિપુરના અધ્યક્ષ
સ્વામી મંત્રેશાનંદજી, પશ્ચિમ ક્ષેત્રના
સંઘચાલક ડૉ. જેન્તીભાઈ ભાડેશીયા, પ્રશિક્ષણ
વર્ગના સર્વાધિકારી ભરતભાઈ દરજી, વર્ગ કાર્યવાહ દીપકભાઈ ગમઢા
ના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયુ હતું.આ
વેળાએ પ્રાંત કાર્યવાહ મહેશભાઈ ઓઝા અને પ્રાંત
પ્રચારક મહેશભાઈ જીવાણી હાજર રહ્યા હતા.સ્વામી
મંત્રેશાનંદજીએ આપણી દિવ્યતા રોજીંદા દૈનિક કાર્ય માં પ્રગટીકરણ કરવા સ્વામી વિવેકાનંદ
ના કાર્યને આત્મસાત કરવા જણાવ્યું હતું વધુમાં તેમણે આપણે આપણી ધાર્મિકતા, દેશભક્તિ
સાથે આપણી સંસ્કૃતિને જાળવી રાખવા નિર્ભીક બની કાર્ય કરવાં આહ્વાન કર્યું હતું. વર્ગ
કાર્યવાહ દીપકભાઈ ગમઢાએ સંઘ શિક્ષા વર્ગની પ્રશિક્ષણ યોજના સમજાવતા કહ્યું કે,વ્યક્તિ નિર્માણ,
કૌશલ્ય પ્રાપ્તિ અને મુલ્યો આધારિત સંસ્કાર ઘડતર પ્રાપ્ત કરી કાર્યકર્તા તરીકે રાષ્ટ્રભક્તિનું
જીવનમાં પ્રગટીકરણ કરવુ જોઈએ. આ વર્ગમાં વિવિધ
શારીરિક કાર્યક્રમો જેવા કે દંડ, નિયુદ્ધ, યોગાસન,યષ્ટિ, રમતો વગેરે નું પ્રશિક્ષણ
તેમજ ચર્ચા, વકતૃત્વ કળા સાથે આપત્તિ વ્યવસ્થાપન બાળ સંસ્કાર કેન્દ્ર, અભ્યાસિકા જેવા
સેવા કાર્યો અને વર્તમાન પરિસ્થિતિને કેન્દ્રમાં
રાખીને સમાજ જાગરણના કુટુંબ પ્રબોધન, પર્યાવરણ, ગૌ સેવા, નાગરિક કર્તવ્ય, ગ્રામ વિકાસ
સેવા, સંપર્ક, પ્રચાર, વગેરે વિષયો અંગે પ્રશિક્ષણ આપવામાં આવશે. વર્ગમાં 35 શિક્ષકો પ્રશિક્ષણ અને 65 પ્રબંધકો વર્ગની તમામ વ્યવસ્થામાં સહકાર આપશે. 31 મે ના વર્ગનો જાહેર સમાપન
કાર્યક્રમ યોજાશે.જેમાં કચ્છ સૌરાષ્ટ્રના લોકોને
પરિવાર સાથે આવવા એક યાદીમાં અનુરોધ કરાયો છે.