• સોમવાર, 18 મે, 2026

અગનવર્ષાથી કચ્છ આકુળ-વ્યાકુળ

ભુજ, તા. 17 : કચ્છમાં મહત્તમ તાપમાન બે ડિગ્રી ઊંચકાઇને 43 ડિગ્રીના આંક નજીક પહોંચતાં અગનવર્ષાએ ફરી પોતાનો પ્રભાવ વિસ્તારતાં જનજીવન કાળઝાળ બન્યું છે. હવામાન વિભાગે બે દિવસ માટે રાજ્યમાં ગરમ અને ભેજયુક્ત માહોલ રહેવાની આગાહી કરી છે. જિલ્લા મથક ભુજમાં બે ડિગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન 42.6 ડિગ્રીએ પહોંચતાં રવિવારે લૂવર્ષાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા. લૂ ઓકતા ઉની વાયરાઓએ આકરા તાપને બળ પૂરું પાડવાનું કાર્ય કર્યું હતું. આ તરફ કંડલા (એ.)માં પણ એક ડિગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન 42 ડિગ્રીના આંકે પહોંચ્યું હતું. ગરમીનાં કારણે માર્ગો સૂમસામ બનતાં સ્વયંભૂ સંચારબંધી જેવો માહોલ ખાસ કરીને મધ્યાહ્નકાળે જોવા મળ્યો હતો. કચ્છના બે સહિત રાજ્યના 12 શહેરમાં પારો 40 ડિગ્રીને પાર થયો હતો. એ પૈકી 9 શહેરમાં 42 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું. આદિત્યનારાયણે પોતાનો પ્રભાવ વધુ આકરો બનાવતાં જનજીવન પર તેની સ્પષ્ટ અસર વર્તાયેલી જોવા મળી હતી. ગરમીનાં કારણે વિવિધ લૂ લાગવી, પેટ અને શરીર ઝકડાઇ જવા જેવી ફરિયાદોનું પ્રમાણ વધ્યું છે. તંત્રે લૂથી બચવા માટે ખાસ માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. બપોરના સમયે કામ વગર ઘરની બહાર ન નીકળવા લોકોને સૂચના આપવામાં આવી છે.  

Panchang

dd