• મંગળવાર, 25 જૂન, 2024

હબાયમાં ભીમ અગિયારસે વાઘેશ્વરી કુંડની શ્રદ્ધાભેર સફાઇ સાથે સર્જાયો મેળાનો માહોલ

રમેશ આહીર દ્વારા

રાયધણપર (તા. ભુજ), તા. 31 : નિર્જળા એકાદશી ભીમ અગિયારસ એટલે મોટાભાગે ઉપવાસ માટેનો દિવસ ગણાય છે, પરંતુ તાલુકાના હબાય ખાતે ભીમ અગિયારસ એટલે શ્રદ્ધા અને પરંપરાનો જાણે?ઉત્સવ બની જાય છે. આ ગામે મા વાઘેશ્વરીના મંદિર સંકુલની પાસેના જળકુંડમાં વર્ષોથી આજે પણ કુદરતી પાણી છલકતું રહે છે. દરવર્ષે ભીમ અગિયારસના દિવસે અહીંના જળકુંડની સફાઇ હાથ ધરવામાં આવે છે અને જળકુંડનું પાણી ઉલેચી ભૂગર્ભમાં આવેલા માતાજીના પદચિહ્નો સમક્ષ દીવો મૂકી પૂજન કરવામાં આવે છે અને ત્યાર પછી કુદરતી રીતે જ ફરીથી આ કુંડ પાણીથી ભરાવાનું શરૂ થઇ જાય છે, જે આખું વર્ષ અખૂટ રહે છે. આ પરંપરા આજેય જળવાઇ રહી હતી. વાઘેશ્વરી મંદિરના પૂજારી લક્ષ્મણગિરિ ગોસ્વામીએ જણાવ્યું કે, આ મંદિર સંકુલમાં આવેલા જળકુંડની ભીમ અગિયારસના દિવસે સફાઇ કરવાની પરંપરા ઘણા વર્ષોથી ચાલી આવે છે. આજે બુધવારે ભીમ અગિયારસ હોવાથી વહેલી સવારથી જ ભાવિકોનો પ્રવાહ હબાય તરફ શરૂ થયો હતો. ઘણા બધા ભાવિકો પગપાળા પણ હબાય પહોંચ્યા હતા અને વાઘેશ્વરી મંદિરે શીશ ઝુકાવ્યું હતું. આજના આ વિશેષ પ્રસંગે હબાય ખાતે જ મંદિરે દર્શન કરવા આવેલા પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઇ આહીરે જણાવ્યું કે, મા વાઘેશ્વરીના આશીર્વાદ ભાવિકોને હાજરાહજુર છે. સમગ્ર પંથક અને ભાવિકો ઉપર માતાજીની ખૂબ કૃપા છે. સવારથી જ જળકુંડની સફાઇમાં ભાવિકો અને હબાય ગામના યુવાનો જોડાયા હતા. અંદાજે 12 વાગ્યાની આસપાસ કુંડ  ઉલેચાયા બાદ માતાજીના જયનાદ સાથે મંદિરના પૂજારી લક્ષ્મણગિરિ કુંડના ભૂગર્ભમાં ઊતર્યા હતા અને કુંડના ભૂગર્ભમાં રહેલા માતાજીના પદચિહ્નો સમક્ષ દીવો મૂકી પૂજા કરી હતી. વર્તમાન સમયમાં આ કુંડનું પાણી ઉલેચવા માટે ડીઝલ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ ભૂતકાળમાં આ કુંડ ભાવિકો દ્વારા જાતમહેનતથી દોરી-ડોલ સિંચીને અને કોશ વડે કુંડને ખાલી કરવામાં આવતો હતો. ભીમ અગિયારસ હોવાથી સવારથી જ ભાવિકો મંદિર પરિસરમાં ઊમટી પડતાં મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો. હબાયના સરપંચ ત્રિકમભાઇ આહીર, અગ્રણીઓ હમીરભાઇ, કાનજીભાઇ કેરાસિયા, લખમણભાઇ, પૂર્વ સરપંચ ધનજીભાઇ રાણા આહીર સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી સહયોગ આપ્યો હતો. વાઘેશ્વરી મંદિરે નિજમંદિરમાં કલ્પેશ મારાજે ભાવિકોનો પ્રસાદ માતાજીને ધર્યો હતો. આજના દિવસે કુંડ સફાઇ કરતી વખતે તળિયેથી નીકળતી માટી ચામડીની કોઇપણ પ્રકારની સમસ્યા માટે આશીર્વાદરૂપ હોવાની ભાવના હોવાથી દરવર્ષે મોટી સંખ્યામાં ભાવિકો આ માટીને  પ્રસાદના રૂપમાં ઘરે લઇ જતા હોય છે. ડુંગરોની હારમાળા વચ્ચે વસેલું હબાય ટ્રાન્સપોર્ટ નગરી કહેવાય છે. મા વાઘેશ્વરીના આ ગામમાં બેસણા હોવાથી ગામના કોઇપણ ટ્રકમાલિક દ્વારા નવી ટ્રક લાવે એટલે સૌ પ્રથમ ટ્રકને મંદિરે લાવી પૂજન કરાય છે. ભીમ અગિયારસના ઉપસ્થિત ભાવિકો માટે?ફરાળ મહાપ્રસાદની વ્યવસ્થા મંદિર તરફથી થઇ હતી. 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang