ગાંધીધામ, તા. 13 : શહેરમાં રહેતા એક વૃદ્ધની ભીમાસર
ખાતેની જમીન પચાવી પાડવા તેમનું, તેમની
પત્નીનું ખોટું મરણ પ્રમાણપત્ર બનાવી, ખોટું પેઢીનામું બનાવી
તેને સાચા તરીકે મામલતદાર કચેરી અંજારમાં રજૂ કરતાં ચાર શખ્સ સામે પોલીસ મથકે ફરિયાદ
નોંધાઇ હતી. શહેરના સેક્ટર ચારમાં રહેતા અને નિવૃત્ત જીવન ગાળતા ફરિયાદી તારાચંદ ભીખચંદ
શાહના બે દીકરા પૈકી ધીરજનું 20 વર્ષ અગાઉ અકસ્માત થતાં તે ઘરે જ રહે છે, જ્યારે નાનો દીકરો નીરજ દુકાનમાં કામ કરે છે.
ફરિયાદીએ વર્ષ 2006માં ભીમાસર
ગામની સીમમાં આવેલી જમીન વાલા કરશન ઢીલા પાસેથી વેચાતી લીધી હતી. આ જમીનમાં 2026માં હક્કપત્રકમાં નોંધ પડતાં
ફરિયાદીને તેની જાણ થઇ હતી. તેમણે તપાસ કરતાં તેમના પરિવારમાં હિરેન તારાચંદ શાહ કોઇ
ન હોવા છતાં તેનાં નામે નોંધ પડી હતી. તેમણે તેની નકલ મેળવતાં ફરિયાદી અને તેમના પત્નીનું
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી મરણ પ્રમાણપત્ર મેળવી હિરેન તારાચંદ શાહ દીકરો
ન હોવા છતાં ઉદય રાજેશ શાહ (રહે. પરેલ મુંબઇ), જિગર રમણીકલાલ પલણ (રહે. પરેલ- મુંબઇ)ની હાજરીમાં પરવારી ઓફિસ મુંબઇ રૂબરૂમાં
પેઢીનામું બનાવી વારસાઇ નોંધ પડાવવા માટે ઓનલાઇન અરજી કરાઇ હતી. તેમજ આ પ્રકરણમાં પેઢી
પંચનામું પણ કરાયું હતું, જેમાં ઉદય શાહ, જિગર પલણે પંચ તરીકે હાજર રહી તેમના આધારકાર્ડ રજૂ કરાયા હતા. તેની તપાસ કરાતાં
પરેલ મુંબઇમાં આવા કોઇ શખ્સો ન હોવાનું તેમજ જિગર રમણીકલાલ પલણ અંજારનો હોવાનું બહાર
આવ્યું હતું. ફરિયાદી આ કામ અર્થે અંજાર મામલતદાર કચેરીએ હતા, ત્યારે અયાન આહીર તરીકે એક શખ્સે ઓળખ આપી હતી અને હું તમારું કામ પતાવી દઇશ,
ખર્ચો થશે તેમ કહી પોતાના સંપર્ક
નંબર આપ્યા હતા. પોલીસે હિરેન શાહ નામ ધારણ કરનાર, ઉદય શાહ,
જિગર પલણ અને અયાન આહીર સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.