ગાંધીધામ, તા. 13 : મુંદરા તાલુકાના શિરાચા નજીક
કારમાં માદક પદાર્થ લઈ જતા ચાર શખ્સને પોલીસે પકડી પાડયા હતા. આ શખ્સો પાસેથી રૂા.
3,700નો ગાંજો જપ્ત કરવામાં આવ્યો
હતો. માંડવી બાજુથી પ્રાગપર ચોકડી બાજુ આવતી સફેદ રંગની કારમાં માદક પદાર્થ હોવાની
પૂર્વ બાતમીના આધારે ગઈકાલે રાત્રે પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસે શિરાચા ચાર રસ્તા
પાટિયા નજીક હંસીકા ટી હાઉસ પાસે વોચ ગોઠવી હતી,
તેવામાં બાતમીવાળી ગાડી આવતાં પોલીસે આડશ મૂકી આ કારને રોકાવી હતી. આ
કાર નંબર જીજે-12-સીપી-3917માંથી ભરતસિંહ નટુભા ચૌહાણ
(રહે. મુંદરા મૂળ શિરાચા), ભરતસિંહ ગાભુભા
જાડેજા (રહે. મોટા કાંડાગરા), શંકરભા ગાભુભા ચૌહાણ (રહે. ગઢશીશા)
તથા યુવરાજસિંહ ગોહિલ (રહે. મોટા કાંડાગરા) નામના શખ્સોને પકડી પાડયા હતા.કારની ખાલી
બાજુએ સીટ નીચે તપાસ કરાતાં પ્લાસ્ટિકની થેલી મળી આવી હતી. આ થેલીમાંથી વનસ્પતિજન્ય
ડાળખા, બી સાથે ગઠ્ઠા જેવો પદાર્થ મળી આવ્યો હતો, જે ગાંજો હોવાનું આ શખ્સોએ જણાવ્યું હતું. પોલીસે એફએસએલ અધિકારીને બોલાવી
ખરાઈ કરાવતાં આ પદાર્થ ગાંજો જ હોવાનું બહાર આવ્યું હતું. આ શખ્સો પાસેથી રૂા. 3,700નો 370 ગ્રામ ગાંજો જપ્ત કરાયો હતો.
શંકરભા ચૌહાણ નામનો શખ્સ ગઢશીશા પોતાના ઘરેથી આ પદાર્થ લાવી મુંદરા લઈ જતો હોવાનું
કહ્યું હતું, પરંતુ માદક પદાર્થ તેની
પાસે ક્યાંથી આવ્યો તે બહાર આવ્યું નથી.