• શનિવાર, 14 માર્ચ, 2026

સુલેહશાંતિના ભંગમાં પીડિત પતિની તરફેણમાં હુકમ

ભુજ, તા. 13 : પાંચેક માસ પૂર્વે પદ્ધર પોલીસમાં પત્નીએ પતિ વિરુદ્ધ ઝઘડા બાબતે અરજી કરી હતી, જેમાં પતિ સામે સુલેહશાંતિના ભંગ બદલની પોલીસે કાર્યવાહી કરી હતી. આથી પતિએ જિલ્લા અદાલતમાં રિવિઝન અરજી કરતાં પીડિત પતિની તરફેણમાં ચુકાદો  આવ્યો છે. ગત તા. 30/10/25ના પ્રવીણભાઇ ઉર્ફે પારસ નારણભાઇ કારેણા (મમુઆરા)ની પત્ની કાંતા વેજાભાઇ કદાવાલાએ પદ્ધર પોલીસ મથકે આપેલી અરજી અનુસંધાને પ્રવીણભાઇ સામે પોલીસે સુલેહશાંતિ ભંગ બદલ 170ની કલમ તળે કાર્યવાહી કરી તા. 6/11ના રાતભર લોકઅપમાં રાખી બીજા દિવસે ભુજ ગ્રામ્ય અદાલતમાં રજૂ કરી સુલેહશાંતિનો ભંગ ન કરવા અંગેના જામીન લેવાયાં હતાં. આ હુકમ સામે પ્રવીણભાઇએ અમદાવાદના એડવોકેટ આશુતોષ દેવડા મારફત ભુજની જિલ્લા અદાલતમાં ફોજદારી રિવિઝન અરજી દાખલ કરી હતી. કાયદા મુજબ જ્યારે કોઇ પણ નાગરિક કે વ્યક્તિ સામે કલમ 170 મુજબની કાર્યવાહી કરવામાં આવે, તે પહેલાં તેને સાંભળવો જરૂરી છે તેમજ તેને નોટિસ આપવી ફરજિયાત છે કે શા માટે તે વ્યક્તિનાં સામે કાર્યવાહી ન કરવી, પરંતુ ઉપરોક્ત કેસમાં કાંઇ પણ ન થતાં રિવિઝન અરજી ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટ જજ મહિડા દિલીપ પી. એ મંજૂર કરી અને પીડિત પતિની તરફેણમાં હુકમ આપ્યો હતો તેમજ એક્ઝિક્યુટિવ કોર્ટમાં જે પાકા જામીન તથા જાતમુચરકા લેવાનો હુકમ રદ કરવામાં આવ્યો તથા જાતમુચરકામાંથી ડિસ્ચાર્જ કરવામાં આવે તેવો હુકમ કર્યો છે. - દાવા અરજી : એક મંજૂર, એક નામંજૂર : માંડવીમાં આવેલી વડિલો-પાર્જિત સંપત્તિમાંથી પ્રતિવાદી બંસરીબેન ખીમજી જેશરાણીએ હકભાગની ના પાડતાં વાદી નલિનીબેન હિંમતસિંહ જેસરાણીએ માંડવી સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરતાં વાદી નલિનીબેનીનો દાવો મંજૂર કર્યો હતો, જ્યારે માંડવીનાં ગામમાં આવેલા વાલજીભાઇ મીઠુભાઇ સંગાર તથા લક્ષ્મીબેન વાલજીભાઇ સંગારની માલિકીના પ્લોટોના વેચાણ કરાર સબબ સુથીની રકમ રૂા. 11 લાખ આપ્યા હોવાનું જણાવી વરઝડીના મણિલાલ કેસરા માવાણી દ્વારા માંડવી સિવિલ કોર્ટમાં દાવા અરજી દાખલ કરી હતી. વાદી દાવો સાબિત ન કરી શકતાં દાવો નામંજૂર થયો હતો. આ બંને કેસમાં વાદી નલિનીબેન અને પ્રતિવાદી મણિલાલ વતી વકીલ તરીકે દેવાયત એન, બારોટ, ખીમરાજ એન. ગઢવી, અંકિત સી. રાજગોર અને વિનય પી. મોતા હાજર રહ્યા હતા. 

Panchang

dd