• સોમવાર, 18 મે, 2026

20 હજાર એમ.ટી. એલપીજી સાથે વધુ એક જહાજ કંડલા બંદરે આવ્યું

ગાંધીધામ, તા. 17 : મધ્ય-પૂર્વમાં ઈરાન - ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ઘર્ષણમાં વિશ્વભરમાં ઊર્જાના સ્રોત અંગે સંકટ ઊભું થયું હતું. દેશમાં પેટ્રોલ - ડીઝલ અને એલ.પી.જી.ની અછત હોવાના ઘટનાક્રમ વચ્ચે એલ.પી.જી. ભરેલું વધુ એક જહાજ અત્યંત સંવેદનશીલ અને જોખમી હોર્મુઝ સ્ટેટ પસાર કરીને કંડલા બંદરે આવી પહોંચ્યું હતું, જેનાં કારણે  દેશમાં એલ.પી.જી.ની જરૂરિયાતને પહોંચી વળવા માટે રાહત મળશે, તેવી આશા સેવાઈ રહી છે. મધ્ય-પૂર્વમાં ત્રણ દેશ વચ્ચે ચાલતી તંગદિલીને લઈને  અનેક પ્રકારની મુશ્કેલી ઊભી થઈ છે.  આ સ્થિતિને લઈને દેશની  નિકાસ ઉપર અસર પહોંચી છે. વધુમાં આયાત-નિકાસ ઉદ્યોગને અસર પડતાની સાથે આખી પરિવહન કડીમાં વિક્ષેપ સર્જાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  દેશમાં ઊર્જાના સ્રોતનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા રાષ્ટ્રજોગ સંદેશમાં અપીલ કરી  ભાવિ સંકટ ઉપર ચિંતા વ્યક્ત કરી હતી. આ વચ્ચે 20 હજાર મેટ્રિક ટન લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ (એલ.પી.જી.) સાથે માર્શલ આઈલેન્ડ ધ્વજવાળું જહાજ `એમવી સ્યામી' કતારથી મુસાફરી શરૂ કરી 13 મેના હેર્મુઝ સ્ટેટ પસાર કરી શનિવારે રાત્રે 11.30 વાગ્યે દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલાની જેટી નં. એક ઉપર આવી પહોંચ્યું હતું. માર્ચ મહિનાની શરૂઆતથી 13 ભારતીય ધ્વજવાળાં જહાજ  હોર્મુઝ સ્ટેટમાંથી આવી ચૂક્યાં છે, જેમાં 12 એલ.પી.જી. ટેન્કર અને એક ક્રૂડ ઓઈલ ટેન્કરનો સમાવેશ થાય છે. આકસ્મિક રીતે ઊર્જા અને પુરવઠા પ્રવાહને સુરક્ષિત રાખવા અંગે સંયુક્ત રાષ્ટ્ર આર્થિક અને સામાજિક પરિષદની વિશેષ બેઠક યોજાઈ હતી. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પર્વતનેની હરીશે જણાવ્યું હતું કે, વાણિજ્ય શિપિંગને નિશાન બનાવવું, નાગરિક ક્રૂને જોખમમાં મૂકવું અને હોર્મુઝ સ્ટેટમાં નેવિગેશનની સ્વતંત્રતાને અવરોધવું અસ્વીકાર્ય છે. 

Panchang

dd