• સોમવાર, 18 મે, 2026

જિલ્લાના મુખ્ય મથકને જોડતા હાઈ-વે પર ભારે વાહનોના અડ્ડાથી વાહનચાલકો મુશ્કેલીમાં

કોટડા (ચ.) (તા. ભુજ), તા. 17 : જિલ્લા મુખ્ય મથક ભુજને જોડતા હાઈ-વે પર ભારે વાહનોના અડ્ડાથી વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. ભુજને જોડતા માધાપરથી શેખપીર ચોકડી તેમજ લાખોંદ ચોકડીથી લાખોંદ ટોલનાકા સુધીના હાઈ-વે પર ભારે વાહનોનાં પાર્કિંગને કારણે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. રોડની બંને બાજુ ટ્રક, ટ્રેલર અને અન્ય માલવાહક વાહનો લાંબા સમય સુધી ઊભાં રહેતાં હોવાથી સામાન્ય વાહનચાલકોને પસાર થવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ભુજ-અંજાર અને ભુજ-ભચાઉને જોડતો આ હાઈ-વે દિવસભર વ્યસ્ત રહે છે. નાનાં-મોટાં વાહનોની સતત અવરજવર વચ્ચે રોડની સાઇડ પર ભારે વાહનો ઊભાં રહેતાં ટ્રાફિક ધીમો પડી જાય છે. ખાસ કરીને સવાર અને સાંજના સમયે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ રહી છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ હાઈ-વે પર આવેલા પેટ્રોલ પંપ, હોટલો અને ટ્રાન્સપોર્ટ ઓફિસો પાસે મોટી સંખ્યામાં ટ્રકો ઊભી રહે છે. ઘણા ટ્રકચાલકો પોતાનાં વાહનો રોડની સાઇડ પર જ પાર્ક કરતા હોવાથી અન્ય વાહનચાલકોને અવરજવરમાં તકલીફ પડી રહી છે. ઘણીવાર વાહનોની લાંબી કતારો પણ જોવા મળે છે. રાત્રિના સમયે રોડ પર ઊભાં રહેતાં ભારે વાહનોને કારણે અકસ્માતનો ભય પણ રહે છે. નાના વાહનચાલકોને ખાસ કરીને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્થાનિકોમાંથી માંગ ઊઠી રહી છે કે, ભારે વાહનો માટે અલગ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવે, જેથી નાના વાહનચાલકો અને રાહદારીઓને રાહત થઈ શકે. 

Panchang

dd