ગિરીશ
જોશી દ્વારા : ફુલાય
(નાની બન્ની), તા. 11 : દેશ-વિદેશનાં લાખો રંગબેરંગી પક્ષીઓ માટે
સ્વર્ગ ગણાતા નાની બન્નીના છારીઢંઢ વિસ્તારને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્થાન મળ્યું છે ને કચ્છની પ્રથમ રામસર સાઈટ
જાહેર કરાઈ છે. વન અને મહેસૂલ તંત્રની વચ્ચે આવેલી ભૂમિમાં જો પક્ષીપ્રેમીઓ કે પર્યટકોને
આવકારવા હશે તો સગવડો વિકસાવવી પડશે,
કેમ કે, પક્ષીઓનો
પડાવ હોય છે એ ઢંઢ સરોવર સુધી ભોમિયા વગર અત્યારે તો પહોંચવું પણ મુશ્કેલ છે. કચ્છમાં વિશ્વસ્તરે જળપ્લાવિત વિસ્તાર
એટલે કે, છારીઢંઢ જાણીતો બન્યો છે. હવે જ્યારે આંતરરાષ્ટ્રીય કક્ષાએ કચ્છના છારીઢંઢને
ખ્યાતિ મળી છે, ત્યારે વર્તમાન સ્થિતિએ ત્યાં શું છે એ
જાણવા `કચ્છમિત્ર'ની ટીમે 41 ડિગ્રી
ગરમીમાં નાની બન્ની વિસ્તાર ખૂંદ્યો હતો. - ઇકો ટૂરિઝમ સેન્ટર : મોટી વિરાણી થઈ ફુલાય પાસેના પશ્ચિમ કચ્છ વન વિભાગ દ્વારા બનાવવામાં આવેલાં
ઈકો ટૂરિઝમ સેન્ટરની અમારી ટીમે મુલાકાત લીધી હતી. આર.એફ.ઓ. વનરાજસિંહ બિહોલાનાં માર્ગદર્શન
હેઠળ ફોરેસ્ટર દિલીપસિંહ પઢિયાર સાથે છારીઢંઢ સંરક્ષણ અભયારણ્ય વિસ્તાર તરફ નીકળ્યા
હતા. - હંજનો પડાવ : ઈકો ટૂરિઝમ સેન્ટરની આસપાસમાં મહેસૂલ વિભાગની
હજારો હેક્ટર જમીન છે અને આ ભૂમિમાં હંજ પક્ષીઓના અલગ-અલગ પડાવ જોવા મળ્યા હતા, પરંતુ છારીઢંઢ સરોવર સુધી પહોંચવા રસ્તાની ખખડધજ હાલતનાં કારણે નાકે દમ
આવી જાય તેમ છે. ચાર કિ.મી. રસ્તો કાચો છે. અહીંથી હાજીપીર સુધી પાકો રસ્તો બનાવાયો
છે, પરંતુ વચ્ચે કાચો માર્ગ છોડી દેવાયો હોવાનું જોવા મળ્યું હતું, પરંતુ આ રસ્તેથી વોચ ટાવર તો સાવ ધૂળિયો માર્ગ છે. સામે કીરો ડુંગરની
ગોદમાં પથરાયેલા આ પક્ષીઓના આશ્રયસ્થાને પહોંચ્યા હતા. ઢંઢમાં પાણી પુષ્કળ જોવા મળ્યું
હતું, પરંતુ ગરમી થતાં પક્ષીઓ ઊડી જાય છે. સવારના ઠંડીના ભાગમાં પક્ષીઓના મોટા
ઝુંડ હોય છે, તેવું દિલીપસિંહે જણાવ્યું હતું. સેન્ટરની
આસપાસ પથરાયેલા હંજ પક્ષીઓ જમીનમાં જ ઊગતું ઘાસ ખાય છે અને બપોરના હંજનાં ટોળાં પણ
ઊડી જાય ને રાતના પરત આવી જાય છે. - રામસરમાં હજુ કંઈ નથી : રામસર સાઈટ જાહેર કરાઈ છે,
પરંતુ તેને લઈને હજુ કોઈ સગવડોનો વિકાસ
થયો નથી. અત્યંત આ અંતરિયાળ અને સરહદને અડીને આવેલી સાઈટ હોવાથી જો પર્યટકોને લાવવા
હોય તો પ્રવાસીઓની જરૂરિયાત મુજબની વ્યવસ્થા વિકસાવવી પડશે. - પરિવર્તન આવશે : રામસર સાઇટ જાહેર કરાઇ ત્યારે રાજ્યના વનમંત્રી
અર્જુનભાઇ મોઢવાડિયાએ જાહેરાત કરી હતી કે,
કચ્છના આ પ્રથમ રામસર સાઇટ અભયારણ્યમાં
મોટું પરિવર્તન આવશે, કેમ કે, અહીં
250થી વધુ પ્રજાતિનાં પક્ષીઓનું આવાગમન હોય છે. નળ સરોવર, ઘુડખર, પોરબંદર પક્ષી અભયારણ્ય જેવી ઇકો ટૂરિઝમને
લગતી સુવિધાઓ વિકસાવવામાં આવશે, એ જોતાં હજુ કોઇ આ વિસ્તારમાં પ્રગતિ જોવા
મળી ન હતી. - ત્રણ હજાર કિ.મી.ની ઉડાન : ખાસ કરીને સાઇબીરિયાથી ત્રણ હજાર કિ.મી.
આકાશમાં ઊડીને કચ્છના મહેમાન બનતા હંજ પક્ષીઓ હજારોની સંખ્યામાં શિયાળા દરમ્યાન અહીં
રોકાણ કરે છે. એ સિવાય સારસ, પેલિકન, ટીટોડી
વગેરે જેવા પક્ષીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે. ઉનાળામાં પરત પોતાના વતનમાં જતા હોવાનું
વનતંત્રના કર્મચારી દિલીપસિંહ પાસેથી જાણવા મળ્યું હતું. - ઇકો ટૂરિઝમ : ઇકો ટૂરિઝમના વિકાસની વાતો થાય છે, ત્યારે પશ્ચિમ કચ્છના નાયબ વનસંરક્ષક હર્ષ ઠક્કરનો સંપર્ક સાધતાં તેમણે
જણાવ્યું હતું કે, રામસર સાઇટને સુરક્ષિત કરવાનું આયોજન ચાલી
રહ્યું છે. પક્ષીઓની સંખ્યા દરવર્ષે વધતી જાય છે, તેને
ધ્યાને લઇ પક્ષી નિહાળવા આવતા પર્યટકો માટે સગવડો કરવામાં આવશે. ગામની એક સમિતિ બનાવી
જરૂરિયાતો ઊભી કરી સંચાલન સોંપવામાં આવશે. - રસ્તો નથી : ઢંઢ
સરોવર અને વોચ ટાવર સુધી પહોંચવા કાચો રસ્તો છે. ખરેખર પાકા રસ્તાની જરૂર છે. - હોમસ્ટેની વિચારણા : આ માટે કલેક્ટર સમક્ષ દરખાસ્ત કરવામાં આવશે
અને પ્રવાસીઓની સુવિધા માટે રસ્તા બનાવવામાં આવશે. અહીં ધોરડોની જેમ નજીકનાં ગામોમાં
હોમસ્ટે રિસોર્ટ વિકસાવવાનું આયોજન છે,
કેમ કે, અમારા
સેન્ટર નજીકની જમીન મહેસૂલ વિભાગની હોવાથી વહીવટી તંત્ર સાથે સંકલન કરી આગળનો પ્લાન
કરાઇ રહ્યો છે.