ભુજ, તા. 13 : તાજેતરમાં ભુજ તાલુકા પંચાયતની
વર્તમાન સભ્યોની અંતિમ સામાન્ય સભામાં 50.85 કરોડની પુરાંતવાળાં બજેટને સર્વાનુમતે બહાલી અપાઇ હતી. પ્રમુખ
વિનોદભાઇ વરસાણીનાં અધ્યક્ષસ્થાને તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં બોલાવાયેલી સામાન્ય
સભામાં વર્ષ 2026-27ના રૂા. 284.35 કરોડના અંદાજ પત્રને બહાલી
અપાઈ હતી, જેમાં
2026ની સંભવિત ઉઘડતી સિલક 38.87 કરોડ, વર્ષ 2026-27માં થનાર અંદાજિત આવક રૂા.
245.48 કરોડ, વર્ષ 2026-27 દરમ્યાન થનાર ખર્ચ રૂા. 233.50 કરોડ સામે વર્ષ 2026-27 દરમ્યાન રૂા. 50.85 (પચાસ કરોડ પંચ્યાસી લાખ)નાં
પુરાંતવાળાં બજેટને આખરી બહાલી આપવામાં આવી હતી. સભાની શરૂઆતમાં નવા હાજર થયેલા તાલુકા
વિકાસ અધિકારી દીક્ષિત ઠક્કરનું સ્વાગત કરાયું હતું. ત્યારબાદ માસિક હિસાબોનું વાંચન
નાયબ હિસાબનીશ મનીષદાન ગઢવીએ કર્યું હતું. પ્રમુખ સ્થાનેથી જાંબુડીથી કોટડા (ઉ.) ગામને
અલગ મહેસૂલ ગામ કરવા ઠરાવવામાં આવ્યું હતું. સભાના સચિવ તરીકેની કામગીરી તાલુકા વિકાસ
અધિકારી દીક્ષિત ઠક્કરે સંભાળી હતી. સંચાલન વિસ્તરણ અધિકારી બી. ડી. મહેશ્વરીએ કર્યું
હતું. તાલુકા પંચાયતની આ છેલ્લી સભામાં તાલુકા પંચાયતના મોટાભાગના સભ્યો હાજર રહ્યા
હતા. મદદનીશ તાલુકા વિકાસ અધિકારી એમ. આર. મહેશ્વરી,
મહિમ્નાબેન ધોળકિયા, વિસ્તરણ અધિકારી માવજીભાઇ
પરમાર, મીરાંબેન ગઢવી, કૌશિકાબેન મજેઠિયાએ
સહયોગ આપ્યો હતો.