• ગુરુવાર, 26 ફેબ્રુઆરી, 2026

ભય ત્યાગી, આત્મવિશ્વાસ સાથે 294 ડ્રોપઆઉટ દીકરી આપશે બોર્ડની પરીક્ષા

ડો. પૂર્વી ગોસ્વામી દ્વારા : ભુજ, તા. 24 : કચ્છ મહિલા વિકાસ સંગઠન (કેએમવીએસ) દ્વારા ચાલતાં અખર સેન્ટરોમાં 294 ડ્રોપ આઉટ દીકરી આવતીકાલથી ધો. 10 અને 12 બોર્ડની પરીક્ષા આપશે. ક્યારેય શાળાએ ન ગયેલી અથવા અભ્યાસ અધવચ્ચે છોડેલી દીકરીઓને પોતાના ગામમાં, પોતાના સમય મુજબ ફરી ભણવાની તક મળે એ રીતે `અખર સેન્ટર મારા સપનાનું ઘર' શરૂ કરાયા છે, જેમાં કચ્છના વિવિધ સાત તાલુકામાંથી અત્યાર સુધી એક હજારથી વધુ દીકરીએ પોતાના સાકાર જીવનનું સ્વપ્ન પૂરાં કરવા હિંમતભેર આગળ આવી છે. ગત વર્ષે કુલ 880 દીકરીએ બોર્ડની પરીક્ષા આપી, જેમાંથી 450 દીકરી સફળતાપૂર્વક પાસ થઈ હતી. ચાલુ વર્ષે કુલ 294 દીકરી પૈકી 50 12મામાં અને બાકીની 10મા ધોરણની પરીક્ષા આપશે.  - અખર સેન્ટર પહેલની શરૂઆત : 2021-22ના કોરોનાકાળ બાદ કેએમવીએસએ અંજાર તાલુકાના મોડસર ગામમાં સર્વે કર્યો હતો, તેમાં જાણવા મળ્યું કે, એકસાથે 20થી 30 જેટલી દીકરી ધોરણ આઠમાંથી ડ્રોપઆઉટ થઈ ગઈ. જેના બે મુખ્ય કારણ હતાં, એક નબળી આર્થિક પરિસ્થિતિ અને બીજું રૂઢિચુસ્ત માનસિક વલણ. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સંસ્થાએ ગામની ગ્રામ પંચાયતને જોડીને એક નવું મોડેલ રજૂ કર્યું કે, જો પંચાયત પોતાના ફંડમાંથી શિક્ષકનું મહેનતાણુ ચૂકવે અને દીકરીઓને તેમના જ ગામમાં થોડા કલાકો માટે ટયૂશન જેવું ભણાવવામાં આવે તો તેમનું શિક્ષણ અટકશે નહીં અને તેઓ બોર્ડની પરીક્ષા આપી રોજગારી ક્ષેત્રે સક્ષમ બની શકશે. - પહેલને હકારાત્મક આવકાર : અખર સેન્ટરની શરૂઆત થાય એ પહેલાં જ ગામની બહેનોએ પહેલને વધાવી લીધી અને પોતે મજૂરી કરતી હોવા છતાં દીકરીઓનાં ભવિષ્ય માટે પોતાની બચતમાંથી અખર શિક્ષકનું મહેનતાણું ચૂકવવા સુધીની તૈયારી બતાવી. એ પછી તો ગાંધીધામની કાર્બન એજ કંપનીના સીએસઆર ફંડ મારફતે અંજાર તાલુકાના 10 ગામમાં અખર સેન્ટર શરૂ કરવા સહયોગ મળ્યો અને આજે અંજાર, ભુજ, ભચાઉ, રાપર, અબડાસા, ગાંધીધામ, માંડવી તાલુકામાં સંસ્થા દ્વારા કુલ 40 સેન્ટર અને 42 શિક્ષક જોડાયા છે. આ સમગ્ર પહેલને સફળ બનાવવા માટે સંસ્થાના ડાયરેક્ટર કૃતિ લહેરુ તથા યુવા ટીમના સભ્યો રિંકલ દાવડા, મયૂર ચાવડા અને શબનમે અવિરત મહેનત કરી છે.