• શનિવાર, 14 માર્ચ, 2026

ઓમાનમાં ડ્રોન હુમલામાં બે ભારતીયનાં મોત

નવી દિલ્હીતા.13 : ઈરાન યુદ્ધથી અશાંત બનેલા મધ્ય-પૂર્વમાં ઓમાનના સોહાર શહેરમાં ઈરાનના ડ્રોન વડે થયેલા એક ભીષણ હુમલામાં બે ભારતીય નાગરિકનાં મોત થયાં હતાં જ્યારે 10 અન્ય લોકોને ઈજા પહોંચી હોવાનું વિદેશ મંત્રાલયે આજે જણાવ્યું હતું. આ ઘટના અંગે વિગતો આપતાં અધિક સચિવ (ગલ્ફ) અસીમ આર. મહાજને જણાવ્યું હતું કે આ હુમલામાં કુલ 11 લોકોને ઈજા પહોંચી હતી જેમાં 10 ભારતીય નાગરિક છે. ઘાગલ થયેલા લોકોમાંથી પાંચને પ્રાથમિક સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જ્યારે બાકીના પાંચ હજુ સારવાર હેઠળ છે. મહાજને જણાવ્યું હતું કે મસ્કત નજીકના સોહાર શહેરમાં થયેલા હુમલામાં બે ભારતીય નાગરિકનાં મોત થયાં હતાં. અમે તેમના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. ઈજાગ્રસ્તોમાંથી 10 ભારતીય છે. તેમાંથી પાંચને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે જ્યરારે પાંચ હજુ સારવાર હેઠળ છે. જોકે, કોઈને ગંભીર ઈજા પહોંચી હોવાના અહેવાલ નથી. અમારો દૂતાવાસ સંબંધિત કંપની અને સ્થાનિક સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છે અને તમામ જરૂરી મદદ પૂરી પાડી રહ્યું છે. દરમ્યાન, અલ જઝીરાના અહેવાલ અનુસાર ઓમાનની સરકારી સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે આજે સવારે એક ડ્રોન અલ-અવાહી ઔદ્યોગિક વિસ્તારમાં ત્રાટક્યું હતું જેમાં બે વિદેશી નાગરિકનાં મોત થયાં હતાં. ઉલ્લેખનીય છે કે આ હુમલો એવા સમયે થયો છે જ્યારે અમેરિકા-ઈઝરાયલના ઈરાન પર આક્રમણ વચ્ચે તંગદિલી ચરમસીમાએ છે. ઈઝરાયલે દાવો કર્યો હતો કે તેણે ઈરાનમાં 200થી વધુ લક્ષ્યો પર હુમલો કર્યો છે જ્યારે બૈરૂતમાં પણ રહેણાક ઈમારતો પર હુમલા થયા છે. 

Panchang

dd