ભુજ, તા. 15 : વેટલેન્ડ ઇન્ટર્નેશનલ, સ્વિત્ઝર્લેન્ડ તરફથી દર વર્ષે સમગ્ર એશિયામાં
ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમ્યાન જળચર પક્ષીની ગણતરી કરવામાં આવે છે. પેલિકન નેચર ક્લબ,
ભુજ દર વર્ષે આ ગણતરીમાં ભાગ લે છે. આ વચ્ચે ફેબ્રુઆરી માસમાં ભુજ,
માંડવી તથા અંજાર તાલુકામાં 15 જળપ્લાવિત સ્થળોએ ગણતરી કરાઈ,
જેમાં અંદાજિત 8000 પક્ષીઓની ગણતરી કરાઇ હતી. ગણતરી દરમ્યાન 80 જાતના પક્ષીઓ નોંધાયેલ, જેમાંથી અડધો અડધ યાયાવર હતા.વિશિષ્ટ પક્ષીઓમાં
દરિયાઇ અબલખ, ઊલટી ચાંચ તુતવારી વિ.નો સમાવેશ થાય છે. ગણતરી દરમ્યાન
મોટો હંજ એકની સંખ્યામાં બે જગ્યાએ જોવા મળ્યા તે સૂચવે છે કે, હજી મોટા રણમાં સુરખાબનગરમાં પ્રજનનની પ્રવૃત્તિ ચાલુ જોવા મળી હતી. માંડવી
ખાતે ધોમડાની સંખ્યા 3000 જેવી હતી, જ્યારે કરકરા પક્ષીઓ 2000 જેવાં હતાં. જળચર સિવાયના વિશિષ્ટ
પક્ષીઓમાં ભયગ્રસ્ત કાબરી રામચકલી, અલભ્ય એવું સિરકીર પણ જોવા મળ્યું હતું. યાયાવર બતકોમાં લુહાર, ગયણો, પિયાસણ, શીંગપર, નાની મુરઘાદી, રાખોડી કારચિયા, ચોટીલી કારચિયા ગણાવી શકાય. યાયાવાર કાદવ ખુંદનારા પક્ષીમાં રાખોડી બાટણ,
ટીલિયો, ગારખોદ, કાળીપૂંછ
ગડેરો, નાની-મોટી ખનેલી, ટપકીલી તુતવારી,
રાતા પગ, લીલા પગ તથા નાનો લીલા પગ પણ દેખાયા હતા.
આ ગણતરીમાં પેલિકન નેચર ક્લબના પ્રમુખ નવીન બાપટ, મંત્રી જયસિંહ
પરમાર, સભ્યો શાંતિલાલ વરૂ, ઇબ્રાહીમ દરવાડિયા
તથા ગની ખત્રીએ ભાગ લીધો હતો.