- નિંગાળ ગામની રઝિયા કેવરની મજૂરીથી પુસ્તક સુધીની સફર : `રઝિયા પોતાના મુસ્લિમ કેવર સમાજમાં 10મું પાસ કરનારી પ્રથમ દીકરી છે, જે આ વર્ષે 12મા બોર્ડની પરીક્ષા આપશે. નિંગાળ ગામ બાલિકા પંચાયતની આ સરપંચ દીકરીએ મજૂરી કામ કરતા કરતા 10મું પાસ કર્યું હતું. સંસ્થા સહયોગ અને આત્મસાહસથી આજે આ રઝિયાએ પોતાની બહેનને પણ પરીક્ષા આપવા પ્રેરણા આપી છે.' - ગણિત-વિજ્ઞાન જેવા વિષયોના ભયથી બહાર આવી આત્મવિશ્વાસ સાથે આપશે બોર્ડની પરીક્ષા : મિત્તલ જરૂ, નિંગાળ  : `સેન્ટરના બીબીએ ભણેલા શિક્ષક મિત્તલબેનએ કહ્યું, આખું વર્ષ ખૂબ પ્રેક્ટિસ કરાવી છે. ગણિત-વિજ્ઞાન જેવા અઘરા વિષયોથી ડરતી દીકરીઓને તનતોડ મહેનત કરવા સતત પ્રેર્યા છે. ઘરની પરિસ્થિતિની જવાબદારીનું વહન કરતી વિદ્યાર્થિનીઓએ સેન્ટર પર કરેલા પરિશ્રમથી સફળતા જરૂર મળશે.' - દીકરીઓ `તને શરમ નથી આવતી ?' જેવા ચાબખાની બદલે ખુદના સપનાને પ્રાધાન્ય આપતી થઈ છે : દશરથ બોખાણી, ખંભરા  : `એમ.એ. બી.એડ. શિક્ષક દશરથભાઈ દક્ષા મોહિત મહેશ્વરીનું ઉદાહરણ આપી કહે છે કે, દક્ષાબેનનાં લગ્ન થઈ ગયાં છે અને પ્રાઇવેટ કંપનીમાં 25000ના માસિક પગારની નોકરી કરે છે, છતાં શાળાના છોડયાનાં 10 વર્ષ બાદ બોર્ડની પરીક્ષાની તૈયારી બતાવી. ગામમાં તેને મહેણું મળતું કે, તને શરમ નથી આવતી? તને શું જરૂર છે પરીક્ષા આપવાની? પરંતુ સ્વવિકાસ અને ઉચ્ચ તકોની પ્રાપ્તિ માટે દક્ષાએ 10મું પાસ કર્યું, જેમાં સસરાપક્ષ તરફથી સહકાર મળ્યો અને આ વર્ષે તે 12મા બોર્ડની પરીક્ષા આપશે. સેન્ટરની શરૂઆતથી શિક્ષક તરીકે જોડાયાનો મને આનંદ છે કે, ડ્રોપઆઉટ દીકરીઓ ભણીગણીને આગળ વધી રહી છે.' - જિંદગી દીકરીઓને ફરી મોકો આપી રહી છે : ડાયરેક્ટર કૃતિ લહેરુ : `કૃતિબેનએ આ `અખરયાત્રા'માં સહભાગી દીકરીઓના આત્મબળને સલામ કરતાં આગળનો માર્ગ કૌશલ્ય અને રોજગારી સાથે જોડીને સમગ્ર કચ્છમાં સાક્ષરતા દરને ઊંચો લાવવાની દિશામાં સંસ્થા તત્પર છે, એવું જણાવ્યું હતું. જિંદગી તેમને ફરી મોકો આપી રહી છે, જેને સ્વીકારી દીકરીઓ આગળ વધી રહી છે, `િગવ બેક ટુ ધ સોસાયટી'ના મંત્રને સાથે લઈ એની દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યમાં સહભાગી બને તેવી શુભેચ્છા આપી છે.'   

Panchang

dd