ગાંધીધામ, તા. 12 : ઇરાન, ઇઝરાયલ, અમેરિકાનાં યુદ્ધને
પગલે ગૃહિણીઓના રસોડાને સીધી અસર પહોંચી છે. છેલ્લા કેટલાક સમયથી આ શહેર સંકુલમાં વહેલી
સવારથી લોકો રાંધણગેસના બાટલા લેવા લાઇનોમાં ઊભા રહી જતા હોય છે. બીજીબાજુ કાળા બજારિયાઓએ
કમાવી લેવા કમર કસી છે. આ શહેર સંકુલમાં તેમજ આસપાસની સોસાયટીઓમાં અમુક જગ્યાએ ગેરકાયદે
રિફીલિંગ થાય છે. સાથોસાથ અમુક ગેસ એજન્સીના સંચાલકો ખુદ પણ કાળાબજાર કરી રહ્યા હોવાનું
આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું. યુદ્ધનાં પગલે રાંધણગેસનું સંકટ ઊભું થયું છે. લોકો
સવારથી ગેસની બોટલ લેવા લાઇનોમાં ઊભા રહી જતા હોય છે. અનેક લોકોને વગર બોટલે પરત ફરવાનો
વારો આવે છે. અનેક લોકો ઇલેક્ટ્રિક સગડી કે બળતણ તરફ વળ્યા છે. આવામાં કોમર્શિયલ બોટલની
માંગને પહોંચી વળવા કાળા બજારિયા સક્રિય થઇ ગયા છે. ગાંધીધામ, આદિપુર તેમજ આસપાસની સોસાયટીઓમાં અમુક દુકાનો, વાડાઓમાં
આ કૌભાંડ ચાલતું હતું. આ કૌભાંડીઓ એજન્સીના અમુક પલળેલા કર્મીઓ સાથે મળી બોટલ મેળવી
માંગ પ્રમાણે ઘરેલુ કે કોમર્શિયલ બોટલ ભરીને બજારમાંથી એક બોટલના 4000થી 5000 ઉઘરાવી રહ્યા છે. ઘરેલુ બોટલ
માટે હવે ઓનલાઇન પ્રક્રિયા પણ બંધ થઇ ગઈ હોવાનું લોકો જણાવી રહ્યા છે, ત્યારે વહેલી સવારે લોકો એજન્સીએ જઇને બોટલ
મેળવી રહ્યા છે. બીજીબાજુ કોમર્શિયલ બોટલ વેચાણ ઉપર પ્રતિબંધ આવતાં માંગને પહોંચી વળવા
ભેજાબાજોએ કમર કસી છે. અમુક એજન્સીઓમાં ઘરેલુ રાંધણગેસની બોટલમાંથી ગેસ કાઢી મોટી બોટલમાં
ગેસ ભરી કોમર્શિયલ બોટલ ઊંચા ભાવે વેચવામાં આવે છે, જેનાં કારણે પણ ઘરેલુ ગેસ લોકોને
ન મળતું હોવાનું જાણકાર લોકો જણાવી રહ્યા છે. લોકોને પરેશાન કરી ધક્કા ખવડાવી ઘરેલુ
રાંધણગેસ ન આપી આવી રીતે કોમર્શિયલ ગેસના કાળાબજાર કરતાં તત્ત્વો સામે લાલઆંખ કરી જેલના
સળિયા પાછળ ધકેલી દેવા લોકોમાં માંગ ઊઠી હતી. પોલીસ દ્વારા કરાયેલી કાર્યવાહી પાશેરામાં
પૂણી સમાન હોવાનું પણ લોકો જણાવી રહ્યા છે.