• શનિવાર, 14 માર્ચ, 2026

AI જાદૂઇ ચિરાગ છે; ઉપયોગ શીખી લ્યો...

ગાંધીધામ, તા. 13 : આદિકાળથી અવિરતપણે પરિવર્તનનો ઘટનાક્રમ ચાલુ જ રહ્યો છે, જે ભવિષ્યમાં પણ યથાવત્ રહેશે. આર્ટિફિશિયલ  ઈન્ટેલિજન્સ (એ.આઈ.) શબ્દ આવતાની સાથે સમાજનો બહોળો વર્ગ ચિંતામાં છે. એ.આઈ. ઘણા બધાની નોકરી ખાઈ જશે સહિતના મુદ્દાને લઈને લોકોમાં ભય પ્રવર્તિ રહ્યો છે, પરંતુ એ.આઈ.થી ડરવાની જગ્યાએ તેનો સ્વીકાર કરી પોતાનાં રોજિંદાં જીવનને સરળ બનાવવા સાથે વેપાર વાણિજ્યનો બમણી ક્ષમતા સાથે વિકાસ કરવો જોઈએ, તેવું ગાંધીધામ ચેમ્બર ભવન ખાતે જન્મભૂમિ જૂથના અગ્રણી અખબાર કચ્છમિત્ર તથા કચ્છ કોર્પોરેટ ફોરમ તેમજ ગાંધીધામ ચેમ્બરના ઉપક્રમે એ.આઈ. અને સોશિયલ મીડિયા માસ્ટરક્લાસ કાર્યક્રમમાં જણાવ્યું હતું. આ કાર્યક્રમને ગાંધીધામમાં વ્યાપક પ્રતિસાદ સાંપડયો હતો. : જરૂરિયાત મુજબના એ.આઈ. મોડેલ નક્કી કરો  : ગાંધીધામ ચેમ્બર ભવનના હોલ ખાતે આયોજિત ઉપસ્થિત મેદનીને સંબોધતાં સોશિયલ મીડિયામાં 7.5 મિલિયન  ફોલોઅર વર્ગ ધરાવનાર અને નાણાંકીય શિક્ષણ અને બજાર રણનીતિકાર અભિષેક કરે જણાવ્યું હતું કે, પંચતંત્રની વાર્તા ઉપરથી લોકો શીખતા આવ્યા છે.  આ જ પ્રકારે એ.આઈ.ના જુદા-જુદા મોડેલ શીખી રહ્યા છે. આપણી જેવી જરૂરિયાત તે પ્રકારના વિશિષ્ટ એ.આઈ. મોડેલ ઉપલબ્ધ છે.  તમામ કામ એક જ મોડેલ ઉપર શક્ય નથી. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, મર્યાદિત- ટાંચા સાધનો થકી પણ એ.આઈ. માધ્યમના સહકાર સાથે ઉત્તમ  નોંધપાત્ર કામ કરી શકાય. - વિશ્વકર્મા રોબોટ નિર્માતા  : ભૂતકાળમાં ડોકિયું કરતાં શ્રી કરે ઉમેર્યું હતું કે, વિશ્વકર્માજીએ  એ સમયમાં પણ રોબોટ અને પ્લેન બનાવ્યા હતા, પરંતુ હાલમાં આ જ પ્રકારની ટેક્નોલોજીના ક્રમનું પુનરાવર્તન થઈ રહ્યંy હોય તેમ લાગી રહ્યંછે. જે પ્રકારનું ઈનપુટ આપીએ તે પ્રકારે આઉટપુટ મળે છે. બસ આ માટે તે કામનો રોલ, વિષય સહિતની બાબત યોગ્ય હોવી જોઈએ. - એ.આઈ.નાં કામ ઉપર નિરીક્ષણ જરૂરી : વેપારની પેઢીમાં એક જ શેઠ તમામ કામ કરે તો તેની ગેરહાજરીમાં વેપાર ઉપર અસર આવવા લાગે છે, પરંતુ આજની એ.