ગાંધીધામ, તા. 24 : અહીં જોડિયાં શહેરો છેલ્લા
15 દિવસથી પીવાનાં પાણીની હાડમારી
ભોગવી રહ્યાં છે તે વચ્ચે ટપ્પર-વરસામેડીથી
આવતાં 40 એમએલડી પાણીમાંથી ગાંધીધામના
રામબાગ પાણીના ટાંકા ઉપર માત્ર 25 એમએલડી સુધીનું
જ પાણી પહોંચે છે. 15 એમએલડીની
આસપાસ પાણી ક્યાં પગ કરી રહ્યું છે તે સહિતના સવાલો જાગૃત નાગરિકો દ્વારા ઊઠાવવામાં
આવી રહ્યા છે. ઉનાળાના પ્રારંભે પીવાનાં પાણીની
ગંભીર કટોકટી સર્જાઈ રહી છે, ગાંધીધામના
અનેક વિસ્તારોમાં સપ્લાય ખોરવાય છે, તો આદિપુરના ઘણા વિસ્તારોમાં
સપ્લાય મોડું થઈ રહ્યું છે. લોકો બુંદ બુંદ પાણી માટે તરસી રહ્યા છે, રામબાગ પાણીના ટાંકા ઉપર માત્ર 22થી 25 એમએલડી સુધી
જ પાણીનો જથ્થો પહોંચી રહ્યો છે. આ અંગે પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓનો સંપર્ક સાંધતા તેમણે મહાનગરપાલિકાને 40 એમએલડીથી વધુ પાણી આપવામાં
આવી રહ્યું છે તેમ જણાવ્યું હતું, જ્યારે
બીજી તરફ મહાનગરપાલિકાના સંબંધિત વિભાગનો સંપર્ક કરતા તેમણે રામબાગના ટાંકા ઉપર માત્ર
22થી 25 એમએલડી જ પાણી આવી રહ્યું છે. પાણી પુરવઠા બોર્ડના દાવા મુજબ
જો 40 એમએલડી પાણી આપવામાં આવતું
હોય અને રામબાગમાં માત્ર 25 એમએલની પહોંચતું
હોય, તો
15 એમએલડી પાણી ક્યાં જાય છે તે
સહિતના ગંભીર સવાલો ઊભા થયા છે. મહાનગરપાલિકાના પાણી વિભાગ દ્વારા પાણી ઓછું મળતું
હોવા બાબતે મનોમંથન કરે છે, પાણી પુરવઠા
બોર્ડના પાણીનો ફ્લો બરોબર છે, લગભગ 4500ની આસપાસનો પાણીનો ફ્લો મળી
રહ્યો છે, પરંતુ પાણી ઓછું આવે છે. પીવાના પાણીની હાડમારીથી
શહેરી અને ગ્રામીણ વિસ્તારના લોકો મહાનગરપાલિકા કચેરીમાં રજૂઆત કરવા આવી રહ્યા છે.
ઉનાળાનો પ્રારંભ છે, ત્યારે આવી ગંભીર સમસ્યા સર્જાઇ રહી છે.
મધ્ય ભાગમાં સ્થિતિ વધુ ગંભીર બનવાની ભીતિ જાગૃત નાગરિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી
રહી છે. ખાસ કરીને મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવે તેવી તેવી
માંગ શહેરના પ્રબુદ્ધ નાગરિકો દ્વારા કરવામાં આવી રહી છે. - કોર્પોરેશનમાં
સમાવેશ પછી મેઘપર કુંભારડીને પાણી મળતું નથી : મેઘપર કુંભારડીનો મહાનગરપાલિકામાં સમાવેશ થયા બાદ અહીં પીવાનાં
પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. 12 જાન્યુઆરીએ
પાણી આવ્યા પછી ત્રણ ફેબ્રુઆરીએ પાણી આવ્યું હતું. મહાનગરપાલિકાના અધિકારીઓને અને કર્મચારીઓને
અનેક વખત લોકોએ રજૂઆતો કરી છે છતાં નિયમિત પીવાનું પાણી મળતું નથી, અગાઉ ગ્રામ પંચાયત સમયે અહીં પીવાના પાણીની
સમસ્યા નહીંવત હતી, પણ જ્યારથી ગામનો કોર્પોરેશનમાં સમાવેશ થયો
છે, ત્યારથી આ સમસ્યા ગંભીર બની છે કમિશનર દ્વારા તાકીદે પગલાં
ભરવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે.