ભુજ, તા. 1 : આગામી 15 ઓગસ્ટ-સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની
ઉજવણી ભચાઉ ખાતે કરવામાં આવશે, તે અંગે
જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ હતી. કલેક્ટર આનંદ પટેલે નાગરિકોને
મહત્તમ સંખ્યામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સહભાગી થવા જણાવ્યું હતું તેમજ કાર્યક્રમ
સાચારુ રીતે યોજવા અંગે ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડયું હતું. અલગ-અલગ
વિભાગની કામગીરીની સોંપણી કરાઇ હતી. ઉપરાંત કાર્યક્રમની પૂર્વ તૈયારી માટે ભચાઉમાં
સ્થળની પસંદગી, શહેરમાં શુશોભન, વૃક્ષારોપણ,
સ્ટેજ, મંડપ અને પાણી વ્યવસ્થા, આમંત્રણ પત્રિકા, સાંસ્કૃતિક કાર્યક્રમો, સન્માન કાર્યક્રમ, પાર્કિંગ વ્યવસ્થા, ટ્રાફિક નિયમન, તબીબી સુવિધા, જાહેર
કચેરીઓ પર રોશની તથા રિહર્સલ સહિતના મુદ્દાઓ ચર્ચાયા હતા. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી
ઉત્સવ ગૌતમ, પૂર્વ કચ્છ પોલીસ અધીક્ષક સાગર બાગમાર, તાલીમી સનદી અધિકારી એમ. ધારિણી, નિવાસી અધિક કલક્ટિર
ડી.પી. ચૌહાણ, ભચાઉ પ્રાંત અધિકારી જ્યોતિ ગોહિલ, જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર, જિલ્લા આયોજન અધિકારી
જે.સી. રાવલ, ભચાઉ મામલતદાર મોડસિંઘ રાજપૂત, ભચાઉ તાલુકા વિકાસ અધિકારી વજેસિંઘ પરમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.