આઈ. આધુનિક ટેક્નોલોજી   વેપારનાં તમામ કામો ગણતરીની મિનિટોમાં પૂરતી ચોક્કસાઈપૂર્વક થઈ શકે છે, પરંતુ તેની ચકાસણી માટે નિરીક્ષકની આવશ્યકતા  છે. વેપારના વિકાસ માટે માપદંડો બનાવવા પડશે. વેપારના વિકાસ માટે નાની ટીમ સાથે પણ બે અને ત્રણગણી ક્ષમતા સાથે કામ કરી શકાય છે, તેવું તેમણે ઉમેર્યું હતું. - તમારી આવડત ઉપર ધ્યાન કેન્દ્રિત કરો  ; ચાણક્ય નીતિ અને સોશિયલ મીડિયાનો સફળતાપૂર્વક ઉપયોગ કેવી રીતે કરવો તેના ઉપર માર્ગદર્શન આપતાં માનસી વાય. ઠક્કરે  ચાણક્ય અને ચંદ્રગુપ્તની વાર્તાને ટાંકીને ઉમેર્યું હતું કે, જાહેર માર્ગદર્શક અને ખાનગી માર્ગદર્શક બે પ્રકારના માર્ગદર્શક રાખવા જોઈએ, જે આપણે સમસ્યામાંથી બહાર લાવવા અને  આગળ વધવા માટે ઉપયોગી બને છે. માર્ગદર્શકનાં કારણે ખોટા નિર્ણયથી બચી શકાય છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, તમારી આવડત ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેનો ફાયદો ઉપાડીને આગળ વધવું જોઈએ. દિવસના સમયમાં તમારી નિપુણતા હોય તેવાં કામો કરવા જોઈએ અને રાત્રિના સમયે ન આવડતી બાબતો શીખવી જોઈએ. જીવનના પ્રત્યેક પડાવમાં સતત શીખતા રહેવું જોઈએ એ પાયાની આવશ્યક્તા છે. મહિલાઓએ પણ પોતાની કુશળતા ઓળખીને આગળ વધવું જોઈએ. પોતાની આગવી શૈલીમાં તેમણે એન - નેટવર્કિંગ, ઈ-એક્સપિરિયન્સ, ઈ-એક્સપરટીસ, ટી-ટ્રાન્સફોરમેન્સ, આઈ -ઈનસાઈડસને ટાંકીને નીતિ ઉપર પ્રકાશ પાડયો હતો. સોશિયલ મીડિયા ઉપર પોતાના સોશિયલ પ્રૂફ અને વિશ્વનીયતા ઉપર કામ  કરવું જોઈએ. વધુમાં તેમણે સફળ વેપાર માટે જુદાં-જુદાં મૂલ્યો અને રણનીતિ વિગેરે ઉપર પ્રકાશ પાડયો હતો. - સાચા ઉપયોગથી એ.આઈ. મુશ્કેલીમાંથી બચાવશે : જમીન જેટલી સારી તેટલું શરૂ વળતર મળે એ જ રીતે એ.આઈ.માં ડેટા જેટલો સાચો હશે તેટલું સચોટ માર્ગદર્શન મળશે, તેવું બે ઓફિસથી પરિવહન ઉદ્યોગ શરૂ કરનારા અને અત્યારે દેશભરમાં 1200 ઓફિસ ધરાવતા વી-ટ્રાન્સના અશોક શાહે વક્તાઓને સંબોધતાં જણાવ્યું હતું. દિન- પ્રતિદિન જીવનમાં તકલીફ આવે તેના સાચા ટેગ સાથે સાચા ફોર્મેટમાં ઉપયોગ કર્યો, તો એ આવી અનેક મુશ્કેલીમાંથી  બચાવી શકશે. વ્યવસાયમાં કોસ્ટ પણ ઓછી થઇ શકે છે. આજે 1200 ઓફિસ 4000ના સ્ટાફ સાથે સંચાલિત થાય છે, જો એ.આઈ. ન હોત તો 6000નો સ્ટાફ પણ ઓછો પડત. ડેટા સાચો હશે તો ગ્રાહકમાં વિશ્વાસનીયતા વધશે. આપણે નવી તક શોધવી પડશે. એ.આઈ.ના ઉપયોગ સાથે જમાનાની સાથે બદલવા તેમણે હાકલ કરી હતી. - નવો આઈડિયા નવી કરન્સી : ઇન્ટરનેટ વપરાશમાં ભારત અગ્રેસર છે તે મહત્ત્વનું પાસું છે. નવો આઈડિયા નવી કરન્સી છે તે આગામી બે વર્ષમાં દેખાશે.  