• મંગળવાર, 17 માર્ચ, 2026

કમોસમી વરસાદના વર્તારાથી ખેડૂતોમાં ઉચાટ

ભુજ, તા. 15 : પશ્ચિમી વિક્ષોભની અસરથી કચ્છ સહિત રાજ્યનાં વાતાવરણમાં પલટો આવશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. મહત્તમ પારો ગગડતાં તાપમાં રાહત મળશે, તો 19મીથી 20મી સુધી ગાજવીજ સાથે કમોસમી વરસાદના વર્તારાએ ખેડૂતોમાં ઉચાટ સર્જ્યો છે. રવિવારે સામાન્ય ઉતાર-ચડાવ વચ્ચે તાપનો પ્રભાવ યથાવત્ રહ્યો હતો. રાજ્યમાં રાજકોટ પછી અંજાર-ગાંધીધામ 38.7 ડિગ્રીએ બીજા નંબરનું ગરમ મથક બન્યું હતું. ભુજમાં 38, નલિયામાં 36.4 અને કંડલા પોર્ટમાં 34.8 ડિગ્રી મહત્તમ સામે લઘુતમ તાપમાન 20થી 22 ડિગ્રીની વચ્ચે નોંધાયો હતો. હવામાન વિભાગે કરેલી આગાહીમાં જણાવ્યાનુસાર મહત્તમ પારો ગગડતાં તાપથી રાહત મળશે, તો બુધથી શુક્ર દરમિયાન કચ્છના કેટલાક વિસ્તારમાં પવન-ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસે તેવી સંભાવના દેખાડાઇ છે. જો કમોસમી વરસાદ પડે તો વિવિધ ખેતીપાકોની સાથે કિંમતી કેરીના ફાલને મોટી નુકસાની થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. કમોસમી વરસાદની આગાહીનાં પગલે ખેડૂતોના મુખ પર ચિંતાની લકીરો છવાયેલી જોવા મળી રહી છે. મહત્તમ તાપમાનમાં સામાન્ય ઉતાર-ચડાવ વચ્ચે ખાસ કરીને બપોરના ભાગે તડકાનો પ્રભાવ જોવા મળતાં માર્ગો પર લોકોની ચહલ-પહલ સાવ ઓછી જોવા મળી હતી. 

Panchang

dd