• સોમવાર, 18 મે, 2026

પ્રખર તાપ વચ્ચે કચ્છમાં ઠેર ઠેર પાણીનો પોકાર

ભુજ, તા. 17 : અંગારા ઓકતી ગરમી અને લૂના પ્રચંડ પ્રકોપથી કચ્છનું જનજીવન ત્રાહિમામ પોકારી ઊઠયું છે. તાપની વધતી તીવ્રતા સાથે જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં જળસંકટ ઘેરું બની રહ્યું છે. ભુજ સહિતના શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાતાં લોકોને પાણી વગર ટળવળવાનો વારો આવી રહ્યો છે, ત્યારે કચ્છમાં પાણી વિતરણ વ્યવસ્થાને થાળે પાડવા માટે વેળાસર સુચારુ આયોજન ઘડવા કલેકટરે પ્રાંત અધિકારીઓ તેમજ પાણી પુરવઠા તંત્રને તાકીદ કરી છે. જિલ્લાના મોટા ભાગના વિસ્તારમાં નળમાંથી જળનાં દર્શન દુર્લભ બન્યાં છે. છેલ્લા એક પખવાડિયાં કરતાં વધુ સમયથી કચ્છમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરંભે ચડી છે. અંતરિયાળ ગ્રામીણ વિસ્તારની વાત દૂર રહી, ભુજ સહિતના શહેરી વિસ્તારો ટેન્કર આધારિત થઈ ગયા છે. સંકલન સમિતિની બેઠકમાં પાણીની તંગીનો આ મુદ્દો ઊઠતાં કલેકટર અનિલ રાણાવસિયાએ તેની ગંભીર નોંધ લઈ તમામ પ્રાંત અધિકારીઅખોને પાણી પુરવઠા વિભાગ સાથે સંકલન સાધી આ સમસ્યા વેળાસર ઉકેલાય અને પાણી વિભાગ વ્યવસ્થા પાટે ચડે તે જોવા જણાવ્યું છે. કચ્છના ચાર લાખ ઘરોમાં નલ સે જલ યોજના અંતર્ગત પાણી પહોંચતું હોવાના દાવા વચ્ચે વાસ્તવિક સ્થિતિ કંઈક ઓર ચિત્ર રજૂ કરી રહી છે. જિલ્લા મથક ભુજની વાત કરીએ તો અહીં છેલ્લા કેટલાક સમયથી જળસંકટની સ્થિતિ ચિંતા સર્જી રહી છે. નર્મદાનો પૂરતો જથ્થો મળતો હોવા છતાં કયાંક ત્રણ દિવસે, તો કયાંક ચાર દિવસે માંડ એક વાર પાણી વિતરણ થઈ રહ્યું છે. નગરપાલિકાના અને ખાનગી ટેન્કરોના આંટાફેરા વધી ગયા છે. શહેરમાં પાણીની તંગી નિવારવા ભૂતિયાં જોડાણ કાપવા સહિતની ઝુંબેશ પણ હાથ ધરવામાં આવી છે. પૂરતો જથ્થો, વિતરણ વ્યવસ્થામાં ખામી પાણી પુરવઠા વિભાગના જણાવ્યાનુસાર નર્મદાનું 400 એમ.એલ.ડી. પાણી મળવા સાથે સ્થાનિક સોર્સમાંથી બીજો પાણીનો જથ્થો મળે છે ત્યારે એ સ્પષ્ટ છે કે, જળસંકટની સ્થિતિ માનવસર્જિત વધુ છે. વિતરણ વ્યવસ્થામાં ખામીનાં કારણે સમસ્યા વધુ વકરી રહી છે. - અંતરિયાળ ગામો-વાંઢો બની ટેન્કર આધારિત : જિલ્લાના અંતરિયાળ ગામો તેમજ વાંઢો પાણી વિતરણ માટે સંપૂર્ણપણે ટેન્કર આધારિત છે. 150થી વધુ વાંઢો તેમજ અન્ય કેટલાક અંતરિયાળ ગામોમાં પાણી પહોંચાડવા 150થી વધુ ટેન્કર દોડી રહ્યાં છે. ટેન્કરના ચૂકવણા સહિતની બાબતોમાં નાણાકીય ગેરરીતિની સાથે તંત્રની અણઆવડતના આક્ષેપો ઊઠી રહ્યા છે. 

Panchang

dd