વ્યવસાયમાં આગામી વર્ષમાંથી તક નથી તે ભારતમાં હવે મળશે અને દેશ અગ્રેસર બનશે તે હું કહી સાચી દિશામાં કામ કરવા તેમણે અનુરોધ કર્યો. ચેટજીપીટી, જેમિની સહિતના ટૂલ્સ નિ:શુલ્ક છે, તે સામાન્ય લોકો માટે જે બિઝનેસ માટે એ.આઈ.માં મર્યાદા છે. - એ.આઈ. માટે શીખવાની તૈયારી જરૂરી : કચ્છ કોર્પોરેટ ફોરમના પ્રમુખ મુકેશ દેઢિયાએ વક્તવ્યના આરંભે કહ્યું હતું કે, કોઈ નવું પ્રાણી આવે ત્યારે તેનો ગભરાટ હોય છે. સ્માર્ટ ફોન આવ્યો તેના વિશે શીખવું પડયું એ જ રીતે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં ડરવાની વાત નથી, નવું આવે, નવી શોધ આવે તેને શીખવા માટેની તૈયારી જરૂરી હોવાનું ભારપૂર્વક રીતે જણાવ્યું હતું. કચ્છ કોર્પોરેટ ફોરમ વિશે વાત કરતાં કહ્યું હતું કે, આ સંસ્થા એજ્યુકેશન પ્લેટફોર્મ ટેકનિકલ ગ્રોથની પણ વાત કરે છે. એક્સપ્રેસ-વેમાં ભાગવું જ પડશે. દેશ માટે એમ્પ્લોયમેન્ટ જનરેશન નહીં કરીએ તો મુશ્કેલી ઊભી થશે તેવું કહી સંસ્થા દ્વારા મુંબઈમાં બિઝનેસ હબ માટે યોજાતા કાર્યક્રમ અંગે માહિતી આપી હતી. - કચ્છમાં મુંબઈના વક્તાઓનું માર્ગદર્શન આપવા કેસીએફ તૈયાર : તેમણે કચ્છ માટે પણ ઝૂમ મિટિંગની ટેક્નોલોજીથી બોમ્બેના બિઝનેસ હબ અંગેના કાર્યક્રમો ગાંધીધામ ચેમ્બરનાં માધ્યમથી કરવા માટેની તૈયારી દર્શાવી હતી. ફોરમમાં કચ્છી અને કચ્છમાં વ્યવસાય કરતા લોકોને જ સભ્યો બનાવતા હતા, પરંતુ હવે રાષ્ટ્ર નિર્માણની વાત થાય છે ત્યારે તમામ લોકોને આ સંસ્થામાં જોડવામાં આવતા હોવાનું કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, દુનિયાને બતાવવું છે કે, ભારત વિકસિત રાષ્ટ્ર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકલા નહીં કરી શકે આપણે સૌએ સાથે મળીને કરવું પડશે તેવું તેમણે કહ્યું હતું. - એ.આઈ.ના પાસાં ઉજાગર કરવાની પહેલ : સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનાજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઈ મામણિયાએ અલાદીનના ચિરાગની બાબતનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, એ.આઈ., ચેટજીપીટી, જેમિનીમાં સાચી વસ્તુ નાખશું તો સાચો જવાબ મળશે. અલાદીન સાથે ગાલીચો સ્પીડમાં ચાલતો હતો તેમ એ.આઈ. સાથે સોશિયલ મીડિયા ફાસ્ટ છે. જેમ અલાદીન પ્રેમ ન આપી શકે તેમ એ.આઈ. પાસે સંવેદના નથી. આ ચાર બાબત ઉજાગર કરવા કચ્છમિત્ર, કેસીએફ અને ગાંધીધામ ચેમ્બરે પહેલ કરી હોવાનું કહ્યું હતું. કચ્છના સર્વાંગી વિકાસમાં એ.આઈ.