• શનિવાર, 14 માર્ચ, 2026

બિદડામાં 14થી વધુ ગામના લોકોએ સરકારી યોજનાઓનો લાભ લીધો

બિદડા (તા. માંડવી), તા. 13 : માંડવી તાલુકા વહીવટી તંત્ર દ્વારા છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓના લાભો સીધા પહોંચાડવાના હેતુથી  `સેવા સેતુ 2.0' (ગ્રામ્ય) કાર્યક્રમ બિદડા ખાતે યોજાયો હતો. સંયુક્ત કાર્યક્રમમાં બિદડા સહિત આસપાસના જખણિયા, તલવાણા, કોડાય, મદનપુરા, નાના-મોટા આસંબિયા, નાની-મોટી રાયણ, રાજપર ટીંબો, ફરાદી, ધુણઇ અને પુનડી સહિત 14 ગામનો સમાવેશ કરાયો હતો. તાલુકા વિકાસ અધિકારી ઈશ્વરભાઈ માજીરાણા, નાયબ તાલુકા વિકાસ અધિકારી  પ્રકાશભાઈ, નાયબ મામલતદાર  તન્વીબેન, વિસ્તરણ અધિકારી  હર્ષદભાઈ પટેલ તથા બિદડાના સરપંચ જયાબેન છાભૈયાના હસ્તે દીપ પ્રાગટય કરાયું હતું. રમેશભાઈ ગઢવી-તલાટી બિદડા ગ્રામ પંચાયત અને અશ્વિનભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.  ગ્રામજનો દ્વારા અધિકારીઓનું સન્માન કરાયું હતું. તાલુકા વિકાસ અધિકારી ઈશ્વરભાઈ માજીરાણાએ સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી અને વધુમાં વધુ ગ્રામજનો આ તકનો લાભ લે તેવો અનુરોધ કર્યો હતો. કેમ્પ દરમિયાન એક જ સ્થળેથી લોકોને ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના, પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના અને રસીકરણની કામગીરી, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, સોઈલ હેલ્થ કાર્ડ અને કિસાન ક્રેડિટ કાર્ડ, આવકના દાખલા, જાતિના દાખલા, આધારકાર્ડને લગતી કામગીરી અને રેશનકાર્ડની સેવાઓ, સુકન્યા સમૃદ્ધિ યોજના, પોસ્ટ ઓફિસ સાવિંગ ખાતું, બેન્કિંગ સેવાઓ અને પી.એલ.આઈ. (ટર્મ પ્લાન) સહિતની સેવાઓ પૂરી પડાઇ હતી. કાર્યક્રમમાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઊમટયા હતા. પડતર પ્રશ્નો તેમજ સરકારી યોજનાઓના ફોર્મનું સ્થળ પર જ નિરાકરણ લાવવામાં આવ્યું હતું.  સંચાલન અને આભારવિધિ પ્રવીણભાઇ પટેલે કર્યા હતા.   

Panchang

dd