• શનિવાર, 14 માર્ચ, 2026

રાજ્યમાં વિશ્વનો પ્રથમ કન્ઝ્યુમર રિસ્પોન્સિબિલિટી ઈન્ડેક્સ બનશે

અમદાવાદ, તા. 13 (અમારા પ્રતિનિધિ તરફથી) : રાજ્યના નાગરિક-પુરવઠા વિભાગે એવો નિર્ણય લીધો છે કે, હવે આગામી એક વર્ષ દરમ્યાન રેશનીંગની દુકાનોમાં પેકેજડ વિતરણ વ્યવસ્થા અમલમાં મૂકાશે. જેના  અંતર્ગત તુવેર દાળ, ચણા, ખાંડ છૂટકને બદલે એક કિલોગ્રામના પ્રમાણિત પાકિંગમાં વિતરિત કરાશે. એવી જ રીતે અન્નપૂર્તિ-ગ્રેઇન એટીએમ હેઠળ 24/7 અનાજ મળી રહે તે માટે મેડ ઈન ગુજરાતગ્રેઈન એટીએમની સુવિધા શરૂ કરાશે. જેમાં લાભાર્થી માત્ર 35 સેકન્ડમાં 25 કિલો અનાજ મેળવી શકશે એટલે આ વખતના બજટેમાં રૂા. 10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અહીં મહત્વની બાબત એ છે કે, ગુજરાત સરકારે હવે, કન્ઝ્યુમર રિસ્પોન્સિબિલિટી ઈન્ડેક્સ-સીઆરસી તૈયાર કરવાનું નક્કી કર્યું છે અને એટલે, વિશ્વમાં પ્રથમવાર કંપનીઓને ગ્રાહકો પ્રત્યેના વર્તન અને ફરિયાદ નિવારણના આધારે રાટિંગ આપવા માટે સીઆરસી તૈયાર કરવા એમઓયુ કરવામાં આવ્યા છે. રાજ્ય વિધાનસભા ગૃહમાં અન્ન, નાગરિક, પુરવઠા વિભાગની રૂા. 2856 કરોડની અંદાજપત્રિય માંગણીઓ રજૂ કરાઈ હતી. જે ચર્ચાને અંતે મંજૂર રાખવામાં આવી હતી. આ ચર્ચાને જવાબ આપતાં આ વિભાગના મંત્રી રમણભાઈ સોલંકીએ આ માહિતી આપતાં કહ્યું હતું કે, આ ઉપરાંત સરકારે નવા ગોડાઉનોનું નિર્માણ કરવાનું પણ નક્કી કર્યું છે જે મુજબ, રાજ્યમાં સંગ્રહ ક્ષમતા વધારવા માટે નાબાર્ડની સહાયથી 45 તાલુકાઓમાં 51 નવા ગોડાઉનો બાંધવાની વિચારણા ચાલી રહી છે. જેના કારણે 93,400 મેટ્રિક ટન વધારાની ક્ષમતા ઊભી થશે. બાજરી, જુવાર, રાગી અને મકાઈની ખરીદી પર ખેડૂતોને રૂા. 300 પ્રતિ ક્વિન્ટલ પ્રોત્સાહક બોનસ અપાશે. આ માટે રૂા. 36.51 કરોડની જોગવાઈ કરાઈ છે. મંત્રીના જવાબ મુજબ હવે, નવા બજેટની જાહેરાત પ્રમાણે નવા આઈ.ટી. સેલની રચના કરાશે. જેમાં સ્માર્ટ-પીડીએસ સિસ્ટમના સુદૃઢ અમલીકરણ માટે વિભાગમાં નવા આઈ.ટી. સેલની રચના કરવા માટે રૂા. 2.49 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. કાનૂની માપ વિજ્ઞાન તંત્ર માટે પણ 67 વર્કિંગ સ્ટાન્ડર્ડ લેબોરેટરી સાધનોની ખરીદી કરાશે. 

Panchang

dd