ની પ્રથમ પહેલ કચ્છમિત્રએ કરી હોવાનું જણાવ્યું હતું. - પ્રજાના પ્રશ્નોને વાચા આપવા સૌરાષ્ટ્ર ટ્રસ્ટના અખબાર પ્રતિબદ્ધ : સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ટ્રસ્ટી સંજયભાઈ એન્કરવાલાએ પ્રશ્ન મૂલ્યો અને કાર્યપદ્ધતિ અંગે માહિતી આપી હતી. લોકોના પ્રશ્નોને વાચા આપવામાં સૌરાષ્ટ્ર ટ્રસ્ટના અખબારો અગ્રેસર હોવાનું જણાવ્યું હતું. - બદલાતાં સમયચક્ર વચ્ચે કાર્યક્રમ સમયોચિત : કચ્છમિત્રના તંત્રી દીપકભાઈ માંકડે સમયનું ચક્ર ફરતું રહે છે જો બદલાવ ન લાવીએ તો પાછળ રહી જવાય તેવું કહી ભુજ અને ગાંધીધામમાં આયોજિત આ કાર્યક્રમ સમયોચિત હોવાનું ઉમેર્યું હતું. '80ના દાયકામાં કચ્છમિત્રમાં સમાચારો આવતા હતા. સાડા ત્રણ દાયકામાં કચ્છમિત્ર અને જન્મભૂમિ ગ્રુપના અખબારો નવી ટેક્નોલોજી સાથે અપડેટ થતાં રહ્યાં છે. - એ.આઈ.ના સાચા ઉપયોગનું માર્ગદર્શન  : કચ્છની અગ્રણી વેપારી સંસ્થા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તેજાભાઈ કાનગડે કહ્યું હતું કે, કચ્છમિત્રએ માત્ર સમાચારનાં ક્ષેત્રમાં નહીં, કચ્છના વિકાસમાં પણ મોટું યોગદાન આપ્યું હોવાની લાગણી વ્યક્ત કરી હતી. મુંદરાના ભૂખી નદી પ્રકલ્પને યાદ કરી સૂકા મલકમાં નદીને પુનર્જીવિત કરવાનો કચ્છમિત્રનો આ પ્રકલ્પ મહત્ત્વપૂર્ણ હોવાનો ભાવ વ્યક્ત કર્યો હતો. વર્તમાન સમયમાં એ.આઈ. મહત્ત્વપૂર્ણ છે, ત્યારે તેનો કેમ-કઈ રીતે સાચો ઉપયોગ કરવો તેનું માર્ગદર્શન મળશે, તેવું તેમણે ઉમેર્યું હતું. - યાદગાર કાર્યક્રમ : ચેમ્બરના મંત્રી મહેશ તીર્થાણીએ સમગ્ર કાર્યક્રમનું ઉત્સાહથી સંચાલન કરતાં કહ્યું હતું કે, આ નિષ્ણાત વક્તાઓને બોલાવવાનું કારણ એ જ છે કે, એ.આઈ. વિશે ગેરમાન્યતા દૂર થાય અને બિઝનેસ સમૂહ તેનો લાભ લઈ શકે. આ વેળાએ કચ્છમિત્રના મદદનીશ તંત્રી નિખિલભાઈ પંડયા, મેનેજર મુકેશભાઈ ધોળકિયાઆસિસ્ટન્ટ મેનેજર  હુસેનભાઈ વેજલાણી, ગાંધીધામ ચેમ્બરના સહમંત્રી જતિન અગ્રવાલ, ખજાનચી કૈલેશ ગોર, કમલેશ રામચંદાની, રાકેશ જૈન, અનિમેષ મોદી, હરીશ માહેશ્વરી, જગદીશ નાહટા, રામકરણ તિવારી, નિકુંજ ચોપરા, શરદ શેટ્ટી, રાજીવ ચાવલા, ડેનુ કાંપનિયા, જગદીશ પટેલ, વૂમન્સ વિંગના સુરભિ આહીર, વૈભવી ગોર, જાગૃતિ ઠક્કર, દીપક બજાજ, અભિષેક પારેખ, પ્રકાશ જેઠવાની, નીલેશ અગ્રવાલ, અભિનવ રામચંદાની, ચેમ્બરના પૂર્વ પ્રમુખ મહેશ પુજ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

Panchang

dd